“કીપર પાસવર્ડ મેનેજર સર્વિસના મારા અનુભવો…’’ 🔓

ગયા અંકમાં આપણે ગૂગલની ફ્રી પાસવર્ડ મેનેજર સર્વિસ વિશે વિગતવાર જાણ્યું હતું. તેના અનુસંધાનમાં વડોદરાના એક વડીલ વાચક મિત્રે આવી બીજી એક સર્વિસના તેમના અનુભવો લખી મોકલ્યા છે.

પાસવર્ડ આપણા જીવનનો એક અંતરંગ હિસ્સો બની ગયા છે એ ધ્યાનમાં રાખીને, ‘સાયબરસફર’માં પાસવર્ડની સલામતી અને એ માટેની સાવચેતી વિશે અવારનવાર લખવામાં આવે છે. એ અનુસંધાને, માર્ચ ૨૦૧૮ અંકમાં જુદી જુદી પાસવર્ડ મેનેજર સર્વિસ કેવી રીતે કામ કરે છે તેની વાત કરી હતી અને ત્યાર પછી હમણાં, મે, ૨૦૧૯ના અંકમાં ગૂગલની પાસવર્ડ મેનેજર સર્વિસનો વિગતવાર પરિચય આપવામાં આવ્યો હતો.

એ અંકના સ્વાગત લેખમાં, વાચકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ અન્ય કોઈ પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરતા હોય તો તેઓ પોતાના અનુભવો લખી મોકલે, જેથી અન્ય વાચકોને ઉપયોગી થઈ શકે. આ અપીલના માનમાં, ‘સાયબરસફર’ સાથે લગભગ શરૂઆતથી જ સંકળાયેલા વડીલ વાચક શ્રી કુલીનભાઈ દેસાઈએ કીપર નામની એક હાલમાં પેઇડ સર્વિસ (https://keepersecurity.com)નો પોતાનો અનુભવ લખી મોકલ્યો છે.
શ્રી કુલીનભાઈના ઋણસ્વીકાર સાથે, આગળની વાત એમના જ શબ્દોમાં…

આ સર્વિસમાં, તમે જુદી જુદી સર્વિસમાં જે પાસવર્ડ પસંદ કર્યા હોય તે કેટલા મજબૂત છે તે તમે તમારા એકાઉન્ટની પ્રોફાઇલમાં જોઈ શકો છો.

‘’હું છેલ્લાં પાંચ વર્ષથી ‘કીપર પાસવર્ડ મેનેજર’ સર્વિસનો ઉપયોગ કરું છું. તેમાં ગૂગલ પાસવર્ડ મેનેજરની બધી જ સુવિધાઓ છે અને આપણા પાસવર્ડ એન્ક્રિપ્ટેડ સ્વરૂપમાં સેવ થાય છે. પાસવર્ડ ઓટોફિલ કરવાની સગવડ છે, પણ તે વૈકલ્પિક છે.

આમ ગૂગલ અને કીપરની પાસવર્ડ મેનેજર સર્વિસ લગભગ બધી જ રીતે સરખી છે, પણ કીપર સર્વિસમાં જે વધારાની સલામતી અને સુવિધાઓ મારા ધ્યાનમાં આવી છે, તે નીચે મુજબ છે:

  • ગૂગલ પાસવર્ડ મેનેજરમાં આપણા ઈ-મેઇલથી લોગ-ઇન થઈએ છીએ, જે મને યોગ્ય નથી લાગતું કારણ કે ઈ-મેઇલમાં મોટે ભાગે લોકો લોગ આઉટ કરતા નથી.
  • જ્યારે કીપર સર્વિસની એપમાં માસ્ટર પાસવર્ડથી લોગ-ઇન થવાનું હોય છે. આ માસ્ટર પાસવર્ડ ભૂલી જઈએ તો તેને પરત મેળવવાની વિધિ બહુ જટિલ છે, એટલે વધુ સલામત છે.
  • ઉપરાંત, તમે ૧૦ વાર ખોટો પાસવર્ડ નાખો તો એ ડિવાઇસમાં સ્ટોર થયેલો તમારા એકાઉન્ટનો બધો ડેટા ભૂંસાઈ જાય. જેવા તમે એપમાંથી એક્ઝિટ થાવ એટલે તમે ઓટોમેટિક લોગ-આઉટ થઈ જાવ. આપણે પછી ફરી માસ્ટર પાસવર્ડથી લોગ-ઇન કરવું પડે. મારો માસ્ટર પાસવર્ડ ૧૭ ડિજિટનો છે, ટૂંકમાં ઘણો મજબૂત છે!
  • આપણે પોતાનું એકાઉન્ટ ગમે તેટલાં ડિવાઇસ પરથી, કીપર એપ દ્વારા ઓપન કરી શકાય. જો તમારે સંજોગવસાત બીજાના કમ્પ્યુટર પરથી લોગ ઇન થવું હોય તો https://keepersecurity.com/vault/ પર જઈને તમારા માસ્ટર પાસવર્ડથી લોગ ઇન થઈ શકો. ટૂંકમાં તમારું ડિવાઇસ  હાથવગું ન હોય તો તમે અટકી ન પડો. કોઈ પણ ડિવાઇસ કે પીસી પરથી માસ્ટર પાસવર્ડથી લોગ-ઇન થઈ શકાય છે.
  • આ સર્વિસમાં, તમે જુદી જુદી સર્વિસમાં જે પાસવર્ડ પસંદ કર્યા હોય તે કેટલા મજબૂત છે તે તમે તમારા એકાઉન્ટની પ્રોફાઇલમાં જોઈ શકો છો, તેમ જ ક્યારે લોગ-ઇન થતા હતા એ પણ બતાવે છે.
  • મને લાગે છે માસ્ટર પાસવર્ડ ભૂલી જાવ તો સહેલાઈથી રીટ્રિવ ન થઈ શકે અને ૧૦ વાર ખોટો પાસવર્ડ આપે તો બધો ડેટા ડિલીટ થાય એ મારી દૃષ્ટિએ સારામાં સારી સલામતી સગવડ છે.
  • કીપર પર તમે ઇચ્છો તો પાસવર્ડ ઉપરાંત, તમારાં મહત્ત્વનાં ડોક્યુમેન્ટ્સ કે એટીએમ કાર્ડ વગેરેના ફોટો પાડીને અપલોડ કરી શકાય છે અને જરૂર પડે ત્યારે જોઈ કે ડાઉનલોડ કરી શકાય છે.
  • મેં મારો માસ્ટર પાસવર્ડ એક પેનડ્રાઇવમાં સેવ કરીને તેને બેંક લોકરમાં મૂકી દીધી છે, જેથી મારી ગેરહાજરીમાં મારા પરિવારને બધા જ પાસવર્ડ સહેલાઈથી મળી જાય.
  • મેં મારા બધા પાસવર્ડ કોમ્પ્લેક્સ નથી રાખ્યા, ફક્ત, નાણાકીય લેવડદેવડવાળા (બેંક, મૂડીરોકાણ વગેરેને લગતા) પાસવર્ડ ખાસ્સા મજબૂત છે, જ્યારે બાકીને પ્રમાણમાં મધ્યમ સ્તરની સિક્યોરિટીવાળા છે. મારા પાસવર્ડ ભાગ્યે જ રીપીટ થાય છે.
  • મેં એક-બે વર્ષ કીપર સર્વિસનું ફ્રી વર્ઝન વાપર્યું અને ચારેક વર્ષથી ઓનલાઇન એક્ટિવિટી વધવાથી તેનું, વધુ સુવિધાઓ ધરાવતું પેઇડ વર્ઝન વાપરું છું.

આશા છે મારા આ અનુભવો ‘સાયબરસફર’ના અન્ય વાચક મિત્રોને પણ ઉપયોગી થશે. ‘સાયબરસફર’ મને ૬૮વર્ષની ઉંમરે પણ ઓનલાઇન એક્ટિવ રહેવામાં ખૂબ મદદરૂપ થાય છે.

– કુલીન દેસાઇ

June-2019

સ્વાગત
એરાઉન્ડ ધ વેબ

યૂઝફુલ વેબ સર્વિસ

કરિયર ગાઇડ

સોશિયલ મીડિયા

સ્માર્ટ વર્કિંગ

સ્માર્ટ શોપિંગ

એફએક્યુ

સ્માર્ટ ગાઇડ

રિવાઇન્ડ


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here