‘સાયબરસફર’ વાંચો નેટ કનેકશન વિના! | :-)

પ્રોગ્રેસિવ વેબ એપ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, હવે તમે મોબાઇલમાં ઓફલાઇન હો ત્યારે પણ  ‘સાયબરસફર’ના લેખો વાંચવાની સગવડ મળી રહી છે.

આગળ શું વાંચશો?

 • પ્રોગેસિવ વેબ એપ શું છે?

 • ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?

 • ‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો?

 • ‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા

વર્ષ ૨૦૧૨માં ‘સાયબરસફર’ની એક પ્રિન્ટેડ મેગેઝિન તરીકે શરૂઆત થઈ ત્યારે એક રીતે જુઓ તો અમે સમગ્ર દુનિયાના પ્રવાહ કરતાં ઊંધી દિશામાં ચાલ્યા હતા.

એક અખબારી કોલમ તરીકે ‘સાયબરસફર’ વર્ષ ૨૦૦૮થી શરૂ થઈ અને ત્યાર પછીના વર્ષથી તેની વેબસાઇટ પણ બની, જેને વાચકો તરફથી અત્યંત હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તેમ છતાં એ સમયગાળો એવો હતો જ્યારે લોકોમાં ઓનલાઇન વાંચનની ટેવ હજી કેળવાઈ નહોતી. ‘સાયબરસફર’ કોલમમાં પ્રકાશિત

તમામ લેખો વેબસાઇટ પર નિ:શુલ્ક ઉપલબ્ધ હતા. તેમ છતાં એક પ્રયોગ તરીકે અમે કોલમના પસંદગીના લેખો ચાર પ્રિન્ટેડ હેન્ડીગાઇડ્સ સ્વરૂપે પ્રકાશિત કર્યા તો તેની ચાર-ચાર આવૃત્તિ વેચાઈ!

ભારતમાં આ સ્થિતિ હતી, પરંતુ દુનિયાભરમાં અખબારી માધ્યમો પ્રિન્ટમાંથી ઓનલાઇન પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં હતાં. મોટા ભાગનાં પ્રિન્ટેડ અખબારો અને સામયિકોનો ફેલાવો ઘટી રહ્યો હતો અને ટેબલેટ-મોબાઇલ વગેરેને કારણે લોકો સુધી પહોંચવું સહેલું બની રહ્યું હતું. તેમ છતાં ભારતની સ્થિતિને અનુરૂપ ‘સાયબરસફર’એ ડિજિટલની સાથોસાથ પ્રિન્ટ સ્વરૂપ તરફ ઊલટું પ્રયાણ કર્યું.

અલબત્ત ‘સાયબરસફર’ના લેખક અને સંપાદક તરીકે અંગત પસંદગીની વાત કરું તો મારી પહેલી પસંદગી હંમેશાં ‘સાયબરસફર’ની વેબસાઇટ રહી છે.

‘સાયબરસફર’નો વિષય એવો છે કે તેમાં વેબસાઇટ પર એવું ઘણું બધું થઈ શકે, જે કાગળ પર શક્ય નથી. વીડિયો કે જુદી જુદી વેબસાઇટ્સ તરફ લઈ જતી લિન્ક્સ વેબસાઇટ પર ફક્ત એક ક્લિક માગે પરંતુ પ્રિન્ટ મેગેઝિનમાં તેનું યુઆરએલ લખ્યું હોય તો વાચકે તેને પોતાના મોબાઇલ કે પીસી પર ફરીથી ટાઇપ કરવાની ઝંઝટ રહે.

ઉપરાંત ‘સાયબરસફર’માં અત્યાર સુધીમાં જુદા જુદા વિષયો પર બે હજાર જેટલા લેખો લખાયા છે, જેને વેબસાઇટ પર એકમેક સાથે સાંકળી શકાય છે, પરંતુ પ્રિન્ટ મેગેઝિનમાં એ શક્ય નથી.

જેમ કે છેલ્લાં દસેક વર્ષમાં ‘સાયબરસફર’માં જીમેઇલ કે ગૂગલ સર્ચ કે ફેસબુક કે વોટ્સએપ વગેરે વિશે જે કંઈ લખાયું છે એ બધું જ વેબસાઇટ પર ફક્ત એક ક્લિકમાં તમારી નજર સમક્ષ આવી શકે છે.

સમય પ્રમાણે આ લેખોમાંની કેટલીક માહિતી હવે બદલાઈ હશે, પરંતુ જે તે સર્વિસ સમય સાથે કેવી બદલાતી ગઈ એની સ્પષ્ટ, ઊંડાણભરી સમજ પણ આ લેખો આપી શકે, જો એ બધા એક સાથે તારવીને રજૂ કરવામાં આવે – વેબસાઇટમાં આ શક્ય છે.

