ડોક્ટર, આ મારો દીકરો યશ છે. એ આઠમા ધોરણમાં ભણે છે. અમે અત્યારે તો એમને મોર્નિંગ સ્કૂલમાં રાખ્યો છે. હમણાંથી યશ આખો દિવસ ઇન્ટરનેટ ઉપર જ વીડિયો ગેમ્સ રમ્યા કરે છે. અમે લોકો એને જે કરવું હોય તે કરવા દઈએ છીએ.
અમારા તરફથી પહેલેથી જ બધી છૂટ છે, પણ એક પ્રોબ્લેમ થયો છે અમે તેને ગમે તેટલું બોલાવીએ તો સાથે જમવા પણ આવતો નથી. લાગે છે કે એને મોબાઇલ ઉપર ઇન્ટરનેટનું એડિક્શન થઈ ગયું છે. એ ભલો એનું કમ્પ્યુટર ભલું, એનું ઇન્ટરનેટ ભલું અને એનો મોબાઇલ ભલો. જાણે ફેમિલી તો છે જ નહીં.
કાયમ નવી નવી ઓનલાઇન ગેમ્સ ડાઉનલોડ કરતો હોય. એના ફ્રેન્ડ્ઝ પણ એના જેવા જ. ફોન ઉપર પણ આ બધી જ વાત. અમારું આખું ફેમિલી વાઈ-ફાઈ થઈ ગયું છે. જો હું ઘરમાં નીચેના ફ્લોર ઉપર હોઉં અને મને ઉપરના ફ્લોર પર બોલાવવી હોય તો પણ એસએમએસ કરે અને મારે પણ કંઈ કહેવું હોય તો એસએમએસ કરું એવું યશ હંમેશાં ઇચ્છે. એના ડેડી જોડે તો ઈ-મેઇલ સિવાય તો વાત જ ન કરે.
આજકાલ એના વર્તનમાં બહુ વિચિત્રતાઓ જોવા મળે છે. હમણાંથી એ બહુ ટેન્ટ્રમ્સ કરે છે. ચીસો પાડીને વાત કરે છે. આખો દિવસ ફોન પર એના કોઈ ફ્રેન્ડ સાથે વાત કરતો હોય છે. ઘરમાં એટલાં બધાં ઇલેક્ટ્રોનિકસ ગેજેટ્સ છે કે એક પછી એક લેટેસ્ટ વસ્તુઓનો કોઈ પાર નથી. એના ડેડી રાત્રે ઘરે આવે ત્યારે એ જે કહે તે લેતા આવે. હજુ ત્રણ દિવસ પહેલાં જ એની ઇચ્છા પ્રમાણે એના રૂમનમાં એલ.સી.ડી. ટીવી ડી.વી.ડી. સાથે નખાવડાવ્યું. સર, જે માગે તે બધું જ આપીએ છીએ.
એકનો એક છે એટલે બધું ધ્યાન રાખવાની કોશિશ કરું છું. પહેલાં રોજ યશને ડ્રાઇવર ટેનિસ રમવા ક્લબમાં પણ લઈ જતો હતો. હી ઇઝ અ ગ્રેટ પ્લેયર, પણ અત્યારે તો એ બધું જ ઓન લાઇન રમ્યા કરે છે. મને તો એવું લાગે છે કે જાણે અમે એનો ઉછેર જ ઓનલાઇન કરી રહ્યાં છીએ. એનાં મમ્મી કાશ્મીરાબહેનની આંખોમાં વહાલસોયાની ચિંતા સ્પષ્ટ તરી આવતી હતી.
અને હા ડોક્ટર! એના ડેડી રશ્મિનભાઈ વચ્ચે બોલ્યા, મને છેલ્લા કેટલાક દિવસથી યશ જાણે થોડો ડાઉન-ડાઉન લાગ્યા કરે છે. ઓફ કોર્સ ગુસ્સો તો પહેલેથી જ હતો, પણ મૂડ કંઈક બદલાયેલો લાગે છે. સ્કૂલ પરફોર્મન્સ પણ નબળું ઈ ગયું છે. મને લાગે છે એેનો સેલ્ફ કોન્ફિડન્સ ડાઉન થઈ ગયો લાગે છે. જાણે મગજ પર કોઈ લોડ હોય એવું બિહેવિયર લાગે. અમે એની બધી જ માગેલી – ન માગેલી વસ્તુઓ આપીએ છીએ. અમારી જવાબદારી પૂરી કરીએ છીએ તો પણ યશમાં કેમ આ પ્રોબ્લેમ થયો હશે?
