બ્રાઉઝરને તમે કેવી મંજૂરીઓ આપી છે?

સ્માર્ટફોનમાં વિવિધ એપ્સને મળતી મંજૂરીઓ વિશે તો આપણે જાગૃત થયા છીએ, પણ બ્રાઉઝર અને તેના દ્વારા વિવિધ સાઇટ્સને આપણે કેટલી મંજૂરી આપી દઈએ છીએ એ પણ જાણવા જેવું છે!

સ્માર્ટફોનમાં આપણે પ્લેસ્ટોરમાંથી કોઈ પણ એપ ઇન્સ્ટોલ કરીએ એટલે એ એપ આપણી પાસે જાતભાતની પરમિશન માગે છે. મોટા ભાગે આપણે આંખ મીંચીને આ મંજૂરીઓ આપી દેતા હોઇએ છીએ, પણ ક્યારેક તેમાં થોડા ઊંડા ઉતરીને એપ કઈ કઈ મંજૂરી માગે છે તે સમજવાની કોશિષ પણ કરતા હોઇએ છીએ. કોઈ મુદ્દે આપણને એવું લાગે કે આ એપને આવી મંજૂરી આપવાની જરૂર નથી તો આપણે એ મંજૂરી નકારીએ છીએ અથવા એ એપ ઇન્સ્ટોલ કરવાનું માંડી વાળીએ છીએ. આમ સ્માર્ટફોનમાં એપ સંબંધિત મંજૂરીઓ વિશે આપણે હવે ખાસ્સા માહિતગાર અને જાગૃત છીએ, પરંતુ ઇન્ટરનેટનો આપણે જ્યાંથી સૌથી ઉપયોગ કરીએ છીએ તે બ્રાઉઝર આપણી પાસેથી કેટકેટલી મંજૂરીઓ માંગે છે તે તરફ આપણે પૂરતું ધ્યાન આપતા નથી!

દરેક બ્રાઉઝર આપણને જે કોઈ વેબસાઇટ બતાવે છે તેને સંબંધિત ઘણા બધા પ્રકારની મંજૂરીઓ આપણી પાસે માગે છે. મોટા ભાગે બ્રાઉઝર તેને યોગ્ય લાગે એ રીતે પરમિશન્સના ડિફોલ્ટ સેટિંગ્સ રાખે છે અને આપણે તેના તરફ ધ્યાન આપતા ન હોવાથી તેમાં કોઈ ફેરફાર પણ કરતા નથી. પરંતુ આ પરમિશન્સમાં થોડા ઊંડા ઉતરીએ તો આપણે ઘણું નવું જાણી શકીએ છીએ અને આપણે કેવાં સેટિંગ્સ કરવા વધુ યોગ્ય છે એ પણ નક્કી કરી શકીએ છીએ.

અહીં આપણે સૌથી વધુ લોકપ્રિય ગૂગલના ક્રોમ બ્રાઉઝરને ધ્યાનમાં રાખીને આ પરમિશન્સ સમજીએ.

અલબત્ત, અન્ય બ્રાઉઝરમાં લગભગ આ જ પ્રકારે સેટિંગ કરી શકાય છે. અહીં આપણે મોબાઇલમાંના ક્રોમ બ્રાઉઝરને ધ્યાનમાં રાખીશું પરંતુ આ જ પ્રકારના સેટિંગ્સ પીસીમાં પણ કરી શકાય છે.

આ સેટિંગ્સ સમજવા માટે તમારા સ્માર્ટફોનમાં ક્રોમ બ્રાઉઝર ઓપન કરો. તેમાં જમણી તરફ ઉપર આપેલ ત્રણ ડોટ પર ક્લિક કરો અને નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘સેટિંગ્સ’માં જાઓ.

હવે સેટિંગ્સનું જે પેજ ખુલે તેમાં નીચેની તરફ સ્ક્રોલ કરીને ‘સાઇટ સેટિંગ્સ’માં જાઓ. અહીં તમે જોશો તેમ અન્ય ઘણાં સેટિંગ્સ પણ કરી શકાય છે. પરંતુ આ લેખ પૂરતું આપણે બધું ફોકસ માત્ર સાઇટ સેટિંગ્સ પર કરીશું.

હવે આપણે દરેક પ્રકારના સેટિંગ્સ એક પછી એક સમજીએ.

