તમારા ફોનમાં ગુજરાતી ફોન્ટ કેમ દેખાય એની ચિંતા છોડી દો! હવે વોટ્સએપ જેવી એપમાં પણ ગુજરાતી વાંચવાની સરસ સુવિધા ઉપલબ્ધ છે અને ફોનમાંનું બધું જ ગુજરાતી હોય એવા દિવસો પણ આવી ગયા છે.
મોબાઇલમાં ગુજરાતી વંચાવું જોઈએ એ જરૂરિયાત એક છે, પણ આ જરૂરિયાત જે લોકોને છે એ બે પ્રકારના છે!
એક, એવા લોકો જેમની જરૂર વોટ્સએપમાં આવેલા ગુજરાતી મેસેજીસ વાંચવા પૂરતી હોય. એ લોકો સ્માર્ટફોનનના જૂના જોગી હોય અને સ્માર્ટફોનન ખરીદતી વખતે જરૂરી સ્પેસિફિકેશન્સની એમની યાદીમાં ગુજરાતી ફોન્ટની જરૂરિયાતનો ક્રમ ઘણો નીચે હોય. બીજો પ્રકાર એવા લોકોનો છે, જેમને ફોનમાં બધું જ અંગ્રેજીમાં હોવાને કારણે તકલીફ પડતી હોય.
એ હકીકત છે કે સ્માર્ટફોનનનો વપરાશ સતત વધી રહ્યો છે ત્યારે અંગ્રેજી ભાષા જેમને બિલકુલ ફાવતી નથી, પણ સ્માર્ટફોનન જેમના હાથમાં આવી ગયા છે એવા લોકોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે.
કમ્પ્યુટર-ઇન્ટરનેટ પર સ્થાનિક ભાષાઓ માટે, નવાં બધાં પીસીમાં કોઈ વધારાના ફોન્ટ નાખ્યા વિના વિવિધ ભાષાનું કન્ટેન્ટ વાંચી શકાય એવી યુનિકોડ ફોન્ડની સગવડ વર્ષોથી આવી ગઈ અને તેની સરખામણીમાં સ્માર્ટફોનનનું ચલણ વધ્યું એ વાતને પણ વર્ષો થયાં હોવા છતાં એન્ડ્રોઇડ જેવી બહોળા પ્રમાણમાં વપરાતી ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતા સ્માર્ટફોનનમાં હજી પણ ગુજરાતી (કે બીજી સ્થાનિક ભાષાના) ફોન્ટ હશે જ એવી ખાતરી હોતી નથી! પીસીમાં આપણે નવા ફોન્ટ ઇન્સ્ટોલ કરી શકીએ છીએ, પણ સ્માર્ટફોનનને રૂટ કર્યા વિના એ શક્ય હોતું નથી.
સદભાગ્યે, ઉપર લખ્યા એ બંને પ્રકારના લોકોની તકલીફ હળવી કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે અને ઘણે અંશે સફળ પણ થઈ રહ્યા છે.