ધીમી પણ મક્કમ ગતિએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ) આપણા જીવનમાં પગપેસારો કરી રહી છે.
આમ તો છેલ્લાં કેટલાંય વર્ષોથી આપણે એઆઇની અસર તળે આવી ગયા છીએ અને તેનો ઘણી બધી રીતે તેનો લાભ પણ મળવા લાગ્યો છે.
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આખરે બીજું કંઈ નથી, પરંતુ ઉપલબ્ધ ડેટાને સચોટ રીતે પ્રોસેસ કરવાની અને તેમાંથી જોઇતા લાભ મેળવવાની વાત છે. સાદા કમ્પ્યૂટર પ્રોગ્રામથી આ વાત અલગ એ રીતે કે આમાં પ્રોગ્રામ પોતાના ડેટામાંથી સતત શીખતો રહે છે.
આપણા સુધી જે એઆઇ પહોંચી છે તે અંતે તો કમ્પ્યૂટરના વધુ ને વધુ સ્માર્ટ બનતા જતા અલ્ગોરિધમ છે. જેમ કે ગૂગલ ફોટોઝ જેવી સર્વિસમાં આપણે ફોટોઝ અપલોડ કરીએ અને પછી બીજી કોઈ પણ માહિતી એ સર્વિસને ન આપીએ તો પણ ફોટોઝ સર્વિસની એઆઇ પોતાની રીતે ‘સમજી’ લે છે કે ફોટોગ્રાફમાં શું શું છે. ફેસબુકનો હજી જન્મ પણ નહોતો થયો એ સમયે આપણે કોઈના સંપર્કમાં હોઇએ અને પછી તેનો સંપર્ક સાવ છૂટી જાય તો પણ અત્યારે ફેસબુક પર આપણને એ વ્યક્તિને ફ્રેન્ડ બનાવવાનું સૂચન મળી શકે છે. આ બધું ગૂગલ ફોટોઝ કે ફેસબુક વગેરે પાસે જે પાર વગરનો ડેટા ભેગો થયો છે તેનો એકબીજા સાથે તાળો મેળવીને તેમાંથી જોઇતી વાત તારવવાની શક્તિને આભારી છે.
ગયા વર્ષે ઓપન એઆઇ કંપનીએ ચેટજીપીટી નામે ચેટબોટ સર્વિસ લોન્ચ કરી એ પછી એઆઇનું આપણને એક નવું સ્વરૂપ જાણવા મળ્યું અને આપણે તેના આડકતરા નહીં પરંતુ સીધા સંપર્કમાં આવ્યા.
એ પછી માઇક્રોસોફ્ટ કંપનીએ તેની બિંગ સર્વિસમાં આ ટેકનોલોજી ઉમેરી દીધી. ગૂગલે પણ ‘બાર્ડ’ નામે અલગ સર્વિસ લોન્ચ કરી અને હવે ગયા મહિનાથી યુએસએ, ભારત તથા જાપાન એમ ત્રણ દેશના લોકો ૨૫ વર્ષથી આપણા સૌના જૂના અને જાણીતા ગૂગલ સર્ચ એન્જિનમાં જ એઆઇથી અલગ રીતે સર્ચનો લાભ લેવા લાગ્યા છે.
આ અંકની કવર સ્ટોરીમાં જણાવ્યા મુજબ તમે સર્ચમાં એઆઇ રિઝલ્ટ તપાસશો તો તમને પણ ખ્યાલ આવશે કે આપણે સર્ચમાં કંઈ પણ પૂછીએ ત્યારે આખરે તો ઇન્ટરનેટ પરના પાર વગરના ડેટામાંથી જ આપણો જવાબ શોધીને બતાવવામાં આવે છે. હવે ફેર એટલો છે કે સીધેસીધો જવાબ મળે છે. વિવિધ વેબપેજિસ ફેંદવા જવું પડતું નથી.
આમ આ ફેરફાર પહેલી નજર કદાચ નજીવો લાગે પણ તેના પરિણામે, જે રીતે ૨૫ વર્ષ પહેલાં ઇન્ટરનેટ સર્ચ કરવાની નવી અને એકદમ સચોટ લાગતી પદ્ધતિ મળી એ જ સર્ચ હવે આવતાં માંડ પાંચેક વર્ષમાં ઘણું અલગ સ્વરૂપ લેશે અને ઘણી વધુ ધારદાર પણ બનશે.
બીજી તરફ એઆઇ આધારિત અનેક પ્રકારનાં અવનવાં ટૂલ્સ પણ આવી ગયાં છે. આ બધાં ટૂલ વધતા ઓછા પ્રમાણમાં આપણે જુદી જુદી અનેક પ્રકારની જરૂરિયાતો પલકવારમાં પૂરી કરી શકે તેવાં છે. આ અંકમાં આવાં કેટલાંક પ્રમાણમાં ઓછાં જાણીતાં ટૂલ્સની પણ વાત કરી છે. ગૂગલ અને માઇક્રોસોફ્ટનાં ટૂલ્સ સહિત આ બધાં ટૂલ હજી પરફેક્ટ નથી છતાં આપણે કેવા ભાવિ તરફ જઇ રહ્યા છીએ તેનો સ્પષ્ટ અંદાજ તેમાંથી મળી શકે છે.
આ દરમિયાન ગયા મહિને બીજો પણ એક મોટો ફેરફાર થયો. આપણા વોટ્સએપ એકાઉન્ટમાં ચેનલ ઉમેરાઈ ગઈ. તમે અન્ય લોકોની ચેનલ ફોલો કરવાનું શરૂ કરી દીધું હશે અને પોતાની ચેનલ પણ બનાવવા લાગ્યા હશો. આ નવું ફીચર આપણે માટે અને નાના મોટા બિઝનેસ માટે કેવી રીતે ગેમ ચેન્જર બની શકે છે તેની વાત પણ આ અંકમાં કરી છે.
– હિમાંશુ
(અન્ય લેખ વાંચવા લોગ-ઇન કરો)