આમ છતાં ‘સાયબરસફર’ પ્રિન્ટ મેગેઝિનને છ વર્ષ થયા પછી પણ અમે જોયું છે કે વેબસાઇટ કરતાં પ્રિન્ટ મેગેઝિન પસંદ કરનારા વાચકોનું પ્રમાણ વધુ છે!

એનું કારણ કદાચ એ છે કે આપણા દેશમાં ફોર-જી મોબાઇલ ટેકનોલોજી આવી ગઈ હોવા છતાં તેના કવરેજ અને સ્પીડની બાબતે આપણે હજી ઘણા પાછળ છીએ. ઘણા બધા વિસ્તારોમાં કાં તો ફોર-જી કનેક્ટિવિટી મળતી જ નથી અથવા મળે છે તો સારી સ્પીડ સાથે મળતી નથી. તમે ઇચ્છો ત્યારે ખિસ્સામાંથી મોબાઇલ કાઢીને ‘સાયબરસફર’ના લેખો વાંચી શકવાની આઝાદી ન હોય તો દેખીતું છે કે લોકો પ્રિન્ટ મેગેઝિન વધુ પસંદ કરે.

લાંબા સમયથી ઘણા વાચકો ‘સાયબરસફર’ની એપ ડેવલપ કરવાના સૂચન કરી રહ્યા છે તેનું કારણ પણ આ જ છે. પરંતુ ‘સાયબરસફર’ પર લેખોનું પ્રમાણ એટલું વિસ્તર્યું છે કે તેને નેટિવ એપમાં સમાવવું મુશ્કેલ હતું, ઉપરાંત એ ઘણું ખર્ચાળ પણ હતું.

આનો હવે એક ઉપાય મળ્યો છે – પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે.

પ્રોગેસિવ વેબ એપ શું છે?

તમે જાણતા હશો કે સામાન્ય રીતે એપ બે પ્રકારની હોય છે. એક છે નેટિવ એપ, જેને આપણે પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકીએ અને તે ફોનના વિવિધ હાર્ડવેરનો ઉપયોગ કરીને આપણને અલગ અલગ સુવિધા આપી શકે. બીજા પ્રકારની વેબ એપ હોય છે, જે એક પ્રકારની વેબસાઇટ જેવી જ હોય છે અને તેમાંનું કન્ટેન્ટ એક્સેસ કરવા માટે આપણને હંમેશા ઇન્ટરનેટ કનેકશનની જરૂર પડે છે.

પ્રોગ્રેસિવ વેબ એપ એ એક નવા પ્રકારની એપ છે, જે નેટિવ અને વેબ બંને પ્રકારની એપ જેવી સુવિધા આપે છે. પ્રોગ્રેસિવ વેબ એપ સ્માર્ટફોનના રિસોર્સિસનો ઉપયોગ ન કરતી હોવાથી તે કોઈ અલગ પરમિશન્સ માગતી નથી અને તેને પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરવાની જરૂર પણ હોતી નથી.

પરંતુ ટેકનોલોજીની આ વાતોમાં ઊંડા ઊતરવાને બદલે ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ વેબ એપ કેવી રીતે ઉપયોગી થશે એની જ સીધી વાત કરીએ!

‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ એપ કેવી રીતે ઇન્સ્ટોલ કરશો?

હવે તમે જ્યારે પણ તમારા મોબાઇલમાં વાઇ-ફાઇ કે મોબાઇલ ડેટાથી ઇન્ટરનેટ કનેકશન ચાલુ હોય ત્યારે ક્રોમ કે ફાયરફોક્સ જેવા બ્રાઉઝરમાં ‘સાયબરસફર’ની વેબસાઇટ www.cybersafar.comની મુલાકાત લેશો ત્યારે તમને ‘સાયબરસફર’ના આઇકન સાથે ‘એડ ટુ હોમ સ્ક્રીન’ એવો એક વિકલ્પ સૂચવવામાં આવશે.

‘એડ’ ર ક્લિક કરતાં ‘સાયબરસફર’ની પ્રોગ્રેસિવ વેબ એપનો શોર્ટકટ તમારા મોબાઇલ પર હોમ સ્ક્રીન પર ઉમેરાઈ જશે.

જો વેબસાઇટ પર ‘એડ ટુ હોમ સ્ક્રીન’નું સૂચન જોવા ન મળે તો બ્રાઉઝરના સેટિંગ્સમાં જતાં, તેમાં ‘એડ ટુ હોમ સ્ક્રીન’નો વિકલ્પ મળશે. તેને ક્લિક કરવાથી પણ પ્રોગ્રેસિવ વેબ એપનો આઇકન હોમ સ્ક્રીન પર ઉમેરાઈ જશે.

