દર મહિને આપણે જુદા જુદા પ્રકારનાં બિલ ચૂકવવાનાં હોય છે અને એ માટે જુદા જુદા ઠેકાણે જવું પડે છે, હવે નવી વ્યવસ્થાથી બધી જ ચૂકવણી એક સ્થળે થઈ શકશે.
જેમ થોડા સમયથી આપણે કેશલેસ ટ્રાન્ઝેકશન અને તેના પગલે મોબાઇલ વોલેટ, યુપીઆઈ, આઇએમપીએસ, ભીમ વગેરે શબ્દો સતત સાંભળી રહ્યા છીએ, એ જ રીતે ટૂંક સમયમાં ‘બીબીપીએસ’ શબ્દ પણ ગાજશે.
જો તમે મોબાઇલ વોલેટ કે કેશલેસ પેમેન્ટના અન્ય રસ્તાઓ અપનાવ્યા હશે તો તે ચોક્કસ ઘણા સગવડજનક લાગ્યા હશે. એ જ રીતે આ બીબીપીએસ પણ આપણી એક ખાસ મુશ્કેલી ઘણી હળવી બનાવી શકે તેમ છે.
અત્યાર સુધી આપણે મોબાઇલ, ડીટીએચ, મ્યુનિસિપલ ટેક્સ, વીજળી વગેરેનાં બિલ ભરવા માટે અલગ અલગ જગ્યાએ જવું પડતું હતું. ઓનલાઇન પેમેન્ટ અપનાવી લીધું હોય તો પણ દરેક બિલના પેમેન્ટ માટે આપણે જુદી જુદી વેબસાઇટ પર જવું પડતું હતું. આપણે પોતાની બેન્કના નેટબેકિંગ કે મોબાઇલ બેંકિંગમાં બિલ પેમેન્ટની સુવિધા ઉમેરી શકીએ છીએ પરંતુ તેમાં અત્યાર સુધી મર્યાદિત સુવિધાઓ હતી.