કૂકીઝ

‘સાયબરસફર’માં આપણે કૂકીઝ વિશે અવારનવાર વાંચી ચૂક્યા છીએ. ઇન્ટરનેટ પર જુદી જુદી સાઇટ્સના બ્રાઉઝિંગ વખતે જે તે સાઇટ વત્તા અન્ય એડવર્ટાઇઝિંગ નેટવર્ક્સ આ કૂકીઝની મદદથી આપણી જાસૂસી કરે છે પરંતુ સાઇટના બહેતર ઉપયોગ માટે અમુક પ્રકારની કૂકીઝ અનિવાર્ય પણ હોય છે. અહીં તમે જોશો તેમ આપણને ભલામણ કરવામાં આવે છે કે આપણે વિવિધ સાઇટ્સને આપણા બ્રાઉઝરમાં કૂકી સેવ કરવા અને તેનો ડેટા વાંચવાની મંજૂરી આપીએ. જે તે સાઇટના યોગ્ય ઉપયોગ માટે આ મંજૂરી આપવી જરૂરી છે.

પરંતુ તેની સાથે થર્ડ પાર્ટી કૂકીઝ બ્લોક કરવાનો વિકલ્પ મળે છે. આ વિકલ્પ આપણે ઓન રાખીએ તો મૂળ વેબસાઇટ ઉપરાંત અન્ય એડવર્ટાઇઝર તરફથી આપણા બ્રાઉઝરમાં કૂકીઝ ઇન્સ્ટોલ કરવાનું ટાળી શકીએ છીએ.

તમે ઇચ્છો તો અહીંથી કોઈ ચોક્કસ સાઇટ પર કૂકીઝને બ્લોક કરવાનું સેટિંગ્સ પણ કરી શકો છો.

લોકેશન

આપણે જ્યાં પણ જઈએ ત્યાં સ્માર્ટફોન આપણી સાથે રહેતો હોવાથી, આપણે વિવિધ સાઇટ્સને આપણું લોકેશન એક્સેસ કરવાની મંજૂરી આપી હોય તો તે આપણે ક્યારેય ક્યાં ગયા તે જાણી શકે છે.

અહીં આપણે જે પણ સાઇટની મુલાકાત લઇએ તે સાઇટ આપોઆપ આપણું લોકેશન જાણી શકે તેવા વિકલ્પને બદલે પહેલાં આપણી મંજૂરી માંગે એવું સેટિંગ કરવું હિતાવહ છે. અહીં અગાઉ કોઈ સાઇટે તમારું લોકેશન જાણવાની મંજૂરી માગી હોય અને તમે તેને છૂટ આપી હોય કે મંજૂરીનો ઇન્કાર કર્યો હોય તે સાઇટ્સની યાદી જોઈ શકાશે. તમે ઇચ્છો તે સાઇટ પર ક્લિક કરીને તેને આપેલી મંજૂરીમાં ફેરફાર કરી શકો છો.

કેમેરા

દરેક સ્માર્ટફોનમાં ફ્રન્ટ કેમેરા હોય જ છે એ જ રીતે પીસી કે લેપટોપમાં પણ વેબકેમ હોઈ શકે છે. સામાન્ય રીતે વીડિયો ચેટિંગની સુવિધા આપતી સાઇટ્સ આ કેમેરાનો ઉપયોગ કરવાની આપણી પાસે મંજૂરી માગતી હોય છે.
અહીં કોઈ પણ સાઇટ આપણી મંજૂરી વિના કેમેરા એક્સેસ ન કરી શકે એવું સેટિંગ્સ રાખવું યોગ્ય છે.

આપણે જે પણ સાઇટની મુલાકાત લઇએ તે સાઇટ આપોઆપ આપણું લોકેશન જાણી શકે તેવા વિકલ્પને બદલે પહેલાં આપણી મંજૂરી માંગે એવું સેટિંગ કરવું હિતાવહ છે.

માઇક્રોફોન

અહીં પણ કોઈ પણ સાઇટ આપણી મંજૂરી વિના આપણા માઇક્રોફોનનો ઉપયોગ ન કરી શકે એવું સેટિંગ રાખવું યોગ્ય છે.

મોશન સેન્સર્સ

આપણા સ્માર્ટફોન ઉપરાંત લેપટોપમાં પણ કેટલાક ખાસ પ્રકારના સેન્સર્સ હોય છે.

