ઇન્ટરનેટ પર એક્ટિવ અનોખાં દાદી-નાની

તમે પણ એમના જેવી જ ભૂમિકા ભજવી શકો છો, એમની ઉંમરે પહોંચ્યા પહેલાં જ.

તમારા સ્માર્ટફોનમાં વોટ્સએપમાં આ બધાં ગ્રૂપ તો લગભગ હશે જ – એક, બાળપણના જૂના મિત્રોનું ગ્રૂપ (જે વોટ્સએપ, ફેસબુકને કારણે જ મળ્યા હોય), બીજું, અત્યારના તમારા કામકાજના વર્તુળમાં આવતા લોકોનું ગ્રૂપ અને ત્રીજું તમારા પારિવારિક સ્વજનોનું ગ્રૂપ.

આ ત્રણેયમાંથી પહેલા બે ગ્રૂપને બે ઘડીએ બાજુએ મૂકો અને ત્રીજા ગ્રૂપને ઓપન કરો. એમાં આવેલી લેટેસ્ટ ચેટ્સ પર નજર ફેરવો અને જુઓ કે ગ્રૂપમાં કોણ સૌથી વધુ એક્ટિવ છે?

આ પહેલાં કદાચ તમારું ધ્યાન નહીં ગયું હોય, પણ હવે તમે જોશો તેમ આ ગ્રૂપમાં નવા નવા જોડાયેલા વડીલો કદાચ ગ્રૂપમાં સૌથી વધુ એક્ટિવ હશે!

વોટ્સએપ પોતે જ્યારે નવું નવું હતું ત્યારે આપણે તેના પર ખાસ્સા એક્ટિવ હતા. પછી પરિવારના દાદા-દાદીઓ કે નાના-નાનીઓના હાથમાં સ્માર્ટફોન આવ્યા, આપણે એમને વોટ્સએપ પર ટેક્સ્ટ મેસેજ મૂકતાં કે ઇમેજ-વીડિયો વગેરે શેર કરતાં શીખવ્યું અને હવે એ લોકો ગ્રૂપમાં બીજા કરતાં વધુ એક્ટિવ થઈ ગયા!

ગુડ મોર્નિંગ ઇમેજ, કવિતા-જોડકણા, જોક વગેરેમાં આપણને હવે કદાચ કંટાળો આવે, પણ વડીલોને મજા પડે છે. કોઈ તહેવાર આવે ત્યારે ખબર નહીં ક્યાંથી એ લોકો દેવી-દેવતાઓની ઇમેજ શોધી લાવે છે અને ગ્રૂપમાં ફોરવર્ડ કરે છે. એક વડીલ આવી કોઈ ઇમેજ શેર કરે એ સાથે અન્ય વડીલો ધડાધડ બે હાથ જોડેલા ઇમોજીસ કે તાળીઓના ગડગડાટથી ગ્રૂપ ગજાવી મૂકે છે!

સ્માર્ટફોન પર સક્રિય થયેલા આ સૌ વડીલોને તેમના ઉત્સાહ અને ગમે તે ઉંમરે કંઈક નવું શીખવાની ધગશ માટે સાદર વંદન, પણ અહીં આપણે જે દાદી-નાની કે દાદા-નાનાની વાત કરવી છે એ લેખના શીર્ષકમાં લખ્યા મુજબ ખરેખર અનોખા છે. એ લોકોમાંથી ઘણાં વાસ્તવમાં દાદા-દાદી પણ નથી. ઘણાની ઉંમર માંડ ૨૪ કે ૨૫ વર્ષની છે છતાં તેમને પ્રેમથી ગ્રેન્ની (યુકે-યુએસમાં દાદી-નાની માટેના શબ્દ)નું બિરુદ મળી ગયું છે અને તેમને એ જચી પણ ગયું છે!

પરંતુ એમની વાત કરતાં પહેલાં આ નવા પ્રકારના દાદા-દાદી કે નાના-નાનીનું ઇન્ટરનેટ પરનું કામ કેમ અગત્યનું છે એ જરા સમજીએ.

આગળ શું વાંચશો?

