સફરના પ્રારંભે
 
 
 
 
Category: Admin

 

(૩૧ ડિસેમ્બર, ૨૦૦૮ના રોજ, ‘સાયબરસફર’ની વેબસાઇટના પ્રારંભે લખેલો સાયબરસફરનો પરિચય)

ઇન્ટરનેટ હવે ઘર ઘરમાં પહોંચવા લાગ્યું છે. સવાલ એ છે કે ઇન્ટરનેટ તો આપણી નજીક આવી રહ્યું છે, આપણે પોતે તેની કેટલીક નજીક પહોંચી શક્યા છીએ?

વિદેશમાં વસતા ગુજરાતી પરિવારો માટે ઇન્ટરનેટ જીવનનો એક અભિન્ન હિસ્સો બની ગયું છે, પણ ગુજરાતમાં હજી એ સ્થિતિ આવી નથી. ‘છોકરાં શીખશે’ એવું વિચારીને ઘરમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વસાવી લેવામાં આવે છે, પણ પછી એ જ મા-બાપ, ઇન્ટરનેટની ઘણે અંશે સાચી એવી કાળી બાજુથી ડરીને નેટ કનેક્શનનો લાભ લેતાં નથી.

સાયબરસફર, ગુજરાતી પરિવારોને ઇન્ટરનેટફ્રેન્ડલી બનાવવાનો એક પ્રયાસ છે.

સવાયા ગુજરાતી કાકાસાહેબ કાલેલકરે `હિમાલયનો પ્રવાસ' પુસ્તકમાં લખ્યું છે કે ``હોડીમાં બેસીને નદીના પ્રવાહ પર પ્રવાસ કરવો એના જેવું કાવ્ય બીજે ભાગ્યે જ મળતું હશે.'' કાકાસાહેબના જમાનામાં ઇન્ટરનેટ નહોતું, પણ હવે એવો જમાનો આવ્યો છે કે પીસી કે લેપટોપના (અને હવે તો મોબાઇલ પણ ખરો) સ્ક્રીનનો તરાપો બનાવી, માઉસના હલેસાના જોરે સાયબરજગતની સફરે નીકળી પડો તો એમાંય ગજબનો રોમાંચ અને આનંદ છે. થોડું ભીંજાવું પડે, બસ.

આપણી આ સાયબરસફરમાં પણ આપણે ઇન્ટરનેટની આનંદયાત્રાએ નીકળવું છે અને ટેક્નોલોજીમાં ઊંડા ઊતર્યા વિના ઇન્ટરનેટની જાતભાતની બારીઓમાં ડોકિયાં કરી જોવાં છે.

જાન્યુઆરી ૨૦૦૮માં, ‘દિવ્ય ભાસ્કર’ અખબારની કળશ પૂર્તિમાં નાનકડી સાપ્તાહિક કૉલમ તરીકે શરૂ થયેલી આ સફરને વાચકોનો ખરેખર અસીમ પ્રેમ સાંપડ્યો છે. એમાં લેખક કે લેખનશૈલીની વિશેષતા કરતાં આ વિષયની જિજ્ઞાસાએ ચોક્કસ મોટો ભાગ ભજવ્યો હશે. આ એક વર્ષ દરમિયાન અનેક વાચકોએ તેમનાં સૂચનો મોકલ્યાં છે અને ઘણા વધુ વાચકોએ તેમને મૂંઝવતા પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. ઘણાને જવાબ આપી શકાયા છે, ઘણા સાથે, ખરા અર્થમાં ફક્ત ઓનલાઇન એવી, ને છતાં નિકટની મૈત્રી કેળવાઈ છે. ઘણા વાચકોના પ્રશ્નોના જવાબ આપી નથી શકાયા કેમ કે, આ લખનાર પોતે ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો એક્સપર્ટ કે અભ્યાસુ નથી. એ ફક્ત એવો જિજ્ઞાસુ છે, જેને પોતાના અનુભવો બીજા સાથે વહેંચવામાં આનંદ આવે છે. વાચકોએ ઊંડો રસ લઈને કૉલમને વધુ રસપ્રદ બનાવી છે, એ પણ હકીકત છે.

બીજી તરફ, કોઈ ટેકનિકલ જાણકારી કે અનુભવ વિના, માત્ર નિજાનંદથી અને ગુજરાતી ભાષા પ્રત્યેના અનહદ પ્રેમથી સંખ્યાબંધ લોકોએ ઇન્ટરનેટ પર રીતસરનું એક આગવું ગુજરાતી બ્લોગજગત ઊભું કર્યું છે અને અનેક ઉપયોગી પહેલ પણ કરી છે.

‘સાયબરસફર’, ઇન્ટરનેટના આ મજાના પાસાંથી હજી સુધી અજાણ રહેલા લોકોને એ તરફ વાળવાનો પણ એક પ્રયાસ છે.

‘સાયબરસફર’ના વર્ષોજૂના વિચારોને અખબારના પાના સુધી લાવવામાં, અંગત મિત્ર અને ‘દિવ્ય ભાસ્કર’ના સંપાદક મનીષ મહેતાનો સિંહફાળો રહ્યો છે. તેમ ઇન્ટરનેટ વિશેની જિજ્ઞાસા સતત સંતોષવામાં અને વધારવામાં બીજા અંગત મિત્ર સમીર સંઘવીએ રીતસર ગાઈડની ભૂમિકા ભજવી છે. બંનેનો આભાર નહીં માનું. અને હા, ગુજરાતમાં પીવાના પાણીના મુદ્દે કાર્યરત સંસ્થાઓના નેટવર્ક ‘પ્રવાહ’નાં અમીબહેન માંકડ અને દક્ષેશભાઈ શાહે, વાતવાતમાં ‘‘પ્રવાહ’ની સાઈટ જુમલામાં હોવાથી મેનેજ કરવી બહુ સહેલી પડે છે’’ એમ કહીને જુમલા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમનો પહેલવહેલો પરિચય કરાવ્યો હતો. એ બંને આ રીતે આંગળી ચીંધ્યાનું પુણ્ય કમાયાં ન હો તો આ સફર કદાચ ઘણી મોડી શરૂ થઈ હોત!

તો આવો, નવું જાણવા, ઘણું માણવા, માઉસને આપો પાંખો!

- હિમાંશુ કીકાણી

(જાન્યુઆરી ૨૦૦૮થી શરૂ થયેલી ‘સાયબરસફર’ની વેબસાઇટ જુમલા (http://www.joomla.org/)ના એ વખતના ૧.૫ વર્ઝનમાં હતી.સમય જતાં, સલામતીનાં કારણોસર સાઇટને નવા વર્ઝનમાં અપગ્રેડ કરવી પડી. એ સમયની ટેકનિકલ મુશ્કેલીઓને કારણે જૂની સાઇટ પરના અસંખ્ય વાચકોના હૂંફાળા પ્રતિસાદને નવી સાઇટમાં સમાવી શકાયા નથી, એનો બેહદ અફસોસ!)

 

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com

 

‘સાયબરસફર’ તરફથી વોટ્સએપમાં ક્વિક અપડેટ્સ મેળવવા માગો છો? 92272 51513 પર આપનું નામ અને જિલ્લો વોટ્સએપ કરો.     OK