‘સાયબરસફર’ની દેખીતી શરુ‚આત ચાર વર્ષ પહેલાં, જાન્યુઆરી ૨૦૦૮માં ‘દિવ્ય ભાસ્કર’ દૈનિકની બુધવારની ‘કળશ’ પૂર્તિમાં થઈ, પણ એનું વિચારબીજ એથી ઘણાં વર્ષ પહેલાં રોપાયું હતું. 

કોમ્પ્યુટર સાથે પહેલવહેલી નિકટની ઓળખાણ ૧૯૯૩માં થઈ. નવી દિલ્હીમાં ઇન્ડિયા ટુડે (ગુજરાતી)ની ઓફિસમાં પંજાબી ઓપરેટર્સ ગુજરાતી મેગેઝિનનું પેજસેટિંગ કરતા અને અમે ગુજરાતી ટ્રેઇનીઝ બાજુની ચેરમાં બેસીને એમનું માથું ખાતા. બંને એકબીજાની વાત સમજે નહીં અને કામ સખ્ખત લંબાતું જાય. જાતે જ કોમ્પ્યુટર પર કામ કરતાં શીખ્યા વિના કોઈ રસ્તો નહોતો.

એ દિવસોથી કોમ્પ્યુટર સાથે ગાઢ નાતો બંધાયો. ૨૦૦૦માં પહેલી વાર મારા ઘરના એક ખૂણામાં કોમ્પ્યુટર ગોઠવાયું ત્યારે ડાયલ અપ નેટ કનેક્શનનો જમાનો હતો. નેટ કનેક્શન ચાલુ કરી, બ્રાઉઝરમાં ઈમેઇલ પ્રોગ્રામ ઓપન કરીને ફક્ત ટેક્સ્ટ ધરાવતો મેઇલ મોકલવો એ પણ એક ભગીરથ કામ બને એવો એ સમય હતો. સમય જતાં કારકિર્દી એવી જુદી જુદી દિશામાં ફંટાઈ કે જુદી જુદી ભાષા, અનેક જુદા જુદા ફોન્ટ અને જુદા જુદા પ્રોગ્રામ્સમાં કામ કરવાનું થતું રહ્યું.

પરિણામે લગભગ દરેક તબક્કે દરેક કામમાં કોઈ ને કોઈ મુશ્કેલી આવતી, એના ઉપાય માટે કોમ્પ્યુટર એન્જિનિયર્સ તરફ નજર દોડાવીએ તો મોટા ભાગે ગુજરાતી ભાષાને લગતી સમસ્યા હોય એટલે એ લાચારી દશર્વિે. છેવટે જાતે જ મથામણ કયર્િ વિના કોઈ રસ્તો નહીં.

આ બધાને કારણે કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનાં વિવિધ પાસાંમાં વધુ ને વધુ ઊંડા ઊતરવાનું થયું. સદભાગ્યે મિત્રો પણ એવા મળ્યા જેમણે સમજણ કેળવવામાં સીધી મદદ કરી, અથવા ઉકેલ શોધવા પડે એવા નવા પ્રશ્નો આપ્યા!

 ‘સાયબરસફર’ની શરુ‚આત પહેલાંની આ આખી સફરમાં એક વાત બરાબર સમજાઈ કે જે મજા પ્રશ્ર્નો અને તેના ઉકેલ શોધવામાં છે, એ પ્રશ્નોની કે સહેલા ઉપાયોમાં નથી. જિજ્ઞાસા જીવંત રાખવાનું પહેલું પગથિયું પ્રશ્નો છે.

‘સાયબરસફર’ કોલમ, વેબસાઇટ કે હવે એ મેગેઝિન સ્વ‚પે વિસ્તરી રહી છે ત્યારે પણ એના હાર્દમાં, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટ સાથેની ઓળખાણ વધુ ગાઢ બનાવવા માગતા લોકોને મદદ‚પ થવાનો અને ગમતાંનો ગુલાલ કરવાનો હેતુ રહ્યો છે. ‘સાયબરસફર’ માત્ર ઇન્ટરનેટને લગતી ટિપ્સ કે ટેક્નોલોજીને લગતા બધા પ્રશ્ર્નોના ઉત્તર નહીં આપે (કે આપી શકશે નહીં), પણ નવા પ્રશ્ર્નો જ‚રૂર ઊભા કરશે!

તમે જો ‘સાયબરસફર’ના નિયમિત સહયાત્રી હશો તો કદાચ નોંધ્યું હશે કે તેમાં વાત ભલે ઇન્ટરનેટની થતી હોય, પણ તેના મૂળમાં શિક્ષણને શાળાની બહાર વિસ્તારવા પર ભાર આપવામાં આવે છે - હળવાશથી!

હમણાં ઇન્ટરનેટ પર જ એક જગ્યાએ એરિક હોફર નામના લેખક-વિચારકના શબ્દો વાંચ્યા, "શિક્ષણનું મુખ્ય કાર્ય શીખવાની ઇચ્છા જગાવવાનું અને એની સુવિધા ઊભી કરી આપવાનું છે, શિક્ષણનું કામ શિક્ષિત નહીં, પણ શીખતા રહેતા લોકો પેદા કરવાનું છે. ખરેખરો માનવીય સમાજ એ જ કહેવાય જેમાં દાદા-દાદી, માતા-પિતા અને બાળકો સૌ વિદ્યાર્થી હોય.’’

‘સાયબરસફર’ આ શબ્દોને અનુસરવાની મથામણ છે. ઇન્ટરનેટ એટલું વિશાળ અને વ્યાપક માધ્યમ છે કે એમાં સૌને માટે કંઈક તો છે જ. શાળામાં શિક્ષકોને ઉપયોગી થાય એવું અને એેની બહાર, દરેક વયના સાચા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવું ખૂબ બધું છે ઇન્ટરનેટ પર. પહેલાંના સમયમાં માહિતી જ આટલી હાથવગી નહોતી, હવે માહિતી તો છે, આપણે માહિતીથી જ્ઞાન સુધીની અને જ્ઞાનથી વ્યાપક-વિસ્તૃત સમજ સુધીની સફર આરંભવાની છે.

આશા છે, આપણી સહિયારી સફર આનંદદાયી રહેશે!

- હિમાંશુ

  • No comments found
Add comment

વર્ષ ૨૦૧૨ના અંકો

010-December-Cover-2012  009-November-Cover-2012  008-October-Cover-2012  007-September-Cover-2012  006-August-Cover-2012  005-July-Cover-2012  004-June-Cover-2012  003-May-Cover-2012  002-April-Cover-2012  001-March-Cover-2012  000--Feb-Cover-2012  

(ફેબ્રુઆરી ૨૦૧૨થી મેગેઝિન પ્રકાશનનો પ્રારંભ)

સંપર્ક માહિતી

સાયબરસફર એજ્યુમીડિયા (તંત્રી અને પ્રકાશકઃ હિમાંશુ કીકાણી)

બી-૪૦૧/૪૦૨, કૈવલ્યધામ-૧, રેડિયો મીરચી ટાવર સામે, શ્યામલ ચાર રસ્તા પાસે, સેટેલાઇટ, અમદાવાદ-૩૮૦૦૧૫

ફોનઃ ૦૭૯-૪૦૦૬ ૧૫૧૩, ૦૯૨૨૭૨૫૧૫૧૩ વોટ્સએપઃ ૦૯૨૨૭૨ ૫૧૫૧૩, Email: support@cybersafar.com