જેમ કે જાયરોસ્કોપ અને લાઇટ ડિટેકટર્સ જેવા સેન્સર્સની મદદથી આપણે કોઈ વાહનમાં ગતિ કરી રહ્યા છીએ કે કેમ, કે પછી આપણે જે રૂમમાં છીએ તેમાં કેટલું અજવાળું છે તે વિવિધ વેબસાઇટ્સ જાણી શકે છે.

ક્રોમ બ્રાઉઝર આ સેટિંગ્સ ઓન રાખવાની ભલામણ કરે છે પરંતુ તમે ઇચ્છો તો તેને બંધ કરી શકો છો.

નોટિફિકેશન્સ

કદાચ આપણું સૌથી વધુ ધ્યાન જરૂરી હોય તેવું સેટિંગ. હવે લગભગ દરેક સાઇટ તેના પર મુકાતી વિવિધ સામગ્રી કે અન્ય બાબતો તરફ આપણું ધ્યાન ખેંચવા તત્પર હોય છે અને એ માટે તે આપણને નોટિફિકેશન્સ મોકલે છે. આ સેટિંગ્સમાં સૌથી પહેલાં તો દરેક સાઇટે આપણને નોટિફિકેશન મોકલતાં પહેલાં આપણી મંજૂરી માંગવી પડે તેવું સેટિંગ જરૂરી છે. આ રીતે તમને મહત્ત્વની લાગતી હોય માત્ર તેવી જ સાઇટ તરફથી તમને નોટિફિકેશન્સ મોકલવામાં આવશે.

અહીં તમે કેટલી સાઇટને નોટિફિકેશન્સ મોકલવાની મંજૂરી આપી છે અને કેટલી સાઇટ્સને બ્લોક કરી છે તે જોઈ શકશો. અહીં પણ તમે ઇચ્છો તે સાઇટ પર ક્લિક કરીને તેને આપેલી મંજૂરીમાં ફેરફાર કરી શકો છો.

ફોનમાં વિવિધ એપ્સ ઉપરાંત સાઇટ્સ તરફથી પણ નોટિફિકેશન્સનો મારો થતો હોય તો અને પીસીમાં જાહેરાતો પોપ-અપ થતી હોય તો અહીંથી બંધ કરી શકાશે.

જાવાસ્ક્રિપ્ટ

આખું ઇન્ટરનેટ જાવાસ્ક્રિપ્ટ પર ચાલે છે એમ કહીએ તો ખોટું નથી. આ પ્રોગ્રામિંગ લેંગ્વેજને કારણે વિવિધ વેબસાઇટ્સ પોતાના વેબપેજિસને ઇન્ટરએક્ટિવ બનાવી શકે છે. જેમ કે આપણે કોઈ સાઇટ પર પાસવર્ડ આપીએ પરંતુ તેમાં કોઈ અક્ષર કેપિટલ રાખવાની શરતનું પાલન ન કર્યું હોય તે વેબસાઇટ એ ભૂલ તરફ આપણું ધ્યાન ખેંચે છે. આ કામ જાવાસ્ક્રિપ્ટની મદદથી થાય છે.

દરેક વેબસાઇટ જુદી જુદી ઘણી રીતે જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરતી હોવાથી દરેક વેબસાઇટ્સને આપણા બ્રાઉઝરમાં જાવાસ્ક્રિપ્ટની મંજૂરી આપવી યોગ્ય રહેશે.

ફ્લેશ

તમારી પાસે પ્રમાણમાં નવો ફોન હશે તો તેના બ્રાઉઝરમાં તમને ફ્લેશનો વિકલ્પ જોવા જ નહીં મળે. પરંતુ જૂના ફોનમાં આ વિકલ્પ જોવા મળી શકે છે. એક સમયે વેબસાઇટ્સ પર મલ્ટિમીડિયા કન્ટેન્ટ બતાવવા માટે ફ્લેશનો ઉપયોગ અનિવાર્ય હતો.

સંખ્યાબંધ ગેમ્સ પણ ફ્લેશની મદદથી જ ચાલતી હતી પરંતુ તેમાં સિક્યોરિટીના ગંભીર પ્રશ્નો ઊભા થવાથી ક્રોમ સહિત મોટા ભાગના બ્રાઉઝરે તેને સપોર્ટ કરવાનું બંધ કર્યું છે. ફ્લેશ વિકસાવનાર એડોબ કંપની પોતે આવતા વર્ષથી એટલે કે ૨૦૨૦થી તેને સપોર્ટ કરવાનું બંધ કરવાની છે.