‘સાયબરસફર’ ઓફલાઇન કેવી રીતે વાંચશો?

હવે જ્યારે પણ તમારા મોબાઇલમાં નેટ કનેકશન ઓન હોય ત્યારે ‘સાયબરસફર’ એપના આઇકન પર ક્લિક કરીને અથવા બ્રાઉઝરમાં રોજિંદી રીતે વેબસાઇટ વિઝિટ કરીને તમે જે જે પેજ કે લેખ ઓપન કરતા જશો તે પ્રોગ્રેસિવ વેબ એપમાં ઓફલાઇન વાંચન માટે સેવ થતા જશે.

આથી જ્યારે પણ તમને સારી નેટ કનેક્ટિવિટી ન મળતી હોય કે નેટ કનેકશન ઓફ હોય ત્યારે તમે ‘સાયબરસફર’ના એપ આઇકન પર ક્લિક કરીને અથવા બ્રાઉઝર ઓપન કરીને ‘સાયબરસફર’ની વેબસાઇટ ઓપન કરશો તો ‘સાયબરસફર’નું હોમપેજ ઓપન થશે (જે અગાઉ શક્ય નહોતું અને ‘યુ આર ઓફલાઇન’નો મેસેજ જોવા મળતો હતો) હવે તમે અગાઉ ઓનલાઇન હતા ત્યારે જે લેખો આખા ઓપન કર્યા હતા તે ઓફલાઇન પણ જોઈ-વાંચી શકશો!

તમે ફોનના સેટિંગ્સમાં એપ્સ વિભાગમાં જઈને જોશો તો તેમાં ‘સાયબરસફર’ની એપ ઉમેરાઈ ગઈ હોવાનું જોઈ શકશો.

અહીં તમે જોઈ શકશો કે આ એપમાં કેટલા પ્રમાણમાં ડેટા ઓફલાઇન રીડિંગ માટે સેવ થયેલો છે. અહીં તમે એ પણ જોઈ શકશો કે આ એપ તમારી કોઈ જ પરમિશન માગતી નથી. ‘સાયબરસફર’ની આ પ્રોગ્રેસિવ વેબ એપ પોતે અત્યંત લાઇટવેઇટ છે. ફક્ત તમે જેટલા લેખો અને તેમની ઇમેજીસ જોયાં હોય તે ઓફલાઇન રીડિંગ માટે સચવાય છે અને એટલી જ જગ્યા તમારા ફોનમાં રોકાય છે.

તમે ઇચ્છો તો અહીંથી ઓફલાઇન રીડિંગ માટે સચવાયેલો બધો ડેટા દૂર કરી શકો છો અને એપ પણ દૂર કરી શકો છો. તેને ફરી ઇન્સ્ટોલ કરવા માટે માત્ર સફરની સાઇટ પર જઈને બ્રાઉઝરના સેટિંગમાં જઈને ‘એડ ટુ હોમ સ્ક્રીન’ પર ક્લિક કરવાનું રહેશે!

આટલું ધ્યાન રાખશો…

આ બધી તો સારી વાત થઈ પરંતુ પ્રોગ્રેસિવ વેબ એપની એક મર્યાદા એ છે કે તમે નેટ કનેકશન ચાલુ હોય ત્યારે જે જે વેબપેજીસ કે લેખ જોયા હોય માત્ર તે જ ઓફલાઇન રીડિંગ માટે તમારા મોબાઇલમાં સેવ થાય છે.

આવી મર્યાદા એક રીતે જરૂરી પણ છે કારણ કે ‘સાયબરસફર’ની સાઇટ પરનો તમામ વિશાળ ડેટા ફોનમાં મોટી જગ્યા રોકી લે તે ઇચ્છનીય પણ નથી.

પરંતુ એક તકલીફ એ છે કે તમે ઓનલાઇન હતા ત્યારે ક્યા ક્યા લેખ જોયા હતા, એ યાદ કેમ રહે? કારણ કે ઓફલાઇન ઉપયોગ કરતી વખતે ‘સાયબરસફર’ એપ ઓપન કરશો તો તેમાં ક્યા ક્યા લેખ ડાઉનલોડ થયેલા છે તે શોધવું મુશ્કેલ છે.

આના ઉપાય તરીકે સાઇટમાં તમને ગમતા લેખોને ફેવરિટ લેખ તરીકે બુકમાર્ક કરવાની એક સગવડ આપવામાં આવી છે. અલબત્ત, આ સુવિધા સાઇટ પરના લેખો આખા વાંચવા માટે જરૂરી યૂઝરનેમ-પાસવર્ડ ધરાવતા વાચકો માટે છે.

