માત્ર વાંચન નહીં, અમલ પણ ખરો!

‘સાયબરસફર’ માત્ર વાંચીને બાજુએ મૂકી દેવાનું મેગેઝિન ન રહે એવો અમારો હંમેશા પ્રયાસ રહે છે. તમે પ્રિન્ટ મેગેઝિન સ્વરૂપે ‘સાયબરસફર’ વાંચી રહ્યા હો કે  વેબસાઇટ કે પ્રોગ્રેસિવ વેબ એપ સ્વરૂપે – એમાંના લેખોમાં એવી અઢળક સામગ્રી મળશે જેના પર તમે વાંચનની સાથોસાથ અમલ કરી શકો.

જેમ કે આ અંકમાં માઇક્રોસોફ્ટ એક્સેલ પ્રોગ્રામમાં પિવોટ ટેબલ વિશે પ્રારંભિક પણ વિગતવાર સમજ આપી છે. આ લેખ એવો છે જેમાં તમે વાંચવાની સાથોસાથ એક્સેલ સ્પ્રેડશીટ ઓપન કરીને તેમાં પિવોટ ટેબલ બનાવવાની અજમાયશ કરતા જશો તો બની શકે કે અહીં લખવામાં આવ્યું છે એના કરતાં પણ વધુ તમે પિવોટ ટેબલ વિશે જાણી શકો.

એ જ રીતે, આપણા સ્માર્ટફોનના હોમસ્ક્રીન પર રહેલું ગૂગલનું સર્ચ બોક્સ સતત નજર સામે આવતું હોવા છતાં આપણે તેની ઘણી ખૂબીઓથી અજાણ હોઈએ એવું બની શકે છે. ફરી, અહીં આપેલી ગૂગલ સર્ચ અને ગૂગલ આસિસ્ટન્ટ એપ્સ વિશેની અવનવી બાબતો પર વાંચનની સાથોસાથ અમલ કરતા જશો તો ઘણું વધુ જાણી શકશો.

એ ઉપરાંત જે વિદ્યાર્થીઓ કોઈ કારણસર આઇટીના ડિગ્રી અભ્યાસક્રમમાં જોડાઈ શકે તેમ ન હોય તેમને માટે ઉપયોગી અન્ય પ્રકારના કોર્સીસ વિશે આ અંકમાં માહિતી આવરી છે.

આપનાં સૂચનો જરૂર મોકલતા રહેશો.

-હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here