ખરા ભાષાપ્રેમી છો? 🔓

તો તમારે ઇંગ્લિશની અટપટી બાબતોની ઊંડી સમજ આપતો આ બ્લોગ જોવા જેવો છે

આ વખતે ફરી એક વાર, પહેલાં કેટલાક પ્રશ્નોનો મારો! પણ ચિંતા ન કરશો, આ વખતે આ દરેક સવાલના જવાબ ક્યાંથી મળશે એ પણ કહીશું.

  • ‘‘I feel bad’’ એમ કહેવું જોઇએ કે પછી ‘‘I feed badly’’?
  • ‘‘who’’ ને બદલે ‘‘whom’’ નો ઉપયોગ ક્યારે કરવો જોઈએ?
  • વાક્યમાં ‘‘that’’ અને ‘‘which’’ નો ક્યારે ઉપયોગ કરાય અને બંનેમાં ફેર શું?
  • આ બંનેમાંથી શું સાચું – ‘‘taller than I’’ કે પછી ‘‘taller than me’’?
  • ઇંગ્લિશના ઘણા બધા શબ્દોમાં ગૂંચવણ કેમ છે? ‘‘daughter’’ અને ‘‘laughter’’ બંનેના સ્પેલિંગ લગભગ સરખા હોવા છતાં, ઉચ્ચાર કેમ જુદા છે?
  • ‘‘should’’ અને ‘‘would’’ ના સ્પેલિંગમાં ‘‘l’’ કેમ ઘૂસી ગયો?

આ બધા સવાલો વાંચીને તમારાં બે રિએકશન હોઈ શકે. એક, ‘‘જવા દો, આપણા કામની વાત લાગતી નથી.’’ અને બીજું, તમને જાણે તમારી દુખતી રગ દબાઈ ગઈ હોય એવું લાગે!

જો તમને ભાષા પ્રત્યે (પછી વાત ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ગમે તે ભાષાની હોય) પૂરો લગાવ હોય તો એની બારીક ખૂબીઓ જાણવામાં તમને ચોક્કસ રસ હશે. એ જ કારણે, ઇંગ્લિશના સંદર્ભે વાત કરીએ તો ઉપર આપેલા થોડા સવાલો જેવા સંખ્યાબંધ સવાલો તમારા મનમાં રમતા રહેતા હશે અને તેના ઊંડાણભર્યા જવાબો મળવા મુશ્કેલ પણ લાગતા હશે.

યાદ રહે, અહીંથી આગળની વાત માત્ર એવા જ લોકો માટે કામની છે, જેઓ અંગ્રેજી ભાષા પર સારું એવું પ્રભુત્વ ધરાવે છે. એટલું પ્રભુત્વ કે ઉપર લખ્યા એવા સવાલો તેમને થઈ શકે છે!

જો તમે આ કેટેગરીમાં આવતા હો તો તમારે આ બ્લોગ જોવા જેવો છે –https://www.grammarphobia.com/

આ બ્લોગ પેટ્રિશિયા ટી.ઓ’કોનર અને સ્ટ્યુઅર્ટ કેલરમેન નામના બે ભાષાનિષ્ણાતો લાંબા સમયથી લખે છે. બંને મૂળભૂત રીતે પત્રકાર છે.

1971માં ગ્રેજ્યુએટ થયેલાં પેટ્રિશિયાએ વિવિધ અખબારો ઉપરાંત ન્યૂયોર્ક ટાઇમ્સમાં પંદરેક વર્ષ કામ કર્યું છે. જ્યારે સ્ટુઅર્ટે ૧૯૬૫થી ડિપ્લોમેટિક કોરસપોન્ડન્ટ અને ફોરેન કોરસપોન્ડન્ટ તરીકેસાઉથ ઇસ્ટ એશિયા, મિડલ ઇસ્ટ, લેટિન અમેરિકા વગેરેમાં કામ કર્યું છે. લાંબો સમય તેમણે દુનિયાનાં યુદ્ધો પણ કવર કર્યાં છે.

છેવટે પેટ્રિશિયા અને સ્ટુઅર્ટ ન્યૂયોર્ક ટાઇમ્સમાં ભેગા થઇ ગયા. બંનેએ સાથે મળીને આ બ્લોગ લખવાનું શરૂ કર્યું.

બ્લોગ પર ઓગસ્ટ ૨૦૦૬થી અત્યાર સુધીના જુદા જુદા અનેક લેખો વાંચી શકાય છે, જેમાં ઇંગ્લિશ ભાષાની ખરેખર બારીક ખૂબીઓ વિશે, એથી પણ વધુ ઊંડાણભરી સમજ આપવામાં આવી છે. જુદા જુદા શબ્દો કેવી રીતે જન્મ્યા એ જાણવામાં તમને રસ હોય તો પણ આ બ્લોગ તમને કામ લાગશે.

આપણી ભાષામાં ગોંડલના મહારાજા ભગવદસિંહજી, સ્વામી આનંદ (‘જૂની મૂડી’), હરિવલ્લભ ભાયાણી (‘શબ્દ કથા’)થી માંડીને રતિલાલ ચંદરિયા (gujaratilexicon.com) વગેરેએ આ દિશામાં જુદી જુદી રીતે સરસ કામ કર્યું છે. અલબત્ત તેમનું ફોકસ શબ્દો પર વધુ રહ્યું છે. ગ્રામરફોબિયા જેવો કોઈ બ્લોગ આપણી ભાષા માટે પણ શરૂ થાય એવી અભિલાષા!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here