આથી તમને ફોનમાં ફ્લેશનો સેટિંગ જોવા નહીં મળે પરંતુ પીસીમાં તે જોવા મળશે કારણ કે હજી પણ જૂની કેટલીક સાઇટ પર ફ્લેશનો ઉપયોગ થતો હોય છે.

આથી અહીં તમે ફ્લેશને બ્લોક રાખીને જરૂર મુજબ ફ્લેશ રન કરવા માટે તમારી મંજૂરી માંગવામાં આવે એવું સેટિંગ કરી શકો છો.

પોપ-અપ એન્ડ રિડાયરેક્ટસ

સામાન્ય રીતે આપણને જાહેરાતો બતાવવા માટે પોપ-અપનો ઉપયોગ થતો હોય છે. પરંતુ કેટલીક સાઇટ પર લોગઇન માટેનું મોડ્યૂલ ઓપન કરવા માટે પણ પોપ-અપનો ઉપયોગ થતો હોય છે. એ જ રીતે અમુક સાઇટ્સ આપણને બીજા પેજ પર મોકલવા માટે રિડાયરેક્ટની સુવિધાનો ઉપયોગ કરતી હોય છે. આ પ્રકારની સુવિધાનો નકારાત્મક ઉપયોગ વધુ થતો હોવાથી તેને બ્લોક રાખવી હિતાવહ છે. પરંતુ તમને જે સાઇટ પર ભરોસો હોય તેના પર તેની મંજૂરી આપી શકાય છે.

એડ્સ

આ પરમિશન થોડી ગૂંચવણભરી છે. ઇન્ટરનેટ અને ગૂગલની પોતાની કમાણીનો લગભગ બધો આધાર એડ્સ પર હોવાથી ક્રોમ બ્રાઉઝરમાં તેને બાયડિફોલ્ટ સંપૂર્ણ બ્લોક કરવાની સુવિધા નથી. પરંતુ તમે ઇચ્છો તો ‘ગેરમાર્ગે દોરતી એડ્સ’ બ્લોક કરવાનું સેટિંગ્સ કરી શકાય છે. ગૂગલ કઈ એડ્સને ‘‘ગેરમાર્ગે દોરતી એડ્સ’’ ગણે છે તેની સ્પષ્ટતા નથી એટલે આ સેટિંગ આપણે માટે બહુ કામનું રહેતું નથી. અલબત્ત આગામી વર્ઝન્સમાં ગૂગલ એડ્સને બ્લોક કરવાની વધુ સારી સુવિધા આપે એવી શક્યતા છે.

બેકગ્રાઉન્ડ સિંક

માની લો કે તમે કોઈ સાઇટ પર ગયા અને ત્યાં તમને કોઈ વીડિયો કે પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવાની તક મળી. તમે ડાઉનલોડ લિંક પર ક્લિક કર્યું, ફાઇલ ડાઉનલોડ થવાની શરૂ થઈ અને પછી એ વેબપેજ બંધ કરીને તમે અન્ય વેબપેજ પર ચાલ્યા ગયા. જો તમે એ સાઇટ માટે બેકગ્રાઉન્ડ સિંકની સુવિધા ઓન રાખી હશે તો જ આપણે એ વેબપેજ બંધ કર્યા પછી પણ ફાઇલ ડાઉનલોડ થવાનું ચાલુ રહેશે.

આથી આપણે બધી સાઇટ માટે આ સેટિંગ ઓન રાખીએ એ યોગ્ય રહેશે.

ઓટોમેટિક ડાઉનલોડ્સ

સામાન્ય રીતે આપણે કોઈ સાઇટ પરથી એક કરતાં વધુ ફાઇલ ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરીએ ત્યારે ક્રોમ આપણને ચેતવે છે. વાસ્તવમાં આપણે પોતે એવો પ્રયાસ ન કરતા હોઇએ પરંતુ સાઇટ સામે ચાલીને ધડાધડ આપણા ફોન કે પીસી લેપટોપમાં એકથી વધુ ફાઇલ્સ ડાઉનલોડ ન કરે એ માટે આવી સુવિધા રાખવામાં આવી છે. આપણે તેમાં કોઈ ફેરફાર ન કરીએ એ જ યોગ્ય રહેશે.

