વોટ્સએપ-ઇન્સ્ટાગ્રામ-મેસેન્જર એપ્સ એકમેકમાં ભળી જશે!

જાન્યુઆરી 25, 2019ના રોજ અમેરિકન ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર, ફેસબુકના સ્થાપક માર્ક ઝકરબર્ગ તેમની માલિકીની અને ઇન્ટરનેટ પરની અત્યારની સૌથી લોકપ્રિય ત્રણ મેસેન્જિંગ એપ્સ – વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક મેસેન્જર – ત્રણેયને એકમેકમાં ભેળવી દેવાનું આયોજન કરી રહ્યા છે.

ફેસબુકે ઇન્સ્ટાગ્રામ સર્વિસ 2012માં અને વોટ્સએપ સર્વિસ 2014માં ખરીદી લીધી હતી.

આ બંને સર્વિસના સ્થાપકો શરૂઆતમાં ફેસબુકમાં જોડાચા હતા, પરંતુ પછી યૂઝરના ડેટાની સલામતી અને જાહેરાતોની નીતિના મુદ્દે વિવિધ મતભેદો થતાં, એ સૌએ ફેસબુક કંપની છોડી દીધી છે. વોટ્સએપના સ્થાપકે તો ગયા વર્ષે સૌએ ફેસબુકનું એકાઉન્ટ ડિલીટ કરવું જોઈએ એવી લોકોને અપીલ પણ કરી હતી!

આ ત્રણેય એપને ભેળવી દેવા માટેનું કામ શરૂ થઈ ગયું છે અને આ વર્ષના અંત સુધીમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં તેનો અમલ શરૂ થઈ જશે. આ વિચારના અમલ આડે ઘણા અવરોધો આવશે, પણ એક યૂઝર તરીકે આપણને તેની શી અસર થશે એ જાણી લઈએ…

ઉપયોગની દષ્ટિએ અસર

 • આ ત્રણેય સર્વિસના યૂઝર્સનો સરવાળો 2.6 અબજ લોકો સુધી પહોંચે છે.
 • આપણા સૌનું મોટા ભાગે ત્રણેયમાં અથવા કમ સે કમ એક સર્વિસમાં તો એકાઉન્ટ હશે જ.
 • આ ત્રણેય સર્વિસ સ્ટેન્ડ-એલોન એટલે કે અલગ અલગ એપ તરીકે તો કાર્યરત રહેશે,પણ ઇન્ટરઓપરેબલ રહેશે એટલે એક સર્વિસમાંથી બીજી સર્વિસમાં મેસેજની આપલે થઈ શકશે.
 • જેમ અત્યારે જીમેઇલમાંથી યાહૂ કે અન્ય મેઇલ સર્વિસમાં મેઇલની આપે થઈ શકે છે એ જ રીતે, આ ત્રણેય એપમાં, બીજી કોઈ એપમાં એકાઉન્ટ ન હોય તો પણ મેસેજમાં મોકલી શકાશે.
 • તમે માત્ર નિકટના સ્વજનોના સંપર્કમાં રહેવા વોટ્સએપ પર સક્રિય હો, તો પણ હવે ફેસબુક-ઇન્સ્ટાગ્રામના અન્ય યૂઝર્સ અને એડવર્ટાઇઝર્સની નજરમાં આવી જશો!

જાહેરાતની દૃષ્ટિએ અસર

 • દેખીતું છે કે આખી દુનિયા હવે સ્માર્ટફોન પર સક્રિય છે ત્યારે મોબાઇલ એડવર્ટાઇઝિંગનું સૌથી મોટું નેટવર્ક ઊભું કરવાનો આ પ્રયાસ છે.
 • મર્જર પછી, ત્રણે સર્વિસના યૂઝર્સનો ડેટા ફેસબુકને મળશે, જે તેના માટે સોનાની નહીં, પ્લેટિનમ કે તેથી વધુ કંઈ કિંમતી હોય તો તેની ખાણ સાબિત થશે.
 • અત્યારે જ ફેસબુક પરથી મેસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પર પણ જાહેરાત થઈ શકે છે.
 • વોટ્સએપ પર ટૂંક સમયમાં મોટા પાયે જાહેરાતો શરૂ થાય તેમ છે.
 • ત્રણેય એપ એક થતાં, એડવર્ટાઇઝર્સ અનેક રીતે આપણા પર જાહેરાતોનો મારો ચલાવી શકશે.