  • આપણા પર હાવી થઈ રહેલી ટેક્નોલોજી
  • દાદા-દાદીની નવી ભૂમિકા
  • એક મજાનો કન્સેપ્ટ – સ્કૂલ ઇન ધ ક્લાઉડ
  • સ્કાઇપ પર ચર્ચા કરતા સ્વયંસેવકોની ભૂમિકા

આપણા પર હાવી થઈ રહેલી ટેક્નોલોજી

છેલ્લા કેટલાક સમયથી ઇન્ટરનેટ પર બ્લુ વ્હેલ નામની નવી ચિંતા પ્રસરી છે. જે કોઈ પરિવારમાં સ્માર્ટફોન છે એ દરેક પરિવાર અખબારો અને ટીવી ન્યૂઝ ચેનલ્સમાં છાશવારે ચમકતા બ્લુ વ્હેલ સંબંધિત સમાચારોથી મનમાં ને મનમાં ધ્રાસકો અનુભવે છે. તમે પણ અનુભવતા હશો.

આપણને ચિંતા થવી સ્વાભાવિક છે કારણ કે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની નવી ટેકનોલોજી આપણે બે પાંચ વર્ષ પહેલાં કલ્પના પણ નહોતી કરી એટલી ઝડપે આપણા પર હાવી થઈ રહી છે. આપણે તો સ્માર્ટફોન વિનાની અને સ્માર્ટફોન સાથેની એમ બંને પ્રકારની જિંદગી જોઈ છે પણ આપણા પરિવારની નવી પેઢી એવી છે, જેણે સ્માર્ટફોન વિનાની જિંદગી જોઈ જ નથી.

આ પેઢીનાં મા-બાપ કાં તો પોતાના સ્માર્ટફોન પર પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે અથવા એ પોતે સ્માર્ટફોનની અસીમ સંભાવનાઓ વિશે કશું જાણતા જ નથી. આ બંને કારણે ઘણાં મા-બાપને ખબર પણ નહોતી હોતી કે એમનું સંતાન રાત-દિવસ સ્માર્ટફોનમાં શું કરે છે.

સ્માર્ટફોનની તકલીફ એ છે કે, એમાં દરેક વ્યક્તિની પોતપોતાની આગવી દુનિયા રચાય છે. સ્માર્ટફોનમાં આપણે શું જોઈએ છીએ અને શું કરીએ છીએ એ કાં તો આપણે જાણીએ છીએ અથવા ગૂગલરામ જાણે છે.

ભર્યાભાદર્યા પરિવારમાં રહેતાં હોવા છતાં, આપણાં સંતાનો પોતાના મોબાઇલમાં તદ્દન એકાકી જિંદગી જીવે છે. વોટ્સએપ કે ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર એ એક્ટિવ થાય ત્યારે જો એ પોતાના વાસ્તવિક જીવનમાંના સ્વજનો કે મિત્રો સાથે સંપર્કમાં રહે તો એમનું આ એકાકીપણું ઓછું થાય પણ જો આ જ સોશિયલ મીડિયા પર એ અજાણ્યા લોકોના સંપર્કમાં આવે અને એમાં જો ઊંડાં ઊતરતાં જાય તો પોતાના વાસ્તવિક પરિવાર અને તેની બહાર વિસ્તરતા પણ સાચુકલા માણસોના વર્તુળથી વધુ ને વધુ દૂર થતાં જાય છે.

બ્લુ વ્હેલ જેવી બાબત આવી સ્થિતિનો લાભ ઉઠાવી શકે છે. બ્લુ વ્હેલની અસર માટે ફક્ત ઇન્ટરનેટ કે સ્માર્ટફોનને દોષ દેવો સહેલો છે પણ આપણે પોતાની અંદર પણ જોવું પડશે. આપણાં સંતાનોના હાથમાં રહેલા સ્માર્ટફોનની એક બાજુ બ્લુ વ્હેલ જેવી ઘાતક ગેમ્સના સંચાલકો છે અને બીજી તરફ આપણે પોતે છીએ. આપણું બાળક આ બંનેમાંથી કોની તરફ જાય તેવું આપણે ઇચ્છીએ છીએ?

જો આપણું સંતાન ફરી આપણી તરફ વળે કે તેને આપણી તરફ વાળવું હોય તો આપણે શું કરવું એ પણ વિચારવું રહ્યું! આમાં મદદરૂપ થાય છે, આગળ જેની વાત કરી એ અનોખાં દાદા-દાદી અને નાના-નાની.

