આપણા મોટા ગજાના સર્જક મધુ રાયે એક મજાની વાર્તા લખી હતી, શીર્ષક હતું ‘ઇંટોના સાત રંગ’. વાર્તાનો નાયક હરિયો બેરોજગાર. માના આગ્રહથી કામની શોધમાં એ અમદાવાદ આવે છે. કોઈ ઓળખીતા એને નોકરી અપાવે છે. ત્યારે હરિયાને એ એટલું જ પૂછે છે, ‘‘ગણતરી આવડે છે?’’
કામ હતું ઇંટો ગણવાનું. એ પણ કોઈ એક નવા બંધાતા મકાનની સાઇટ પરની ઇંટો નહીં, આખી દુનિયાની ઇંટો.
એવું કામ કેમ? જવાબ એ હતો કે ફ્રાન્સમાં રહેતા કોઈ ‘ફ્રેન્ચ સાહેબ’ને ધૂન ઊપડી હતી, ‘દુનિયા આખીમાં જેટલી ઈંટો છે, એ બધી જો ગણાઈ જાય, તો દુનિયાની બધી મુશ્કેલીઓ પૂરી કરવાનો ઈલાજ જડી જાય.’
July-2012
સાહેબ અબજોપતિ હશે એટલે એમણે આખી દુનિયામાં હરિયા જેવા લાખો લોકોને દુનિયાની બધી ઈંટો ગણવાના કામે લગાડ્યા. હરિયા જેવા અનેક લોકોની આખી જિંદગી ઇંટો ગણવામાં વિતી ગઈ, પણ એમણે એ કામને પોતાનું કરી લીધું. દિલથી ઇંટો ગણી ને ઇંટોથી એમના જીવનમાં સાત રંગ પૂરાયા.
બીજી બાજુ, પેલા ફ્રેન્ચ સાહેબને રહી રહીને બ્રહ્મજ્ઞાન લાધ્યું, ‘ઇંટો ગણવાથી દુનિયાની મુશ્કેલીઓનો ઉકેલ નહીં આવે.’ એમણે દુનિયા સૌ ઇંટો ગણનારા લોકોને પેરિસ બોલાવ્યા ને એમની જિંદગી વેડફી નાખવા બદલ માફી માગી, એફિલ ટાવર પછી આત્મહત્યા કરવાનું વિચાર્યું…
વાર્તાના એ ફ્રેન્ચ સાહેબે વાસ્તવમાં ઇંટો ગણવાના કામ માટે પોતાની તિજોરી ખોલીને દુનિયાના અનેક લોકોની જિંદગી સુધારી દીધી, પણ એમાંથી એમણે પોતે કોઈ કમાણી કરી નહીં. કારણ કે એ ફ્રેન્ચ સાહેબને ગૂગલ જેવી કંપનીનો સાથ નહોતો!
ગૂગલના સ્થાપક લેરી પેજને આવો જ કંઈક તુક્કો સૂઝ્યો હતો અને તેમાંથી તેમણે જબરો બિઝનેસ પણ ઊભો કર્યો.
એમને વિચાર આવ્યો – આખી દુનિયાનું ૩ડી મેપિંગ કરીએ! એ એક ધૂની વિચારને પગલે દુનિયાભરના અનેક લોકો, ખાસ પ્રકારનાં વાહનો બનાવીને, ખભે, માથે કે બોટ, ઘેટાં ને ઊંટ સુદ્ધાં પર કેમેરા મૂકીને નીકળી પડ્યા. પછીનાં પંદર-સોળ વર્ષમાં, ગૂગલના કહેવા મુજબ, આખી પૃથ્વીની ધરી ફરતે ૪૦૦ આંટા મારી શકાય એટલી લંબાઈના સ્ટ્રીટ વ્યૂ તૈયાર થઈ ગયા છે. અવકાશમાં સ્પેસ સ્ટેશનની માંડીને દરિયાના તળિયાની પણ સ્ટ્રીટ વ્યૂ ફોટોગ્રાફી થઈ છે.
પેલા ફ્રેન્ચ સાહેબ છેવટે હતાશ થયા, પણ ગૂગલ હતાશ નથી. એક તુક્કાથી અનેકને આવક મળી (અનેક યૂઝર્સ કોઈ આવક વિના પણ, સ્વેચ્છા આ કામમાં યોગદાન આપી રહ્યા છે) અને હવે આ સ્ટ્રીટ વ્યૂ ઇમેજિસ ગૂગલ મેપ્સ અને અર્થમાં ઉમેરાઈને આપણું માર્ગદર્શન કરે છે. વિવિધ બિઝનેસ તેમના સ્ટોર, રેસ્ટોરાં વગેરેના ઇન્ડોર વ્યૂ આ જ સ્વરૂપે ગૂગલ મેપ્સ પર શેર કરી રહ્યા છે – ગૂગલને દુનિયાના ડેટામાંથી અલગ રીતે કમાણી કરવાનો રસ્તો મળી ગયો છે.
આજે આપણે ઘેરબેઠાં ન્યૂ યોર્કના ટાઇમ્સ સ્ક્વેરમાં કે અમદાવાદના લો ગાર્ડનની શેરીમાં ફરી શકીએ છીએ કે પેરિસના એફિલ ટાવરની અટારીએથી પેરિસ જોઈ શકીએ છીએ. આવતી કાલે આ જ અનુભવ, ટેલિટ્રાન્સપોર્ટેશન જેવું સ્વરૂપ પણ લઈ શકે છે!
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)