નેટકેકશન ઓન હોય ત્યારે સાઇટમાં, તમારા યૂઝરનેમ-પાસવર્ડથી લોગ-ઇન થયા પછી તમે કોઈ પણ લેખ ઓપન કરશો તો તેમાં મથાળે તેને બુકમાર્ક કરવાનું એક બટન જોવા મળશે. તેને ક્લિક કરતાં એ લેખ તમારા ફેવરિટ લેખોની યાદીમાં ઉમેરાઈ જશે.

તમે જે લેખો ઓફલાઇન વાંચવા માગતા હો તે લેખોને ફૂલ લોડ થવા દો અને બુકમાર્ક બટન પર ક્લિક કરી દો. લેખ ત્યારે ને ત્યારે આખો વાંચવાની જરૂર નથી.

હવે તમે ઓનલાઇન હો ત્યારે જ એક વાર મેઇન મેનુમાં ‘યોર એકાઉન્ટ’ અને તેમાં ‘યોર બુકમાર્ક્સ’ પેજ પર જાઓ. આ પેજમાં તમે બુકમાર્ક કરેલા બધા લેખોની યાદી જોવા મળશે. ઉપરાંત તમે ઓનલાઇન હશો ત્યારે આ પેજ જોયું હોવાથી તે પણ ઓફલાઇન રીડિંગ માટે સેવ થઈ જશે!

આથી હવે જ્યારે પણ મોબાઇલ નેટ કનેકશન ન હોય ત્યારે ‘સાયબરસફર’ની એપ ઓપન કરીને અથવા બ્રાઉઝરમાં સાઇટ વિઝિટ કરવાથી તમે હોમ પેજ જોઈ શકશો અને બુકમાર્કસના પેજ પર જઈને જે લેખ તમે વાંચવા માગતા હો તેની લિન્ક પર ક્લિક કરવાથી, એ લેખ અગાઉ ઓફલાઇન રીડિંગ માટે સેવ થઈ ગયો હોવાથી આખેઆખો વાંચી શકશો.

આમ હવે ‘સાયબરસફર’ની વેબસાઇટની પ્રોગ્રેસિવ વેબ એપનો લાભ લેવા ત્રણ પગલાં જરૂરી છે.

 • નેટ કનેક્શન ચાલુ હોય ત્યારે આખો લેખ લોડ થઈ જવા દો.
 • તેનો બુકમાર્ક સેવ કરી, બુકમાર્ક પેજ જોઈ લો.
 • ઓફલાઇ હો ત્યારે બુકમાર્ક પેજ પર જઈ, ગમતા લેખ વાંચો.

‘સાયબરસફર’માં અમારો હેતુ ગુજરાતી રિવારોને, એટલે કે તમને જુદી જુદી, નવી નવી અને રોજિંદા જીવનમાં ઉપયોગી ટેકનોલોજીસનો ઊંડો પરિચય કરાવવાનો છે. એ માટે માત્ર કોરી વાતો લખવાને બદલે આવા પ્રેક્ટિકલ સ્વરૂપે તેનો ઉપયોગ કરવાની તક ઊભી કરવા માટે અમે સતત પ્રયત્નશીલ છીએ!

‘સાયબરસફર’ની વેબસાઇટના ફાયદા

 • અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ અંકના લેખો વર્ષ-મહિનાના અંક મુજબ વાંચી શકાય
 • મેગેઝિનના વિવિધ વિભાગો (જેમ કે એફએક્યુ કે કરિયર ગાઇડ) અને વિષય (ઈ-મેઇલ, વોટ્સએપ વગેરે) મુજબ, અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ લેખ સર્ચ કરી શકાય, એક સાથે જોઈ-વાંચી શકાય
 • લેખોમાં સામેલ વીડિયો એ જ પેજ પર જોઈ શકાય
 • અન્ય વેબસાઇટ્સ, ઇન્ફોગ્રાફિક્સ વગેરે સુધી ફક્ત ક્લિક કરીને પહોંચી શકાય
 • લેખો ઓફલાઇ વાંચી શકાય
 • ઓફલાઇ સેવ થયેલા લેખો, મોબાઇલમાંથી દૂર ન કરો ત્યાં સુધી, લવાજમની મુદત પૂરી થયા પછી પણ વાંચી શકાય
 • પોસ્ટમાં અંક  મળવા/વિલંબની ઝંઝટ નહીં
 • પ્રિન્ટ મેગેઝિન કરતાં કિંમત ઘણી ઓછી!

આપના અભિપ્રાય જણાવતા રહેશો અને પ્રોગ્રેસિવ વેબ એપના ઉપયોગ સંબંધિત કોઈ પણ સવાલ હોય તો ૯૨૨૭૨ ૫૧૫૧૩ પર જરૂર સંપર્ક કરશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here