સાયન્સના ફેન બનાવતી એપ

કોલ્ડડ્રિંકની જૂની પ્લાસ્ટિક બોટલ, દોરી, પેન્સિલ, કાગળ વગેરે તદ્દન ઘરવપરાશની વસ્તુઓમાંથી વિવિધ સિદ્ધાંત સમજાવતાં મજાનાં રમકડાં બનાવતાં શીખવું હોય તો ડાઉનલોડ કરી લો આ એપ.

પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે ને વેકેશનમાં શું કરવું એનો કંટાળો શરૂ થઈ ગયો હોય તો ફક્ત એક મિનિટનો આ પ્રયોગ કરી જુઓ.

એક મીણબત્તી શોધી કાઢો અને તેને એક થાળી કે ડીશ લઈ, તેની વચ્ચે મૂકીને પેટાવો. હવે ડીશમાં થોડું પાણી રેડો, પાણી રંગીન હોય તો વધુ મજા પડશે, પણ સાદુંય ચાલશે.

હવે એક કાચનો ગ્લાસ લઈને પેટાવેલી મીણબત્તી પર ઊંધો મૂકી દો. શું થશે એ જાણવાની ચટપટી થઈ? આપણે રહસ્ય ખોલી નાખીએ. થોડી જ ક્ષણમાં મીણબત્તી ઓલવાઈ જશે, પણ ઊંધા ગ્લાસની અંદર પાણીની સપાટી ઊંચી આવી જશે!

આ જ પ્રયોગ બે કે ત્રણ મીણબત્તી મૂકીને કરી જુઓ. પાણી પહેલાં કરતાં વધુ ઊંચું ચઢશે. આવું કેમ થતું હશે? આટલાં વર્ષોમાં વિજ્ઞાન (કે સાયન્સ!)ના પીરિયડમાં જે કાંઈ શીખ્યા એના સહારે મગજ કસીને પોતે જવાબ શોધો અથવા કોઈ જાણકારને પૂછી જુઓ.

આ પ્રકારના સંખ્યાબંધ અવનવા પ્રયોગ અને વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો પર ચાલતાં અનેક પ્રકારનાં નવતર રમકડાં જાતે બનાવવાં હોય તો તમારે અરવિંદ ગુપ્તા નામના એક અનોખા વિજ્ઞાનપ્રેમી સાથે દોસ્તી કવી પડે અને એમની સાઇટની મુલાકાત લેવી પડે કે એમની એપ ડાઉનલોડ કરવી પડે.

‘સાયબરસફર’ કોલમના બહુ જૂના સહયાત્રીઓને કદાચ યાદ હશે કે પાંચેક વર્ષ પહેલાં આપણે આ એક અનોખા વિજ્ઞાનપ્રેમીની અનોખી વેબસાઇટનો પરિચય મેળવ્યો હતો. એ વખતે અરવિંદજીની ઓળખ કંઈક આવી આપી હતી  ‘ઉંમર ૬૦ વર્ષથી વધુ. અભ્યાસ બી.ટેક., ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, કાનપુરમાંથી, ફર્સ્ટ ડિવિઝન સાથે. અને એમનું કામ? બાળકોને ગમે એવાં રમકડાં બનાવવાનું!’

એમની વેબસાઇટ પર જઈને એમનો આખો બાયોડેટા તપાસીએ તો ખબર પડે કે અરવિંદજી વિજ્ઞાનના ક્ષેત્રમાં બહુ ઊંડા ઊતરેલા છે અને દેશ-વિદેશમાં બહોળી ખ્યાતિ મેળવી છે, પણ એમનું જીવનલક્ષ્ય બહુ મજાનું છે – બાળકોમાં વિજ્ઞાનનો પ્રસાર કરવો. વર્ષો પહેલાં દૂરદર્શન પર બાળકો માટેનાં શૈક્ષણિક રમકડાં બનાવવાનું શીખવતા કાર્યક્રમોમાં અરવિંદજી જોવા મળતા હતા.

ક્યારેક ફુરસદ હોય ત્યારે એમની આ સાઇટ જરૂર જોશો www.arvindguptatoys.com. સાઇટ પર ઘરવપરાશની ચીજવસ્તુઓમાંથી બનાવી શકાય તેવાં કેટકેટલાય વૈજ્ઞાનિક સિદ્ધાંતો આધારિત રમકડાં, એને બનાવવાની વિધિ સમજાવતા ફોટોગ્રાફ, વીડિયો, રમકડાં પાછળનું વિજ્ઞાન વગેરે બધું મળશે.

વિજ્ઞાનમાં રસ હોય એવા કોઈ પણ શિક્ષક (પછી ભલે એ ગણિત કે ગુજરાતીના શિક્ષક હોય!), વિદ્યાર્થી કે પોતાનાં સંતાનો સાથે જાતભાતના પ્રયોગો કરવામાં રસ ધરાવતા તમામ લોકોને બહુ મજા પડે એવું આ બધું છે. સાઇટ પરથી, સંખ્યાબંધ નાનાં-નાનાં પુસ્તકો (અંગ્રેજી અને હિન્દી બંને ભાષામાં) પીડીએફ સ્વરૂપે નિ:શુલ્ક ડાઉનલોડ પણ કરી શકાશે.

પણ, આજે ફરીથી અરવિંદજીને યાદ કરવાનું કારણ છે એમની નવી એપ, જે અત્યારે એન્ડ્રોઇડ પર ઉપલબ્ધ થઈ છે (Toys From Trash – Arvind Gupta). આ એપમાં બાયોલોજી એક્સપરિમેન્ટ્સ, એર એક્સપરિમેન્ટસ, બેલેન્સિંગ ટોય્ઝ, કેમિસ્ટ્રી ટોય્ઝ, ફ્રિક્શન એન્ડ હીટ એક્સપરિમેન્ટ્સ વગેરે ૨૧ કેટેગરીમાં ૬૦૦ જેટલા નાના નાના વીડિયો મૂક્યા છે, જેમાં હિન્દી વોઇસઓવર પણ છે. બધું ફ્રી છે, પણ વીડિયો જોવા માટે ઇન્ટરનેટ કનેક્શન ચાલુ જોઈશે. એપ પોતે નાની છે, પણ વીડિયો જરા મોટા છે, ઉપરાંત, દરેક પ્રયોગ પાછળનું વિજ્ઞાન જરા વધુ સમજાવ્યું હોત તો વધુ મજા આવત, પણ કદાચ સમજદારને ઇશારા કાફી છે!

આવી એપના પણ ફેન બની જુઓ  – ખરેખર મજા આવશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here