ઉચ્ચ અભ્યાસ માટે ઉપયોગી ફ્રી કોર્સીઝ

જગવિખ્યાત એમઆઇટીના ફ્રી કોર્સીસનો લાભ લેવા જેવો છે

સાયન્સ અને એન્જિનિયરિંગના અભ્યાસની વાત નીકળે ત્યારે વિશ્વસ્તરે એક નામ અચૂકપણે આદર સાથે લેવાય – મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી.

૧૮૬૧માં સ્થપાયેલી આ યુનિવર્સિટીનો મોટ્ટો એટલે કે કાર્યમંત્ર છે ‘‘માઇન્ડ એન્ડ હેન્ડ’’. અમેરિકાની આ યુનિવર્સિટીમાંથી બહાર પડેલા ૯૦ જેટલા નિષ્ણાતો નોબેલ પારિતોષિક જીતી ચૂક્યા છે. સાયન્સ કે એન્જિનિયરિંગમાં ઉચ્ચ અભ્યાસનું સપનું ધરાવતા કોઈ પણ વિદ્યાર્થી માટે પસંદગીની યુનિવર્સિટીઝની યાદીમાં આ યુનિવર્સિટી ટોપ પર રહે છે.

આપણે માટે કામની વાત એ છે કે આ યુનિવર્સિટી, તેમાં અભ્યાસ કરવા ઈચ્છતા જગતભરના વિદ્યાર્થીઓને તેઓ એમઆઇટી પહોંચે તે પહેલાં એમઆઇટીના સ્તરે પહોંચાડવાનો પ્રયાસ કરે છે. એટલે જ એમઆઇટી કે-૧૨ એટલે કે કેજીથી બારમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને સ્ટેમ લર્નિંગ (સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથેમેટિક્સ)માં ઊંડો રસ લેતા કરવા માટે પ્રયત્નશીલ છે.

આપણે માટે હજી કામની વાત એ છે કે આ પ્રયાસોના ભાગરૂપે એમઆઇટી દ્વારા એમઆઇટીએક્સ અને ઓસીડબલ્યુ (ઓપન કોર્સ વેર) એવી બે પહેલના ભાગરૂપે વિવિધ વિષયોના ઓનલાઇન કોર્સિસ ઓફર કરે છે, જે સૌ માટે તદ્દન ફ્રી છે.

એમઆઇટી સ્પષ્ટતા કરે છે કે આ બધા ઓનલાઇન કોર્સિસમાં જે કંઈ કન્ટેન્ટ શીખવવામાં આવે છે તેમાં અને યુનિવર્સિટીના કેમ્પસમાં પહોંચીને રૂબરૂ કોર્સિસમાં જોડાનારા વિદ્યાર્થીઓ જે કન્ટેન્ટ શીખે છે તેમાં કોઈ જ ફેર નથી.

ખરેખર તો કેમ્પસમાં આ કોર્સિસ કન્ડક્ટ કરતા પ્રોફેસર્સનો આગ્રહ હોય છે કે વિદ્યાર્થીઓ એડમિશન લેતાં પહેલાં આ ઓનલાઇન કોર્સિસ કરી લે તો તેઓ જે તે વિષયમાં પહેલેથી ખાસ્સા તૈયાર થઈ શકે છે અને એમઆઈટીના કોર્સમાં તેમને અમુક વિષયોની ક્રેડિટ પણ મળી શકે છે.

ટૂંકમાં મુદ્દાની વાત એ છે કે તમે ૧૧-૧૨ ધોરણમાં હો ત્યારે તમારું બધું લક્ષ્ય દેખીતી રીતે ૧૨મા ધોરણની બોર્ડ એક્ઝામમાં વધુમાં વધુ માર્ક લાવવાનું હોય પરંતુ જો તમે નવમા-દસમા ધોરણમાં હો ત્યારથી તમારા અભ્યાસનો મજબૂત પાયો તૈયાર કરવા ઇચ્છતા હો તો આ કોર્સિસ પર અચૂક નજર નાખવા જેવી છે.

એ માટે તમારે https://openlearning.mit.edu/beyond-campus/first-year-stem-classes-mit વેબ પેજ પર જવાનું રહેશે. અહીં તમને બાયોલોજી, કેલ્ક્યુલસ, કેમિસ્ટ્રી, કમ્પ્યુટર સાયન્સ અને ફિઝિક્સ સંબંધિત જુદા જુદા કોર્સની યાદી જોવા મળશે.

આ બધા કોર્સનો આપણે બે પ્રકારે લાભ લઈ શકીએ છીએ. અમુક પ્રકારના કોર્સ એડએક્સ (www.edx.org)ના સાથમાં ઓફર થાય છે એટલે આપણે તેના પર ફ્રી એકાઉન્ટ ખોલાવીને જે તે કોર્સમાં જોડાઈ શકીએ છીએ. જ્યારે અમુક કોર્સ એમઆઇટીની પોતાની ઓપન કોર્સ વેર વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે, તેમાં આપણે ફક્ત ‘ગેટ સ્ટાર્ટેડ’ પર ક્લિક કરીને આગળ વધવાનું રહે છે.

આવા કોર્સમાં એમઆઇટી ફેકલ્ટી દ્વારા લેકચર્સના વીડિયો અસાઇન્ટમેન્ટ્સ ઇન્ટરએક્ટિવ ક્વિઝ, પ્રોબ્લેમ સોલ્વિંગ વીડિયો અને જવાબો સાથેની એક્ઝામ્સનો લાભ લઈ શકાય છે.

સાચા-ખોટા કારણોસર આપણે ત્યાં બારમા ધોરણમાં પરીક્ષામાં ઊંચા ટકા લાવવાનું વિદ્યાર્થી પર એટલું બધું દબાણ હોય છે કે પોતાની પરીક્ષાના સિલેબસ સિવાય આજુબાજુનું કશું જોવાનો તેની પાસે સમય રહેતો નથી.

એ ધ્યાનમાં રાખતાં, વિદ્યાર્થી આખા કોર્સમાં ઊંડા ઊતરવાને બદલે તેના પર ફક્ત નજર ફેરવીને જે વિષયમાં થોડી ગૂંચવણો રહેતી હોય તેના વીડિયોઝ કે અન્ય મટીરિયલ ચેક કરવાની પ્રેક્ટિસ રાખે તો પણ તેના કન્સેપ્ટ્સ ક્લિયર થવાથી બોર્ડની પરીક્ષામાં તે બહેતર પરિણામ જરૂર લાવી શકશે.

Himanshu Kikani

About Himanshu Kikani

‘સાયબરસફર’ના સ્થાપક, સંપાદક, લેખક અને પ્રકાશક. જર્નલિઝમ, એડવર્ટાઇઝિંગ, ડેવલપમેન્ટ કમ્યુનિકેશન, કન્સલ્ટિંગ અને પબ્લિશિગ જેવાં વિવિધ ક્ષેત્રે સક્રિય. હિમાંશુનો આપ 092272 51513 પર વોટ્સએપથી સંપર્ક કરી શકો છો.
Himanshu Kikani

‘સાયબરસફર’ના સ્થાપક, સંપાદક, લેખક અને પ્રકાશક.
જર્નલિઝમ, એડવર્ટાઇઝિંગ, ડેવલપમેન્ટ કમ્યુનિકેશન, કન્સલ્ટિંગ અને પબ્લિશિગ જેવાં વિવિધ ક્ષેત્રે સક્રિય.
હિમાંશુનો આપ 092272 51513 પર વોટ્સએપથી સંપર્ક કરી શકો છો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here