દાદા-દાદીની નવી ભૂમિકા

ઓકે, બ્લુ વ્હેલની ચિંતાને બે ઘડી બાજુએ મૂકીને આપણે વિતી ગયેલા બાળપણના સમય તરફ વળીએ. જગજિત સિંહની પેલી જગપ્રસિદ્ધ નઝમના આ શબ્દો મમળાવો…

મોહલ્લે કી સબ સે નિશાની પુરાની,

વો બુઢિયા જૈસે બચ્ચે કહેતે થે નાની…

વો નાની કી બાતો મેં પરીઓં કા ડેરા,

વો ચહેરે કી ઝુર્રિયોં મેં સદીયોં કા ફેરા…

ભૂલાયે નહીં ભૂલ સકતા હૈ કોઈ,

વો છોટી સી રાતેં, વો લંબી કહાની…

જેમના બાળપણમાં સ્માર્ટફોન કે વોટ્સએપ નહોતા એ સૌ લોકોએ પારિવારિક જીવનનો આ ભવ્ય વૈભવ ભરપૂર માણ્યો હશે. આપણા સૌના પરિવારમાં દાદા-દાદી કે મોટી ઉંમરના ફઈ, માસી કે મામીમાંથી કોઈ ને કોઈ એવું હતું જેને સરસ વાર્તા કહેતાં આવડતું હતું. વેકેશનના સમયમાં સૌ પરિવારો ભેગા થયા હોય ત્યારે સમી સાંજે કે ઢળતી રાત્રે, આંગણમાં ઓટલે કે ખાટલે બેસીને નાનીના મોંએ વાર્તા સાંભળતાં સાંભળતાં સૂઈ જવાની મજા સૌએ માણી હશે.

રાત્રે વાર્તા કહેનારાં ફઈ, માસી કે મામી હવે વોટ્સએપ પર એક્ટિવ થઇ ગયાં છે અને એમનું ઓડિયન્સ વોટ્સએપથી આગળ વધીને સ્નેપચેટ કે મેસેન્જર કે આપણે જેનાં નામઠામ પણ જાણતા નથી એવા ગ્રૂપ્સમાં પરોવાઈ ગયું છે. બીજી તરફ, બ્લુ વ્હેલ જેવી ગેમના સંદર્ભમાં જોઈએ તો, દાદા, દાદી કે નાના, નાનીની વાર્તાઓની અત્યારે આપણાં બાળકોને સૌથી વધુ જરૂર છે!

કહેવાનો આશય એવો નથી કે બાળકોના હાથમાંથી સ્માર્ટફોન ખૂંચવીને એમને દાદીના ખોળામાં બેસાડી દેવાં અને ‘દિવસે ન વધે એટલા રાત્રે વધતા રાજકુમાર કે પરી’ની વાર્તા સાંભળવા ફરજ પાડવી.

આજની પેઢીને રાજા ને રાજકુમારમાં એટલો રસ નથી જેટલો રોબોટિક્સમાં છે. આ આજની દુનિયાની વાસ્તવિકતા છે અને આજની પેઢીને જેમાં રસ છે, તેણે જે શીખવું જરૂરી પણ છે એ શીખવાનું સૌથી સહેલું અને સૌથી અસરકારક માધ્યમ સ્માર્ટફોન જ છે!

તો આ બધામાં, નવી ટેકનોલોજીના પોટેન્શિયલ અને વિકસતા, ખીલતા માનસ પર ધારી અસર કરવાની દાદા-દાદીની ક્ષમતા – એ બંને વચ્ચેનો મેળ કેવી રીતે બેસાડવો?

એક મજાનો કન્સેપ્ટ – સ્કૂલ ઇન ધ ક્લાઉડ

અહીં જ એન્ટર થાય છે ‘ગ્રેન્ની ક્લાઉડ’ કે ‘સ્કૂલ ઇન ધ ક્લાઉડ’ નામનો એક મજાનો કન્સેપ્ટ.

ઇંગ્લેન્ડની એક યુનિવર્સિટીમાં સ્કૂલ ઓફ એજ્યુકેશન, કમ્યુનિકેશન એન્ડ લેંગ્વેજ સાયન્સિઝમાં એજ્યુકેશનલ ટેક્નોલોજીના પ્રોફેસર તરીકે કાર્યરત સુગત મિત્રા નામના એક ભારતીયે શાળાનું માળખું મૂળથી જ બદલી નાખવાનું એક સ્વપ્નું જોયું.

આજની શાળાઓ ગમે તેટલી આધુનિક હોય તો પણ તેનું માળખું સદીઓ જૂનું જ છે. એક વર્ગખંડ હોય, એમાં એક શિક્ષક બ્લેકબોર્ડ પર કંઇક લખીને અથવા પુસ્તકમાંથી વાંચીને વિદ્યાર્થીઓને ભણાવતા હોય, સામે લાઇનસર ગોઠવેલી બેન્ચ પર બેઠેલા વિદ્યાર્થીઓ શબ્દોનો આ મારો સહન કરીને તેમાંથી જેટલું શક્ય બને એટલું યાદ રાખી લેવાની મથામણ કરતાં હોય, કારણ કે વર્ષમાં વચ્ચે કે અંતે લેવાતી પરીક્ષામાં તેમણે આ યાદ રાખેલું બધું લખી બતાવવાનું છે અને એ જ રીતે તેમણે સાબિત કરવાનું છે કે તેઓ કેટલું શીખ્યા.