ડેટા સલામતીની દૃષ્ટિએ અસર

 • અત્યારે વોટ્સએપના મેસેજીસ એન્ક્રિપ્ટેડ હોય છે, નવા આયોજન પ્રમાણે ત્રણેય સર્વિસના મેસેજીસને એન્ક્રિપ્ટ કરાશે, મતલબ કે મેસેજ મોકલનાર-મેળવનાર સિવાય વચ્ચે કોઈ તેને વાંચી શકશે નહીં
 • આમ છતાં, વોટ્સએપમાંનું મેસેજિંગ પણ કહેવામાં આવે છે એટલું ખાનગી નથી.
 • ફેસબુકનો ડેટા અવારનવાર હેક થાય છે અથવા થર્ડ પાર્ટી એપ્સ સુધી પહોંચી જાય છે.
 • અત્યારે મૂળ ફેસબુક સર્વિસ અને તેની મેસેન્જર એપ લગભગ એક જ છે (તમને કદાચ ખબર પણ નહીં હોય કે તમારા ફોનમાંથી કયા નંબર પર, ક્ઈ તારીખે, કેટલા વાગ્યે ફોન કે એસએમએસ કર્યો તેની માહિતી પણ મેસેન્જર કે ફેસબુક લાઇટ એપથી ફેસબુકને મળે છે)
 • ભારતમાં, વોટ્સએપ પર યુપીઆઇ આધારિત પેમેન્ટ સર્વિસ બિલકુલ તૈયાર હોવા છતાં, યૂઝરના ડેટાની સલામતી બાબતે સરકારે મંજૂરીઓ આપી ન હોવાથી તે અટકી પડી છે.
 • હવે આ ત્રણ એપ એક થતાં, આપણી રહીસહી પ્રાઇવસી પણ ખતમ થઈ જશે!
 • ઉપરાંત એ પછી કોઈ હેકર ફેસબુકનો ડેટા હેક કરશે, તો તમારું તેમાં એકાઉન્ટ ન હોય તોય તમારી વિગતો પણ ચોરાય એવું બની શકે છે!

આ ખરેખર શક્ય છે?

 • ટેકનિકલી ચોક્કસ શક્ય છે, પરંતુ તેમાં અવરોધો ઘણા આવશે.
 • ફેસબુક કંપનીએ વોટ્સએપના યૂઝર્સનો ડેટા ફેસબુકને મળે એવી રીતે વોટ્સએપની પોલિસી બદલી ત્યારે પણ ખાસ્સો વિરોધ થતો હતો.
 • ફેસબુક કંપનીમાં માત્ર આંતરિક ઉપયોગ માટે, ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામના એમ્પ્લોઇઝનાં મેસેજિંગ બોર્ડ એક કરવામાં આવ્યાં ત્યારે તેનો પણ, કંપનીમાં આંતરિક વિરોધ થયો હતો.

એ ખાસ નોંધવા જેવું છે કે ફેસબુક કંપનીએ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કંપની ખરીદી ત્યારે, માર્ક ઝકરબર્ગે પ્રોમિસ આપ્યું હતું કે બંને કંપની સ્વાયત્ત જ રહેશે!

તમે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક મેસેન્જરનો ઉપયોગ કરતા હો, તેનાં બારીક પાસાં, હવે તમારે જરા વધુ ઝીણી નજરે સમજવાં રહ્યાં!

અન્ય સંબંધિત લેખોઃ

નવી નજરે જુઓ ફેસબુકમાંનો પોતાનો ડેટા

ફેસબુક પરનો તમારો તમામ ડેટા કેવી રીતે ડાઉનલોડ કરશો?

ફેસબુકનું ડેટા કૌભાંડ : શું બન્યું, કેમ બન્યું? અને હવે આપણે શું કરવું?

ફેસબુકમાંની અંગત વિગતો તપાસો

ફેસબુકમાં શંકાસ્પદ થર્ડ પાર્ટી એપ્સ આ રીતે દૂર કરો

ફેસબુકમાં જાહેરાતોને સંબંધિત સેટિંગ્સ તપાસો

ફેસબુકમાં લોકેશન સર્વિસ આ રીતે બંધ કરી શકાય

4 COMMENTS

 1. i like u read your books .. પણ મને આને માસિક બાંધવું હોય તો શું કરું… i am in std8

 2. આવી અમૂલ્ય માહિતી સાયબર સફર જ આપે એતો સર્વ વિદિત જ છ!ખૂબ ખૂબ ધન્યવાદ👌

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here