ફાયરફોક્સનું નવું વર્ઝન – ક્વોન્ટમ

જો તમે ગૂગલ ક્રોમનો પૂરો લાભ ન લઈ શકતા હો, તો ફાયરફોક્સ તમારું કામ સહેલું બનાવશે

x
Bookmark

ઇન્ટરનેટનો આપણો ઉપયોગ મુખ્યત્વે બે સાધનોમાં વહેંચાયેલો છે – કમ્પ્યુટર અને સ્માર્ટફોન. સ્માર્ટફોનમાં ફરીથી બે બાબતમાં વાત વહેંચાયેલી છે – બ્રાઉઝર અને એપ્સ. પરંતુ પીસીની વાત કરીએ તો તેમાં એક જ વાત કેન્દ્રમાં રહે છે – બ્રાઉઝર.

ઇન્ટરનેટના જૂના, શરૂઆતના સમયમાં માઇક્રોસોફ્ટનું ઇન્ટરનેટ એક્સપ્લોરર સૌથી લોકપ્રિય બ્રાઉઝર હતું પરંતુ પછી ફાયરફોક્સ મોઝિલાએ ટેબ્ડ બ્રાઉઝિંગ, એડોન્સ વગેરે નવી પહેલ કરીને દુનિયાના સૌથી લોકપ્રિય બ્રાઉઝર તરીકેનું સ્થાન મેળવી લીધું. જોકે ત્યાર પછી ગૂગલે બ્રાઉઝરના માર્કેટમાં એન્ટ્રી કરી અને ગૂગલ ક્રોમમાં ફાયરફોક્સ જેવી જ ને તેથી ચડિયાતી સુવિધાઓ અને ખાસ તો વધુ સારી સ્પીડ આપીને મેદાન મારી લીધું. છેલ્લાં કેટલાંય વર્ષોથી ગૂગલ ક્રોમ દુનિયાનું સૌથી લોકપ્રિય બ્રાઉઝર છે.

અલબત્ત ફાયરફોક્સે હજી પણ મેદાન છોડ્યું નથી અને તેના લેટેસ્ટ વર્ઝન ફાયરફોક્સ ક્વોન્ટમ સાથે તે ગૂગલ ક્રોમને ગંભીર હરીફાઈ આપે તેવી શક્યતા છે.

તમે કદાચ ઘણા સમયથી ફાયરફોક્સ તરફ જોયું નહીં હોય પરંતુ હવે એ તરફ નજર દોડાવી શકાય.

ફાયરફોક્સના આ લેટેસ્ટ વર્ઝનમાં મુખ્ય બે પ્રકારના ફેરફાર છે. એક, જે આપણી નજરે ચડે છે અને બીજા જે દેખાતા નથી પણ ફાયરફોક્સની ક્ષમતા વધારે છે.

આવા ‘અન્ડર ધ હૂડ’ ફેરફારોમાં ફાયરફોક્સના દાવા મુજબ, લેટેસ્ટ વર્ઝનમાં બ્રાઉઝિંગની ઝડપમાં ગજબનો વધારો થયો છે. ફાયરફોક્સ ત્યાં સુધી કહે છે કે તેના પાછલા બે ચાર વર્ઝન પહેલાં જે સ્પીડ હતી તેના કરતાં ફાયરફોક્સ ક્વોન્ટમમાં બ્રાઉઝિંગની ઝડપ લગભગ બમણી થઈ ગઈ છે.

જે સુવિધાઓનો લાભ લેવા માટે ગૂગલ ક્રોમમાં એક્સટેન્શન ઉમેરવાં પડે તે સુવિધાઓ હવે ફાયરફોક્સ મોઝિલામાં બ્રાઉઝરના એક ભાગ તરીકે જ ઉમેરાઈ ગઈ છે

ગૂગલ ક્રોમનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં આપણે જુદી જુદી ટેબ ઓપન કરીને બ્રાઉઝિંગ કરીએ ત્યારે દરેક ટેબને એક અલગ પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. એટલે કે કોઈ એક ટેબમાંની સાઇટ હેંગ થાય કે ક્રેશ થાય તો બધી ટેબ બંધ થાય કે અટકી પડે તેવું બનતું નથી. ફાયરફોક્સ ક્વોન્ટમમાં આ જ પ્રકારની ટેકનોલોજી અપનાવવામાં આવી છે.

આવા ટેકનિકલ ફેરફારો ઉપરાંત ફાયરફોક્સ ક્વોન્ટમમાં કેટલાક દેખીતા સુધારા છે જે આપણા જેવા સરેરાશ યૂઝરને કામ લાગે તેવા છે અને આપણું ઇન્ટરનેટ બ્રાઉઝિંગ થોડું વધુ સરળ બનાવે તેવા છે.

ગૂગલ ક્રોમમાં કેટલીક પાયાની સુવિધાઓ મેળવવા માટે આપણે એક્સટેન્શનનો ઉમેરો કરવો પડે છે પરંતુ ફાયરફોક્સમાં આ સુવિધાઓ બ્રાઉઝરના ભાગ તરીકે જ ઉમેરી દેવામાં આવી છે, જે આપણું કામ સહેલું બનાવે છે.

