fbpx

સ્માર્ટ ટેક્નોલોજીના સમયમાં વધુ કલાકો કામ કરવાના?!

By Himanshu Kikani

3

આજે વાતની શરૂઆત આ અંકના સૌથી છેલ્લા પાનાથી કરીએ!

‘ટેક-IT-ઇઝી’ શીર્ષકના એ વિભાગમાં આપણે સામાન્ય રીતે ટેકનોલોજી કે ઇન્ટરનેટની હળવી બાજુની વાત કરતા હોઈએ છીએ, પણ આ વખતે વાત જુદી છે. એ વિભાગના શીર્ષક મુજબ, કામના દબાણને ઇઝી – ખરેખર હળવાશથી લેવાના મહત્ત્વની જ તેમાં વાત છે.

આ ચર્ચા હમણાં ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિએ ઉખેળી. તેમણે ભારતના યુવા વર્ગે દર અઠવાડિયે વધુ કલાક કામ કરવું જોઈએ એવી વાત કરી. દેશના વિકાસ માટે એમ કરવું જરૂરી પણ ખરું, પરંતુ તેમના આ સૂચન સામે ઘણા લોકોએ વળતી દલીલ કરી તેમ, ખરેખર તો વધુ કલાકો નહીં, ઓછા સમયમાં વધુ કામ કરતાં શીખવાની જરૂર છે – યુવા વર્ગે અને અન્ય સૌએ.

આઇટી ફીલ્ડમાં તો સ્થિતિ પ્રમાણમાં સારી છે, મોટા ભાગની કંપનીઓમાં કામકાજના નિશ્ચિત કલાકો હોય છે, પરંતુ મીડિયા, એડવર્ટાઇઝિંગ કે હવે બેન્કિંગ વગેરે ક્ષેત્રમાં કામના કલાકો સતત લંબાતા જાય છે. અમદાવાદ જેવા શહેરમાં સવારના નવ વાગ્યે અને મુંબઈ જેવા શહેરમાં સવારના છ-સાત વાગ્યે કામ પર જવા નીકળેલી વ્યક્તિ રાતના નવ અને ઘણી વાર દસ પહેલાં ઘરે પરત પહોંચતી નથી. ઘણી એડવર્ઝાઇઝિંગ કંપની રીક્રૂટમેન્ટ એડ આપે ત્યારે તેમાં ઉમેદવારની લાયકાતમાં ભારપૂર્વક લખતી હોય છે કે ‘શુડ બી રેડી યુ બર્ન મીડનાઇટ ઓઇલ’. મતલબ કે મોડી રાત સુધી કામ કરવાની તૈયારી હોવી જોઈએ.

એવું કરવું ખરેખર જરૂરી હોય છે ખરું?

મારી પોતાની કારકિર્દીની શરૂઆતમાં એવો તબક્કો હતો જ્યારે અમે આજે સવારે ઓફિસે પહોંચીએ એ પછી બીજા દિવસે સવારે ઘરે પાછા ફરીએ. ત્યારે મકાનમાલિક ઘરના બગીચામાં સવારની ચા પીતા બેઠા હોય અને એ મજાકમાં પૂછતા કે ‘‘હિમાંશુ, ગુડ મોર્નિંગ કહેં યા ગુડ નાઇટ?!’’

ભારતની મોટા ભાગની ઓફિસોની જેમ, અમારી ઓફિસમાં પણ કામના ભારણની સરખામણીમાં સ્ટાફ ઓછો. એમાં ખરેખરું કામ કરવાવાળા હજી ઓછા. પરિણામે કામના કલાકો લંબાતા જાય અને ધીમે ધીમે એવી ઘરેડ ઊભી થાય કે દિવસને બદલે રાતની નિરવ શાંતિમાં જ કામ કરવાની વધુ મજા આવે!

સમય જતાં બરાબર સમજાયું કે એ રીતે કામ કરવાની ખરેખર જરૂર હોતી નથી. આજના સ્માર્ટ સાધનો અને સ્માર્ટ ટેક્નોલોજીના સમયમાં તો ચોક્કસપણે કામનો સમય ઘટવો જ જોઈએ. કામકાજ-ઓફિસ વગેરે બધું આખરે જિંદગી માટે છે, જિંદગી ઓફિસ માટે નથી. કંઈક આવું જ હમણાં માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સે પણ કહ્યું.

આ સંદર્ભ સાથે, આ અંકની કવરસ્ટોરી અને ‘એટ’ સાઇનના વિવિધ  ઉપયોગ તરફ ધ્યાન દોરતા લેખ વાંચવાની ભલામણ! આમ તો જોકે ‘સાયબરસફર’ની અત્યાર સુધીની સફરમાં એ જ વાત પર ફોકસ છે – જે બધું આપણા હાથમાં છે એની અંદર-બહારની બધી વાતો જાણવી-સમજવી અને એનો આપણા જ લાભ માટે ઉપયોગ કરવો!     

– હિમાંશુ

(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!