૧૦ મિનિટમાં, મોબાઇલમાં, મફતમાં… બિઝનેસની વેબસાઇટ બનાવો!

તમારા બિઝનેસનું ઇન્ટરનેટ પર એક એડ્રેસ મેળવવું હોય, તો એ તમે ધારો છો એટલું મુશ્કેલ નથી. ગૂગલ હવે તદ્દન સરળ રીતે આ કામ કરી આપે છે. અલબત્ત, આ રીતે બનતી વેબસાઇટ પૂરેપૂરી વેબસાઇટ ન કહેવાય, પણ તમારો વેપાર તેનાથી વધારી શકો એટલું નક્કી!

તમારો કોઈ નાનો-મોટો બિઝનેસ હોય, કરિયાણાની દુકાન હોય, પ્રોવિઝન પાર્લર હોય, ઝેરોક્સ શોપ હોય, નાનું રેસ્ટોરાં હોય, બ્યુટી પાર્લર હોય, તમે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર હો… તો તમને નવા કસ્ટમર કે ક્લાયન્ટ કેવી રીતે મળે? છાપાં ભેગાં લીફલેટ વહેંચવાં, ટચૂકડી જાહેરખબરો કરવી વગેરે જૂની પદ્ધતિઓ ઉપરાંત ઓનલાઇન માર્કેટિંગનો પણ તમે લાભ લઈ શકો છો – જો તમારી એક વેબસાઇટ હોય!

સામાન્ય રીતે નાના બિઝનેસ માટે પોતાની વેબસાઇટ બનાવવી એ ઘણું મુશ્કેલ કામ છે. બ્લોગર, વર્ડપ્રેસ વગેરે પ્લેટફોર્મ પર આ કામ પ્રમાણમાં સહેલું બન્યું છે પણ કોઈ પ્રકારની ટેકનિકલ જાણકારી ન હોય તો તમારે રૂપિયા ખર્ચીને કોઈ પાસે જ વેબસાઇટ બનાવડાવવી પડે. એટલે જ, ગૂગલ અને કેપીએમજી કંપનીએ કરેલા એક સર્વેક્ષણમાં તારણ નીકળ્યું છે કે ભારતના પૂરા ૩૨ ટકા નાના બિઝનેસની ઇન્ટરનેટ પર કોઈ હાજરી નથી.

બીજી બાજુ, ૪૦-૫૦ કરોડ ભારતીયો ઇન્ટરનેટનો ઉપયોગ કરવા લાગ્યા છે અને તેમાંથી ૩૦-૪૦ કરોડ લોકો સ્માર્ટફોન પર સક્રિય છે, જેમાં તમારા નવા કસ્ટમર કે ક્લાયન્ટ બની શકે તેવા અનેક લોકો પણ હશે!

ગૂગલે ‘માય બિઝનેસ’ નામની એક સર્વિસથી લોકોને પોતાના વેપાર-ધંધાની માહિતી ગૂગલ સર્ચ, ગૂગલ મેપ્સ વગેરે પર મૂકવાની સગવડ આપી હતી. હવે તેને થોડી વધુ વિસ્તારીને એક સાવ સાદી, સરળ વેબસાઇટ બનાવવાની સગવડ પણ આપવામાં આવી છે.

આ રીતે ફક્ત સિંગલ પેજ વેબસાઇટ બને છે, પણ તમે તમારા બિઝનેસનું પૂરું સરનામું, કોન્ટેક્ટ નંબર, કામકાજના કલાકો, બિઝનેસનો લોગો, દુકાન, પાર્લર કે રેસ્ટોરાં જેવું કંઈક ચલાવતા હો તો તેના અંદર-બહારના ફોટોગ્રાફ્સ વગેરે વિગતો આ વેબસાઇટમાં ઉમેરી શકો છો!

ગૂગલ તમને આવી પહેલી વેબસાઇટ બિલકુલ ફ્રીમાં બનાવવા દે છે, તેના ડોમેઇન અને હોસ્ટિંગ સહિત. તમે સ્માર્ટફોનમાં ‘ગૂગલ માય બિઝનેસ એપ’ ડાઉનલોડ કરો અને અહીં આપેલી સ્ટેપ-બાટ-સ્ટેપ જાણકારીને અનુસરીને તમારી સિમ્પલ વેબસાઇટ બનાવી લો!

આગળ જતાં, તમે ગૂગલ એડવર્ડ્સ કે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આ વેબસાઇટને પ્રમોટ પણ કરી શકો છો (ગૂગલનો એ જ તો હેતુ છે, પણ સામે આપણો ફાયદો પણ છે!). આ રીતે જે વેબસાઇટ બનશે તે મોબાઇલ અને પીસી બંને સ્ક્રીન પર યોગ્ય રીતે જોઈ શકાશે અને તે સર્ચ રીઝલ્ટમાં પણ જોવા મળશે.


(‘સાયબરસફર’ના જુલાઈ, ૨૦૧૭ અંકમાંથી ટૂંકાવીને.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here