મીડિયા

સામાન્ય રીતે આપણે એવું જ માનીએ છીએ કે ઇન્ટરનેટ પર જે કંઈ હોય તેનો આપણે બેરોકટોક ઉપયોગ કરી શકીએ છી – ક્યાં કોઈ જાણવાનું છે! પરંતુ હકીકતમાં એવું હોતું નથી. ઘણી મ્યુઝિક અને મૂવીઝ જોવાની સગવડ આપતી સાઇટ્સ પોતાના કન્ટેન્ટને અમુક હદે પ્રોટેક્ટેડ રાખે છે. એટલે એ આપણને કન્ટેન્ટ જોવા દે છે, પણ સામે આપણા સ્માર્ટફોનની વિગતો મેળવી લે છે. આથી ક્રોમમાં આવું કન્ટેન્ટ સીધું પ્લે થવા દેવું કે પછી આપણી મંજૂરી લીધા પછી પ્લે થવા દેવું તેનું સેટિંગ આપણે અહીંથી કરી શકીએ છીએ.

તમે કોઈ સાઇટ પથી કોઈ ફાઇલ ડાઉનલોડ કરવાની લિંક પર ક્લિક કરીને પછી એ વેબપેજ બંધ કરીને તમે અન્ય વેબપેજ પર ચાલ્યા જાવ તો ડાઉનલોડ અટકી શકે છે!

સાઉન્ડ

સંખ્યાબંધ સાઇટ્સ ઓડિયો અને વીડિયોનો ઉપયોગ કરતી હોવાથી આપણે સાઇટ્સને ઓડિયો પ્લે કરવાની મંજૂરી આપી રાખીએ તે યોગ્ય રહેશે. સિવાય કે તમે ઓફિસમાં ક્રોમનો ઉપયોગ કરી રહ્યા હો ત્યારે એવું બની શકે કે કોઈ વેબપેજ ઓપન કરતાં મોટા અવાજે ઓડિયો પ્લે થવાનું શરૂ થઈ જાય એવું તમે ઇચ્છતા ન હો! આછી ઓફિસમાં પીસીમાં આવી મંજૂરી બંધ રાખવી યોગ્ય રહેશે.

સ્ટોરેજ

એક મહત્ત્વનું સેટિંગ, ખાસ કરીને ફોન માટે. જ્યારે આપણે મોબાઇલમાં ક્રોમ બ્રાઉઝરમાં વિવિધ સાઇટ બ્રાઉઝ કરી રહ્યા હોઇએ ત્યારે તેમાંનું ઘણું કન્ટેન્ટ કાં તો આપણે પોતે, પોતાની ઇચ્છાથી ઓફલાઇન ઉપયોગ માટે ડાઉનલોડ કરીએ છીએ અથવા ઘણા કિસ્સામાં વેબસાઇટ પોતે તેને ડાઉનલોડ કરી દેતી હોય છે. આ સેટિંગમાં જતાં, તમે જોશો કે કેટલી સાઇટ્સ કેટલા પ્રમાણમાં તમારા સ્માર્ટફોન પર ભાર વધારી રહી છે. અહીંથી તમે કાં તો બધી જ સાઇટના તમામ ડેટાને ક્લિયર કરી શકો છો અથવા હવે ઉપયોગી ન લાગતી સાઇટ સિલેક્ટ કરીને તેના ડેટાને ક્લિયર કરી શકો છો.

યુએસબી

આમ તો કોઈ વેબસાઇટને આપણાં ડિવાઇસ – પીસી/લેપટોપ કે સ્માર્ટફોનમાં કનેક્ટ કરેલ યુએસબી ડિવાઇસ સાથે કોઈ લેવાદેવા હોતી નથી આમ છતાં કેટલીક વેબસાઇટ આપણા યુએસબી ડિવાઇસને એક્સેસ કરવા ઇચ્છતી હોય છે. અહીં આપણે આવી મંજૂરીને બ્લોક્ડ રાખી શકીએ.

ક્લિપબોર્ડ

તમને નવાઈ લાગશે પરંતુ ઘણી વેબસાઇટ આપણે પોતાના સાધનમાં કંઈ પણ કોપી કરીને ક્લિપબોર્ડમાં સેવ કર્યું હોય તો તેને એક્સેસ કરવા માગતી હોય છે. અલબત્ત ઘણા ખરા કિસ્સામાં આવું જરૂરી પણ હોય છે. આથી તેને સદંતર બ્લોક કરવાને બદલે સાઇટ આપણા ક્લિપબોર્ડને રીડ કરવા માગે તો એ પહેલાં તેણે આપણી મંજૂરી લેવી પડે એવું સેટિંગ કરી શકાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here