સુગત મિત્રાને લાગ્યું કે આજના ઇન્ટરનેટના સમયમાં ખરેખર બાળકોએ કશું ગોખવાની કે ધરાર યાદ રાખવાની જ‚રૂર જ રહેતી નથી. તેમને જે જોઈએ તે માહિતી આંગળીના ઇશારે મળી જ રહેવાની છે. જરૂર તો, તેમને કઈ રીતે શીખવું તે શીખવવાની છે. શિક્ષક માટે આજના સમયમાં ખરી ચેલેન્જ એ છે કે બાળકોને વિચાર કરવા માટે કેવી રીતે પ્રેરવાં?

સુગત મિત્રાએ પોતાના વતન ભારતમાં ખાસ કરીને વંચિત પરિવારોના બાળકો સુધી ઇન્ટરનેટનો લાભ પહોંચાડવા માટે એક નવો પ્રયોગ શરૂ કર્યો. આ પ્રોજેક્ટ મુજબ વિશ્વના કોઈ પણ ખૂણે વસતા અને બાળકો માટે કંઈક કરવા માટે ઉત્સાહી લોકો તેમાં સ્વયંસેવક તરીકે જોડાઈ શકે છે. તેમણે માત્ર એટલું કરવાનું હોય છે કે તેમણે નિશ્ચિત સમયે પોતાના પીસીમાં સ્કાઇપ પ્રોગ્રામ ચાલુ કરવાનો.

બીજા છેડે ભારતની કોઈ ઝૂંપડપટ્ટી કે તેના જેવા બીજા કોઈ વિસ્તારમાં એક ઘર કે કોઈ સ્કૂલમાં એક કમ્પ્યુટર ફરતે થોડાં બાળકો ટોળે વળીને ઊભાં હોય અને પેલા સ્વયંસેવકે તેમની સાથે મોકળા મને વાતચીત કરવાની. બસ એટલું જ.

સુગત મિત્રાએ બહુ વિચારપૂર્વક, બાળકોને વાર્તા કહેતાં નાનીના કન્સેપ્ટને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા સ્વરૂ‚પે અમલમાં મૂક્યો. ગ્લોબલ મીડિયામાં આ કન્સેપ્ટની ચર્ચા થઈ અને તેને ‘સ્કૂલ ઇન ધ ક્લાઉડ’ કે ‘ગ્રેન્નીઝ ઇન ધ ક્લાઉડ’ તરીકે વધાવી લેવાયો.

અત્યારે ભારત ઉપરાંત બીજા કેટલાક દેશોમાં પણ આવાં સેન્ટર્સ ઊભાં થયાં છે અને વિશ્વભરમાંથી ૨૪ થી ૭૮ વર્ષની વયના અનેક લોકો આ પ્રોજેક્ટમાં સ્વયંસેવક તરીકે જોડાય છે. તમે ઇચ્છો તો તમે પણ આ પ્રોજેક્ટમાં જોડાઈ શકો છો.

જો આખી વાતમાં તમને રસ પડ્યો હોય તો હવેની વાત ધ્યાનપૂર્વક વાંચજો.

સ્કાઇપ પર ચર્ચા કરતા સ્વયંસેવકોની ભૂમિકા

આ પ્રોજેક્ટમાં એકદમ ભારપૂર્વક કહેવામાં આવે છે કે સ્વયંસેવકે સ્કાઇપના માધ્યમથી બાળકો સાથે વાતચીત કરતી વખતે તેમને કશું જ શીખવવાનું નથી કે કોઈ લેસન આપવાના નથી. એમણે માત્ર બાળકોને વાતચીત કરતા રહેવા માટે પ્રોત્સાહન આપવાનું છે અને એ રીતે ધીમે ધીમે નવું નવું શીખવા માટે પ્રોત્સાહન આપવાનું છે. સ્કાઇપના માધ્યમથી આ ચર્ચા એવી રીતે ચાલે છે કે બાળકો પોતે જ તેમાં ચર્ચાનો દોર કઈ તરફ લંબાશે તે નક્કી કરે છે. સ્વયંસેવક તેમની કુદરતી જિજ્ઞાસા વધુ વિકસે તે વાતનું ધ્યાન રાખે છે.

