યુપીઆઇના ખબરઅંતર 🔓

છેલ્લા થોડા સમયમાં ભારતમાં ઓનલાઇન પેમેન્ટના મુદ્દે ખાસ્સી ઉથલપાથલ રહી છે. બે અઢી વર્ષ પહેલાં આપણા માથે લદાયેલી નોટબંધીને પગલે રોકડની તંગી સર્જાતાં મોબાઇલ વોલેટ્સનો ઉપયોગ વધ્યો, પણ ત્યાર પછી સરકારે રજૂ કરેલ યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ)ની બોલબાલા વધી ગઈ.

તમે જાણતા હશો તેમ મોબાઇલ વોલેટમાં પહેલાં આપણે રકમ ઉમેરવી પડે છે અને પછી તેને અલગ અલગ જગ્યાએ વાપરી શકીએ છીએ, પરંતુ યુપીઆઇમાં આપણા બેન્ક ખાતામાંથી સીધી જ સામેની પાર્ટીના બેન્ક ખાતામાં રકમ જતી હોવાથી આ પદ્ધતિ વધુ લોકપ્રિય બની રહી છે. મોબાઇલ વોલેટના ઉપયોગ માટે કેવાયસી ફરજિયાત બનાવાતાં તેનો ઉપયોગ ઘટ્યો છે.

યુપીઆઇના સંદર્ભે કેટલાંક તાજા સમાચાર ફટાફટ જાણી લઈએ.

  • ભારતમાં વર્ષ ૨૦૧૮માં આગલા વર્ષ કરતાં યુપીઆઇના ટ્રાન્ઝેકશનની સંખ્યામાં ૭૬૯ ટકા વધારો થયો!

  • રકમની રીતે વાત કરીએ તો વર્ષ ૨૦૧૮માં આગલા વર્ષ કરતાં યુપીઆઇથી આપલે થયેલી રકમમાં ૯૨૨ ટકા વધારો થયો.

  • તેની સામે મોબાઇલ વોલેટ્સના ટ્રાન્ઝેકશન્સમાં માંડ ૩૩.૪ ટકા અને રકમમાં ૮૧.૪૬ ટકાનો વધારો થયો.

  • અત્યાર સુધી યુપીઆઇથી ટ્રાન્ઝેકશન મફત રહ્યું છે પરંતુ હવે જુદી જુદી બેન્ક મહિના દીઠ ૩૦ જેટલા મફત ટ્રાન્ઝેકશન્સ પછીના ટ્રાન્ઝેકશન પર નજીવો ચાર્જ લેવાનું શરૂ કરે તેવી શક્યતા છે.

  • સરકાર અમુક મર્યાદાની ઉપરના વેપારીઓ માટે ક્યુઆર કોડથી પેમેન્ટ સ્વીકારવાનું ફરજિયાત બનાવે તેવી શક્યતા છે. અહીં રોકડનો વિકલ્પ તો રહેશે જ પરંતુ વેપારીએ ક્યુઆર કોડનો વિકલ્પ પણ ફરજિયાતપણે આપવાનો રહેશે.

  • ચીન જેવા દેશમાં આવા પ્રયોગ એટલા સફળ રહ્યા છે કે તેમાં વેપારીઓ માટે રોકડ પણ સ્વીકારવાનું ફરજિયાત બનાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.

  • ભારતમાં ભીમ એપ, બેન્કસ અને મોબાઇલ વોલેટ્સ ઉપરાંત ગૂગલ અને ઇન્સટન્ટ મેસેજિંગ સર્વિસ પણ યુપીઆઇની સુવિધા આપવા લાગી છે અને હવે ઝાયોમી જેવી કંપનીએ પણ યુપીઆઇ પેમેન્ટ એપ રજૂ કરી છે.

  • યુપીઆઇના જોરે પેટીએમને હંફાવવા લાગેલી ફોનપે કંપનીએ ઓનલાઇન પેમેન્ટ ઝડપી અને વધુ સરળ બનાવવા માટે સ્માર્ટફોનમાંની તેની એપમાં ફોનપે કીબોર્ડ રજૂ કર્યું છે. એપના પ્રોફાઇલમાં જઇને આ કીબોર્ડને ઇનેબલ કરતાં આપણે અન્ય કોઈ એપનો ઉપયોગ કરી રહ્યા હોઈએ અને ત્યારે પેમેન્ટ કરવાનું થાય તો ફરી ફોનપે એપમાં ગયા વિના કીબોર્ડમાંના ફોનપે લોગો પર ક્લિક કરીને પેમેન્ટ કરી શકાય છે.

  • બેંગાલુરુની એક કંપનીએ ‘‘ખાલીજેબ’’ નામની એક યુપીઆઇ એપ લોન્ચ કરી છે. કોટક મહિન્દ્રા બેન્ક આ એપની બેન્કિંગ પાર્ટનર છે. અત્યારે તો આ એપ અન્ય યુપીઆઇ એપની જેમ બે ખાતાં વચ્ચે સીધી રકમની સાદી આપલે કરે છે. પરંતુ કંપની આ એપને ખાસ સ્ટુડન્ટ માટેની એપ બનાવવા માગે છે. પરિણામે આગળ જતાં આ એપથી સ્ટુડન્ટને વિવિધ ડિસ્કાઉન્ટના લાભ મળશે. એ ઉપરાંત આ એપ યૂઝરને પોતાના ખર્ચ પર નજર રાખવાની અને ૪-૫ સ્ટુડન્ટ વચ્ચે બિલને સ્પ્લિટ કરવાની પણ સગવડ આપશે.

  • અત્યારે આપણે દર મહિનાના લાઇટ બિલ, ફોન બિલ વગેરેની નિયમિત ચૂકવણી કરવી હોય તો યુપીઆઇ સહેલો રસ્તો છે, પણ એ માટે આપણે દર મહિને યુપીઆઇ એપ ખોલીને પેમેન્ટ કરવું પડે છે. વિવિધ બેન્ક્સે આરબીઆઈ પાસે એવી માગણી કરી છે કે યુપીઆઇના નવા વર્ઝનથી બેન્કના યૂઝર્સ રીકરિંગ પેમેન્ટ પણ સેટ કરી શકે. અલબત્ત આ સુવિધાનો દુરૂપયોગ થવાના ડરે આરબીઆઈએ આવી સુવિધા આપી નથી.

ટૂંકમાં યુપીઆઇના ક્ષેત્રે હજી ઘણી નવી સુવિધાઓ આવવાની બાકી છે!

તમે રકમની આપલે માટે યુપીઆઇ વ્યવસ્થાનો ઉપયોગ કરો છો? તમારા અનુભવો નીચે કમેન્ટ્સમાં જણાવવા વિનંતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here