તમારી સાથે આવું થતું હશે – તમારી ઢીંગલી જેવી દીકરી પૂરી તલ્લીન થઈને એની ઢીંગલી સાથે કંઈક રમત રમી રહી હોય, તમને એના ફોટોગ્રાફ્સ લઈ લેવાનું મન થાય, તમે સ્માર્ટફોન લઈને તેની સામે ધરો એ સાથે તેની રમત અટકી જાય!
અત્યાર સુધી જે કોઈ કેમેરા શોધાયા છે એ બધામાં આ તકલીફ છે – ફોટો લેનાર વ્યક્તિ કેમેરા ગોઠવે એ સાથે સામેની વ્યક્તિ તેની સહજતા ગુમાવી દે. હવે આપણને એક એવો કેમેરા મળ્યો છે, જેમાં આ તકલીફ નહીં રહે. આ કેમેરામાં ફોટોગ્રાફ ક્લિક કરવાનું શટર બટન જ નહોતું, પાછળથી, તેના વિના લોકો આને કેમેરા ગણશે જ નહીં એવી બીકે તે ઉમેરવામાં આવ્યું!
ગયા મહિને ગૂગલે આ નવતર પ્રકારનો કેમેરા લોન્ચ કર્યો – ગૂગલ ક્લિપ્સ. હાલમાં તે ફક્ત યુએસ માર્કેટ માટે લોન્ચ થયો છે અને કિંમત છે, ૨૪૯ યુએસ ડોલર (અંદાજે ૧૬ હજાર રૂપિયા). આ કેમેરા માર્કેટમાં ચાલશે કે કેમ અને ચાલશે તો આપણા સુધી ક્યારે પહોંચશે તે નક્કી નથી, પણ એની પાછળની ટેક્નોલોજી ખરેખર રસપ્રદ છે.