સમાચાર પાછળની સમજ મેળવવી છે? 🔓

દુનિયાના પ્રવાહોથી માહિતગાર રહેવા માટે, તમે રોજની 10 મિનિટ ફાળવી શકો?

 

પુલવામામાં આતંકી હુમલા પછી, સેના અને સરકારે પાકિસ્તાન પર વળતો હુમલો કરવામાં થોડું મોડું કર્યું હોત તો ભારતની ન્યૂઝ ચેનલ્સના એન્કર્સ અને ડિબેટના પેનલિસ્ટ્સે પાકિસ્તાન પર હુમલો કરી દીધો હોત… વોટ્સએપ પર ફરતી આવી કંઈક રમૂજમાં ખાસ્સું વજુદ છે.

અક્ષરધામ, સંસદ, મુંબઈ વગેરે દરેક મોટા હુમલા પછી સેનાની વળતી કામગીરી સમયે આપણી ન્યૂઝ ચેનલ્સનું રિપોર્ટિંગ હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે. વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનની કેદમાં હતા અને તેઓ ઓળખ સંબંધિત પૂછપરછના ઓછામાં ઓછા જવાબ આપતા હતા ત્યારે આપણા મીડિયાએ એમના પરિવાર-નિવાસસ્થાન વગેરે બધી વિગતો જાહેર કરી દીધી હતી!

જ્યારે દેશ આખો અશાંત હોય ત્યારે આપણી અપેક્ષા એવી હોય કે પત્રકારો સ્થિર, શાંત દિમાગથી પોતાનું કામ કરશે, પણ આવી લગભગ દરેક પરિસ્થિતિમાં આપણી આશા ઠગારી નીવડે છે.

એક સમયે (આમ તો હજી પણ) પરિવારના વડીલો બાળકો રોજ, નિયમિત રીતે અખબાર વાંચે તેવું ઇચ્છતા, જેથી દુનિયાના પ્રવાહોથી એ વાકેફ રહે. હવે વાંચન ઘટી ગયું અને ટીવી-વીડિયો જોવાનું પ્રમાણ બહુ વધી ગયું, એથી કરન્ટ અફેર્સની તલસ્પર્શી (આ શબ્દ પર અટકજો, તળિયાને સ્પર્શે એવી, ઉપરછલ્લી નહીં!) માહિતી આપવાની ભૂમિકા ન્યૂઝ ચેનલ્સ નિભાવશે એવી આપણને આશા હોય, પણ…

ઇન્ટરનેટ પર સ્ટુડન્ટ્સ પર ફોકસ્ડ હોય એવી ન્યૂઝ સાઇટ્સ શોધીએ, તો ટેક્નોલોજી કે સાયન્સ સંબધિત સાઇટ્સ હજી મળી આવે છે, પણ કરન્ટ અફેર્સ સંબંધિત સાઇટ્સ ઓછી મળે. ન્યૂઝ સાઇટ્સ પાર વગરની, પણ એમાં દૈનિક ન્યૂઝનાં વિવિધ પાસાં જ કવર થાય, એ ન્યૂઝ પાછળના મુદ્દાઓ સમજાવવામાં આવ્યા ન હોય.

આ ખોટ જગવિખ્યાત ન્યૂઝનેટવર્ક સીએનએનનો એક સ્પેશિયલ ન્યૂઝ શો ઘણે અંશે પૂરે છે. નામ છે સીએનએન10. સીએનએન 1989થી ‘સીએનએન સ્ટુડન્ટ ન્યૂઝ’ નામથી આ જ પ્રકારનો એક શો પ્રસારિત કરતું હતું, હવે સીએનએન10 શોએ તેનું સ્થાન લીધું છે.

શોનો ઉદ્દેશ બહુ સ્પષ્ટ છે – ગ્લોબલ ન્યૂઝ ગ્લોબલ ઓડિયન્સને સમજાવવા. દરરોજ સોમવારથી શુક્રવારે આ 10 મિનિટનો શો પ્રસારિત થાય છે, જે આપણે https://edition.cnn.com/cnn10 સાઇટ પર જઈને ગમે ત્યારે જોઈ શકીએ છીએ.

આ શોમાં રોજેરોજ, આખી દુનિયા માટે મહત્ત્વપૂર્ણ કહી શકાય એવી ન્યૂઝસ્ટોરી તારવવામાં આવે છે અને પછી એ બાબત કેમ સમાચારમાં છે, તેનાથી કોને, કેવા પ્રકારની અસર થઈ છે કે થઈ રહી છે અને આખી દુનિયાની જટિલ વ્યવસ્થામાં આ બાબત કેમ મહત્ત્વપૂર્ણ છે, વગેરે બાબતોની એકદમ ટૂંકી છતાં મુદ્દાસર સમજ આપવામાં આવે છે. ઉચ્ચાર અમેરિકન છે, પણ આપણે એ સમજવા રહ્યા.

ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી, તો એની પૂર્વભૂમિકા તરીકે પુલવામાના આતંકી હુમલાની વાત થાય જ, પરંતુ ભારત અને પાકિસ્તાન કેમ કાશ્મીરના મુદ્દે આથડી રહ્યાં છે, તેની છેક ભારત-પાકિસ્તાનના ભાગલા સમયની સ્થિતિથી સમજ આપવામાં આવે.

કાશ્મીર જેવા કોઈ પણ વિવાદાસ્પદ મુદ્દે આ શો ન્યૂટ્રલ પોઝિશન જાળવવાનો દાવો કરે છે. એટલું નક્કી કે બે-ત્રણ વીડિયો જોતાં જ તમને દુનિયામાં શું ચાલી રહ્યું છે, કેમ ચાલી રહ્યું છે, તેની અસર શી છે વગેરેની ખાસ્સી સમજ મળવા લાગે છે. હમણાં અમેરિકન પ્રમુખ અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર બીજી વાર મળ્યા ત્યારે શું થયું, બંને વચ્ચે શું ચાલી રહ્યું છે વગેરે તમે આ શોમાં 10 મિનિટમાં જાણી શકો છો!

આ એક શો આપણને જીકેના જાણકાર બનાવી દેશે એવું નથી, પણ એને પગલે નવું જાણવાની ભૂખ જાગશે તો પછી તો ઇન્ટરનેટ પર સ્રોતનો કોઈ પાર નથી!

SHARE

2 COMMENTS

  1. Hello
    It is really a good site to watch the news. Not very difficult for us to understand their language. But you can understand everything about the core news of the day. Thsnks.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here