નવું વર્ષ, નવી ટેક્નોલોજી, નવા અનુભવો!

ઇન્ટરનેટ ઓફ થિંગ્સ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા શબ્દો અત્યારે એટલા બધા ચર્ચામાં છે કે તેની ધમાલમાં, જાણવા જેવી બીજી ઘણી ટેક્નોલોજીની વાત હાંસિયામાં ધકેલાઈ જાય છે!

આ અંકમાં, આપણે ૨૦૨૦ના નવા વર્ષમાં પ્રવેશી રહ્યા છીએ અને એક નવા દાયકા તરફ આગળ વધી રહ્યા છીએ તેને નિમિત્ત બનાવીને, બહુ ચર્ચાતી ટેક્નોલોજીને બાજુએ રાખીને, એ જ ટેક્નોલોજીના બળે વિકસી રહેલા પણ પ્રમાણમાં ઓછા જાણીતા ટેક્નોલોજી ટ્રેન્ડ્સ વિશે વાત કરી છે.

જે વીસ નવા ટ્રેન્ડની વાત કરી છે એ દરેકેદરેકની અલગ કવર સ્ટોરી બની શકે તેમ છે, પણ હાલ પૂરતું આટલું જ!
આ અંકની બીજી હાઇલાઇટ સાયબરફ્રોડ વિશેનો લેખ છે. રાજકોટના એક પરિવાર અને ફેસબુક-ગૂગલ વચ્ચે દેખીતો કોઈ સંબંધ નથી, પણ એ બંને સાયબરફ્રોડનો શિકાર બની શકે છે એ હકીકત દર્શાવે છે કે ‘આપણે તો ક્યારેય આવી ટ્રિકમાં ફસાઇએ જ નહીં’ એવા ભ્રમમાં કોઈએ રહેવા જેવું નથી!

વાચકમિત્ર ‘રમેશભાઇ’એ તેમનો ‘‘મારો અનુભવ ચોક્કસ લખજો, જેથી બીજા વાચકો આવા છટકામાં ફસાતાં અટકે’’ એવા આગ્રહ સાથે એમનો અનુભવ કહ્યો એ માટે આભાર!

ડિજિટલ પેમેન્ટથી સુવિધા ગજબની વધી છે એ વાતમાં કોઈ શંકા નથી, પણ એની આંટીઘૂંટીઓ સમજ્યા વિના તેનો ઉપયોગ કરવો જોખમી છે. ફેસબુક-ગૂગલનો અનુભવ તો કહે છે કે આંટીઘૂંટીઓ જાણતા હોઈએ તો પણ ફસાઈ શકીએ છીએ!

આપના પણ આવા કોઈ અનુભવ હોય તો જરૂર જણાવશો, આપની પૂરી પ્રાઇવસી જાળવીને તેને બીજા માટે ઉપયોગી બનાવીશું.

નવા, જ્ઞાનસભર વર્ષની શુભેચ્છાઓ!

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here