મિત્રો, આજકાલ ઈશ્ર્વર સિવાયની બધી જ અનુભૂતિ વર્ચ્યુઅલ હોઈ શકે છે. જે જોઈએ અથવા જે જાણવું હોય તે માટે સબ મર્ઝકી એક દવાની જેમ ગૂગલ ગુરુ હાજર છે. મારી પાસે ક્લિનિકમાં આવતા લગભગ દસમાંથી પાંચથી છ બાળકોને ઓનલાઇન ગેમ્સની આદત પડી ગઈ હોય છે. ગમે તેટલું ના પાડવા છતાં ઓનલાઇન ગેમ્સમાંથી બાળકો ભણવા માટે કે જમવા માટે પણ ઊભા થતા નથી. સવારે ઊઠીને તરત જ કમ્પ્યુટર ઓન કરી દે અને આ રોજની રામાયણ શરુ થાય.
મિત્રો, આ સમસ્યામાં કમ્પ્યુટરની ઈઝી અવેલેબિલિટી અને પેરેન્ટિંગના પ્રશ્નો જવાબદાર છે. સાથે આસપાસના વાતાવરણની અસરો પણ એટલી જ જવાબદાર છે. આપણે ઈ-ટેક્સબુકના જમાનામાં પ્રવેશ કરી રહ્યા છીએ. એવા સંજોગોમાં કમ્પ્યુટરનો વિવેકસર અને માફકસરનો ઉપયોગ થાય તે જોવું અનિવાર્ય છે.
રશ્મિનભાઈ અને કાશ્મીરાબહેનને કેટલીક બાબતો સમજવાની જરુર હતી. સૌપ્રથમ તો આવા પેરન્ટ્સને ડિસમિસિવ પેરન્ટ્સ કહેવાય. જે માતા-પિતા એવું સમજે કે અમે તો અમારું બાળક માગે તે આપીએ છીએ, બેસ્ટ સ્કૂલમાં ભણાવીએ છીએ. અમને એના માટે ખૂબ પ્રેમ છે વગેરે વગેરે… પણ સમય ન આપતા હોય તો આવાં માતા-પિતા બાળઉછેરના મહત્ત્વનાં પાસાંને સમજવાનું ચૂકી જાય છે. પ્રેમ અને સમયની અવેજીમાં ક્યારેય મોબાઇલ કે ઇન્ટરનેટ ન હોઈ શકે.
ક્યારેક પર્સનલ જરૂરિયાતો કે શોખ પૂરા કરવાની લાયમાં બાળક નિગ્લેક્ટ પણ થતું હોય છે. બાળક આ બાબત સ્પષ્ટ શબ્દોમાં ક્યારેક કહે છે પણ ખરું, પણ બુદ્ધિશાળી સમજતાં માતા-પિતાઓ બાળકને કોઈ એવું બહાનું બતાવી દે છે કે એ સામે દલીલ ન કરી શકે. આમાં જ એનો કોન્ફિડન્સ ડાઉન થાય છે. કેટલાંક માતાપિતા તો બાળક આખા દિવસ દરમિયાન શું કરે છે એની જાણ સુધ્ધાં રાખતાં નથી. પછી એ જ બાળક મોટું થાય ત્યારે એ તમને પૂછીને કે જણાવીને બહાર જશે એવી અપેક્ષા એ મૂર્ખામી ન ગણાય??
વેલ, રશ્મિભાઈ અને કાશ્મીરાબહેનનું પેરન્ટલ કાઉન્સેલિંગ થયું. એમને સમજાવવામાં આવ્યું કે, બાળકને હંમેશાં વસ્તુ જ નહીં પણ ક્વોલિટી ટાઇમ પણ આપો. કીમતી વસ્તુઓ કરતાં પ્રેમાળ અને સંવાદયુક્ત સમયનું મૂલ્ય વધી જાય છે. બાળકની ડેવલપમેન્ટ બાબતો પર ધ્યાન આપીને એની ઉંમરની આંખે જોવા પ્રયાસ કરો. શક્ય છે, તમારી તમન્નાઓ પૂરી થશે…