થોડાં વર્ષ પહેલાં રીલિઝ થયેલી ‘જુડવા’ ફિલ્મ અને હમણાં રીલિઝ થયેલી ‘જુડવા-૨’ ફિલ્મમાં ફેર શું છે?
ના. આપણે ફિલ્મની સ્ટોરી કે સ્ટારકાસ્ટની વાત નથી કરી રહ્યા. આપણા માટે રસપ્રદ ફેરફાર એ છે કે ૧૯૯૭માં પહેલી ‘જુડવા’ ફિલ્મ રીલિઝ થઈ ત્યારે આપણામાંથી લગભગ કોઈના હાથમાં સ્માર્ટફોન ન હતા અને હવે છે.
તમને થશે કે ફિલ્મ અને સ્માર્ટફોનનું કનેકશન શું છે? કનેકશન એ છે કે, આ ફિલ્મ જોઈને તમને પણ ડબલ રોલ ભજવવાની ઇચ્છા થઈ હોય તો હવે હાથમાંના સ્માર્ટફોનની મદદથી તમે સહેલાઇથી સરસ મજાની ડબલ રોલ જેવી જ ફોટોગ્રાફી કરી શકો છો, અલબત્ત સ્ટીલ ઇમેજીસ સ્વરૂપે!
અગાઉ આવી કરામત કરવા માટે આપણે ફોટોશોપ જેવા સોફ્ટવેરની મદદ લેવી પડતી હતી પરંતુ હવે સ્માર્ટફોનમાં કોઈ એપ વિના અથવા અમુક એપ ઉમેરીને આ કામ સહેલાઇથી કરી શકાય છે.