સ્કાઇપ પરની આ ચર્ચામાં, એક તરફ ઇંગ્લિશ જેમની નેટિવ લેંગ્લેજ છે એવા લોકો છે અને બીજી તરફ ભારતના વંચિત પરિવારોનાં બાળકો છે. છતાં બંને છેડે કમ્યુનિકેશનનો તાર જોડાઈ જાય છે અને વાતચીતના દોર ધીમે ધીમે આગળ વધે છે.

હવે વધુ ધ્યાનથી વાંચજો – પ્રોજેક્ટની સાઇટ પર જણાવ્યા મુજબ સ્વયંસેવકે આ ચર્ચામાં એ ધ્યાન રાખવાનું હોય છે કે વાત વાતમાં બાળકોની જિજ્ઞાસા વધે, તેમનામાં આત્માવિશ્વાસ કેળવાય, એ બાળકો પોતાની આસપાસની દુનિયાની બહાર શું છે તે અને તેના વિચારો વિશે વધુ જાણે, સ્વતંત્ર રીતે વિચાર કરતાં શીખે, ઇંગ્લિશમાં વાતચીત કરતાં શીખે, ઇન્ટરનેટનો ઉપયોગ કરતાં શીખે, નવી નવી વાતો શોધતાં અને સમજતાં શીખે. સમાજના અન્ય લોકો સાથે સ્વસ્થ સંબંધ કેળવતાં શીખે. પોતાની ઉંમરના અન્ય લોકો સાથે કામ કરતાં શીખે, સમગ્ર જીવનમાં સતત નવું નવું શીખવાની તમન્ના તેમનામાં જાગે અને સૌથી વધુ અગત્યનું – આ ચર્ચાની મજા માણતાં તેઓ શીખે!

હવે જો તમને આ આખી વાતમાં ખરેખર રસ પડ્યો હોય તો આવા અનોખાં દાદા-દાદી  બનવા માટે તમારી પાસે બે રસ્તા છે.

એક, www.thegrannycloud.org સાઇટ પર જાઓ અને તેની કેટલીક પ્રોસેસ પૂરી કરીને આ મજાના પ્રોજેક્ટમાં સ્વયંસેવક તરીકે જોડાઇ જાઓ.

જો તમારી પાસે એટલો સમય ન હોય તો બીજો પણ એક રસ્તો છે. ઉપર લખેલી સ્વયંસેવકની ભૂમિકા ફરી એક વાર વાંચો, એના શબ્દે શબ્દ બરાબર સમજો અને તમારા પોતાના પરિવારમાં તમારા દીકરા-દીકરી કે ભાણેજ-ભત્રીજી માટે આવા સ્વયંસેવક બનો!

‘સ્કૂલ ઇન ધ ક્લાઉડ’ પ્રોજેક્ટમાં તો ઇન્ટરનેટની સુવિધા જેમને સરળતાથી મળતી નથી એવાં બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આપણા પરિવારના બાળકોને એ બધું સાવ સહેલાઇથી મળે છે. જે નથી મળતું તે છે આપણું ધ્યાન. આપણો સમય. આપણી કાળજી.

યોગ્ય માર્ગદર્શનથી, આપણા પરિવારનાં બાળકો ઇન્ટરનેટની મદદથી પોતાની ક્ષિતિજો ગજબની વિસ્તારી શકે છે. નાનાં બાળકોને ગણિત-વિજ્ઞાનની ખૂબીઓ રમત રમતમાં શીખવે એવી અસંખ્ય સાઇટ્સ અને ગેમ્સથી માંડીને કોલેજીયન્સ માટે દુનિયાભરની પ્રખ્યાત યુનિવર્સિટીઝનાં લેકચર્સ અને અનેક ક્ષેત્રના નિષ્ણાતોના આઇડિયાઝ ઇન્ટરનેટની ગલીએ ગલીએ મળી આવશે, જેનો આપણે આ મેગેઝિનમાં સતત પરિચય મેળવતા રહીએ છીએ.

આપણે પોતે એ બધું જાણીએ, સમજીએ અને આપણાં જ બાળકો સાથે સતત શેર કરીએ તો આપણો પણ ઇન્ટરનેટનો ઉપયોગ સાર્થક થશે.

આ લેખ ‘સાયબરસફર’માં સામાન્ય રીતે જોવા મળતા લેખોથી અલગ છે. પણ ક્યારેક ફક્ત જાણવા કરતાં, સમજવું પણ જરૂરી હોય છે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here