વિયેટનામની એક ચાર કિલોમીટર લાંબી ગુફાના અનોખા કુદરતી વાતાવરણને માણો ૩-ડી પેનોરમા, ડ્રોન વીડિયો અને એનિમેટેડ ફિલ્મ સ્વરૂપે!

આપનું સ્વાગત છે વિયેટનામ અને તેના ફૂંગ ન્હા-કે બેંગ નેશનલ પાર્કમાં. તમે એક નદીના પટમાં વચ્ચે ઊભા છો, અહીંથી આગળ વધીને તમે દાખલ થશો વિશ્વની સૌથી વિશાળ ગુફા – હેંગ સન દૂંગ – માં!

માંડ આઠેક વર્ષ પહેલાં દુનયાની નજરમાં આવેલી આ ગુફા ખરેખર એટલી મહાકાય છે કે આખેઆખું બોઇંગ ૭૪૭ પ્લેન તેની પહોળી પાંખ સાથે આ ગુફામાં સમાઈ જાય. ઊંચાઈની રીતે જોઈએ તો ૪૦-૫૦ માળ ઊંચી ઇમારતો પણ આખેઆખી આ ગુફામાં સમાય તેમ છે. આમ છતાં, આ ગુફાની વિશાળતાનો અંદાજ આવ્યો ન હોય, તો અંદર દાખલ થઈને જાતે જોઈ લો કે તેમાં ઊભેલો માણસ કેવડો દેખાય છે!

નેશનલ જ્યોગ્રાફિક સોસાયટી અને માર્ટીન એડસ્ટ્રોમ નામના એક ફોટોજર્નિલિસ્ટે આપણા માટે આ શક્ય બનાવ્યું છે. આ ગુફા તરફ હવે આખી દુનિયાની નજર ખેંચાઈ છે અને વિયેટનામની સરકાર તેને ટુરિસ્ટ બનાવી શકાય અને લોકો સહેલાઈથી ગુફા એક્સપ્લોર કરી શકે એ માટે ગુફામાં કેટલુંક કાયમી બાંધકામ કરવાનું વિચારી રહી છે. જોકે એમ કરવા જતાં, ગુફાની નૈસર્ગિક સ્થિતિ જોખમાય તેમ છે.

વર્ચ્યુઅલ સફર માટે સર્ચ કરો : Fly Through A Colossal Cave: Son Doong in 360°

માર્ટીનને લાગ્યું કે ગુફામાં બાંધકામ થાય એ પહેલાં તેનું કુદરતી સ્વરૂપ કોઈક અનોખી રીતે, કાયમ માટે સાચવી લેવું જોઈએ. તેમાંથી સર્જાઈ આ ગુફાની વર્ચ્યુઅલ સફર. માર્ટીન અને તેમની ટીમે ગુફામાંનાં અલગ અલગ લોકેશનના અત્યંત હાઇ-રેઝોલ્યુશનના ૩૬૦ ડીગ્રી પેનોરમા તૈયાર કર્યા આ બધા જ પેનોરમા આપણે નેશનલ જ્યોગ્રાફિકની વેબસાઇટ પર એક વર્ચ્ચુઅલ ટુર સ્વરૂપે જોઈ શકીએ છીએ.

આ ટુરના પેજ પર પહોંચતાં, ડાબી તરફ આ લેખની શરૂઆતમાં લખ્યા એ શબ્દો સાથે આપણું સ્વાગત થાય છે અને સ્ક્રીન વચ્ચે દેખાતા એરો પર ક્લિક કરીને આપણે સફરની શરૂઆત કરી શકીએ છીએ. સ્ક્રીન પર જમણી તરફ ગુફાનો નક્શો આપેલો છે અને તેમાં અત્યારે આપણે કયા પોઇન્ટ પર છીએ તે જોઈ શકાશે. ડાબી તરફ દરેક પોઇન્ટની વિગતો વાંચવાનું ભૂલશો નહીં. સ્ક્રીન પર નીચેના આપેલા કમાન્ડ્સ કે માઉસની મદદથી તમે તમારો વ્યૂ-પોઇન્ટ બદલી શકશો અને ઝૂમ-ઇન કે ઝૂમ-આઉટ કરી શકશો. ઇમેજને ઝૂમ કરશો ત્યારે જ તેની ઇમેજ અને ગુફા બંનેની વિશાળતા સમજાશે. અમુક ઇમેજમાં ફોટો ટીમના કેટલાક લોકો પણ જોવા મળશે. એમને ઝૂમ કરીને શોધી જોજો.

ડ્રોન વીડિયો અને એનિમેશન સર્ચ કરો : Tour One of World’s Largest Caves on Back of a Drone

અને હા, આ વર્ચ્યુઅલ સફર શરૂ કરતાં પહેલાં, આ જ ગુફાને બીજાં જુદાં જુદાં સ્વરૂપે પણ જોવા જેવી છે. ર્યાન ડેબૂટ નામના એક પ્રોફેશનલ ફોટોગ્રાફરે આ ગુફાની અંદર ડ્રોન ઉડાડીને તેની મદદથી આખી ગુફાનાં વિવિધ પાસાં દર્શાવતો એક અદભુત વીડિયો તૈયાર કર્યો છે. એ વીડિયો પણ જોતાં પહેલાં, પર્વતની નીચે, લગભગ ચાર કિલોમીટર લાંબા વિસ્તારમાં પથરાયેલી આ ગુફા, તેની અડોઅડ વહેતી તો ક્યારેક ગુફામાંથી પસાર થતી નદી, જંગલો વગેરેની ભૌગોલિક રચના બરાબર સમજવી હોય તો પહેલાં તેનું ૩-ડી એનિમેશન સૌથી પહેલાં જોઈ લેશો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here