સ્ક્રીનશોટ લેવાની સુવિધા

ઇન્ટરનેટ બ્રાઉઝિંગ કરતી વખતે આપણે ઘણી વાર સ્ક્રીનશોટ લેવાની જરૂર ઊભી થતી હોય છે. ફાયરફોક્સ ક્વોન્ટમમાં આ મુદ્દાને બ્રાઉઝરનો જ એક ભાગ બનાવી દેવાયો છે.

તમે બ્રાઉઝિંગ કરતા હો ત્યારે સ્ક્રીન પર રાઇટ ક્લિક કરીને ‘ટેઇક એ સ્ક્રીનશોટ’ વિકલ્પ સિલેક્ટ કરી શકો છો અને પછી આખું પેજ, માત્ર દેખાતું હોય એટલું પેજ અથવા પેજ પરના અમુક ચોક્કસ ભાગનો સ્ક્રીનશોટ લઈ શકો છો. અન્ય સ્ક્રીનશોટ ટૂલ્સની જેમ આપણે માઉસથી ડ્રેગ એન્ડ ડ્રોપ કરીને આપણા સિલેકશનમાં ફેરફાર કરી શકીએ છીએ.

એક વાર સ્ક્રીનશોટ કેપ્ચર થાય તે પછી તેને ડાઉનલોડ કરી શકીએ છીએ કે ક્લાઉડમાં સેવ કરી શકીએ છીએ.

ઇન્ટરનેટનું કન્ટેન્ટ સેવ કરવાની સુવિધા

‘સાયબરસફર’ના જૂના વાચકોને યાદ હશે કે આપણે જાન્યુઆરી-૨૦૧૪ના અંકમાં ‘પોકેટ’ નામની એક અત્યંત ઉપયોગી સુવિધા વિશે વિગતવાર વાત કરી ગયા છીએ.

આ વેબ સર્વિસ પીસીમાં અને સ્માર્ટફોનની એપ તરીકે ઉપલબ્ધ છે. ઇન્ટરનેટ પર આપણે કોઈ પણ વેબસાઇટ સર્ફ કરી રહ્યા હોઇએ ત્યારે જે લેખ આપણને ફૂરસદે વાંચવા જેવો લાગે તેને પોકેટમાં સેવ કરી શકીએ છીએ જેથી ઇન્ટરનેટ કનેકશન ન હોય ત્યારે પણ એ લેખ વાંચી શકાય, એ પણ એ પેજ પરની જાહેરાતો અને સંબંધિત ન હોય તેવી ઇમેજીસ દૂર કરી દેવામાં આવી હોય એવા સ્વરૂપે.

ફાયરફોક્સ ક્વોન્ટમમાં આ બધા નોંધપાત્ર સુધારા હોવા છતાં તે ગૂગલ ક્રોમનું સ્થાન લઈ શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. જે લોકો ઇન્ટરનેટના પાવર યૂઝર છે તેઓ તો ક્રોમમાં એક્સટેન્શન ઉમેરીને કામ ચલાવી શકે છે.

ફાયરફોક્સ ક્વોન્ટમમાં આ પોકેટ સર્વિસને પણ બ્રાઉઝરનો એક ભાગ બનાવી દેવામાં આવ્યો છે (ગૂગલ ક્રોમમાં આપણે પોકેટનું એક્સટેન્શન ઉમેરવું પડે છે).

હવે પછી ફાયરફોક્સ ક્વોન્ટમમાં તમે કોઈ પણ લેખને પોકેટમાં સેવ કરવા માગતા હો તો ત્યારે પોકેટના આઇકન પર ક્લિક કરવા માત્રથી એ કામ થઈ જાય છે, જોકે પૂરા લાભ માટે પોકેટમાં ફ્રી એકાઉન્ટ જોઈશે.

બ્રાઉઝરમાંની આપણી લાઇબ્રેરી

આ ત્રીજો વધુ દેખીતો ફેરફાર છે. સર્ફિંગ કરતાં આપણે બૂકમાર્કસ સેવ કરીએ, ડાઉનલોડ કરીએ, સ્ક્રીન શોટ્સ લઇએ કે પોકેટમાં આર્ટિકલ્સ સેવ કરીએ એ બધું જ એક સાથે લાઇબ્રેરીમાં જોઈ શકાય છે. બ્રાઉઝરમાં ઉપર જમણી તરફ લાયબ્રેરીના આઇકન પર ક્લિક કરતાં આપણી આ બધી પ્રવૃત્તિઓને સંબંધિત લિંક્સ જોવા મળે છે.

ફાયરફોક્સ ક્વોન્ટમમાં આ બધા નોંધપાત્ર સુધારા હોવા છતાં તે ગૂગલ ક્રોમનું સ્થાન લઈ શકશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. જે લોકો ઇન્ટરનેટના પાવર યૂઝર છે તેઓ ફાયરફોક્સ ક્વોન્ટમમાં હવે ઉમેરાયેલી બધી સુવિધાઓ માટે ગૂગલ ક્રોમમાં તેમને જરૂરી એક્સટેન્શન્સ ઉમેરીને પોતાનું કામ આસાનીથી ચલાવી લઈ શકે છે. માત્ર જે લોકોને આ બધી સુવિધાઓનો પૂરતો લાભ લેતાં આવડતું નથી તેમને હવે આ બધું ફાયરફોક્સ ક્વોન્ટમમાં જ ઉમેરાઈ ગયું હોવાથી બ્રાઉઝિંગને વધુ સ્માર્ટ બનાવવું થોડું સહેલું બનશે.

SHARE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here