પાર વિનાનાં પુસ્તકો, વાંચો તમારા પીસીમાં

વાંચનનો જબરો શોખ હોય તો એમેઝોનનું કિન્ડલ હવે તમે તમારા પીસીમાં પણ વાપરી શકો છો. 

તમને વાંચનનો કેવોક શોખ છે? મોટા ભાગે જવાબ એવો ઢીલોઢીલો હશે કે ‘શોખ તો ખરો, પણ સમય ક્યાં મળે છે.’ ઘણા ખરા કેસમાં આ બહાનું જ હોય છે, સમય તો હોય છે, આપણે એનો કસ કાઢતા નથી. તમે કોઈ મલ્ટિનેશનલ કંપનીના એક્ઝિક્યુટિવ હો તો વાત કંઈક બરાબર, એટલે કદાચ આવા લોકોને જ સમય ચોરી શકાય ત્યારે કંઈક વાંચી લઈ શકાય એ માટે શોધાયાં ઈબુક રીડર્સ.

સ્પર્ધા અને વપરાશ બંને વધતાં ઈરીડર્સ હવે પ્રમાણમાં સસ્તાં થયાં છે, પણ થેંક્સ ટુ એમેઝોન કિન્ડલ, હવે કિન્ડલ ન હોય તો પણ તમે તમારા પીસીમાં પાર વગરનાં પુસ્તકો ઉતારી અને વાંચી શકો છો – મસ્ત ડિજિટલ રીડિંગના પૂરેપૂરા અનુભવ સાથે!

એની વધુ વાત કરતાં પહેલાં થોડી વાત ડિજિટલ બુક્સ અને ઈરીડરની કરી લઈએ.ડિજિટલ બુક્સથી પુસ્તક પ્રકાશનના ક્ષેત્રે એવી ક્રાંતિ આવી છે કે કમ્પ્યુટર બનાવતી કંપની એપલ, ટીવી બનાવતી કંપની સોની, સર્ચ એન્જિન ગૂગલ કે પછી પુસ્તક વેચતી કંપની એમેઝોન, સૌને ઈબુક-ઈરીડરમાં ઊંડો રસ પડ્યો છે.

વર્ષ ૨૦૦૯માં કુલ મળીને ૪૦-૫૦ લાખ ઈરીડર્સ વેચાયાં હતાં, જે ૨૦૧૦માં વધીને લગભગ બમણાં થઈ ગયાં. ૨૦૦૯માં એપલના સ્ટીવ જોબ્સે કહ્યું હતું કે ઈબુકનું માર્કેટ બહુ મોટું નથી, પણ બીજા જ વર્ષે એમણે સૂર બદલ્યો અને એપલે ઈરીડર અને બુકસ્ટોર સાથેનું ડિવાઇસ માર્કેટમાં મૂક્યું.

હવે ગૂગલ પર પુસ્તકોની ગૂગલ એડિશન્સ મળે છે, આઇપેડ પર આઇબુક્સ છે, એમેઝોન પર વેચાતી લગભગ તમામ બુક હવે ડિજિટલ વર્ઝનમાં પણ ઉપલબ્ધ છે. ઈબુક્સ છે. વાસ્તવમાં ડિજિટલ બુક્સનો ટ્રેન્ડ એટલો વિસ્તરી રહ્યો છે કે હવે માત્ર ઈરીડર તરીકે કામ કરતાં સાધનોના દિવસો ગણાઈ રહ્યા હોય એવી સ્થિતિ આવી ગઈ છે. મતલબ કે લેપટોપ, સ્માર્ટ ફોન વગેરેમાં બીજી ઉપયોગી સર્વિસની સાથોસાથ ઈરીડરની સગવડ પણ ઉમેરાવા લાગી છે.
જોકે આપણો અનુભવ છે કે આપણે કશું પણ કમ્પ્યુટરના સ્ક્રીન પર લાંબા સમય સુધી વાંચી શકતા નથી. આંખો દુ:ખે છે તો ઈરીડર આટલાં લોકપ્રિય કેમ થયાં? જવાબ ઈરીડરની અમુક ખૂબીઓમાં સમાયેલો છે.

ઈરીડરના સ્ક્રીન એક ખાસ પ્રકારની ડિસ્પ્લે ટેક્નોલોજીથી તૈયાર થાય છે, જેને કારણે પુસ્તકમાં સામાન્ય કાગળ પરનું લખાણ તમને જેવું દેખાય એવું જ ઈરીડરના સ્ક્રીન પર દેખાય છે. તેમાં પીસીના મોનિટરની જેમ બેકલિટ ડિસ્પ્લે નથી હોતો, પણ સામાન્ય કાગળ પરથી જેટલો પ્રકાશ પરાવર્તિત થાય એટલો જ ઈરીડરના સ્ક્રીન પરથી થાય છે, પરિણામે તેના પર તમે ગમે તેટલું વાંચો તોય આંખો દુ:ખતી નથી. મોટા ભાગનાં ઈરીડર વજનમાં સામાન્ય પેપરબુક જેટલાં જ હળવાં હોય છે. ઉપરાંત તેમાં સ્ક્રીન પરનું પેજ ફેરવો ત્યારે જ વીજળીનો વપરાશ થાય છે એટલે બેટરી લાઇફ પણ સારી મળે છે.

ફોન્ટ નાનામોટા કરો, સ્ક્રીનની બ્રાઇટનેસ વધતીઓછી કરો, પેજનો કલર સેપિયાટોનનો કરો, બધું તમે ઇચ્છો એ મુજબ ગોઠવો. એ બધામાં શિરમોર છે ઇનબિલ્ટ ડિક્શનરીની સગવડ. તમે વાંચતાં વાંચતાં કોઈ પણ શબ્દ પર અટક્યા તો તરત, ત્યાં ને ત્યાં ડિક્શનરી ઓપન કરીને એ શબ્દની વિગતવાર સમજણ મેળવી શકો! બુકમાર્ક મૂકવા, કોઈ ચોક્કસ પેરેગ્રાફ હાઈલાઇટ કરીને તમારી નોંધ મૂકવી, આ બધું આપણે સામાન્ય પુસ્તકોમાં કરીએ છીએ અને એ બધું જ તમે ઈરીડરમાં પણ કરી શકો. ત્યાં સુધી કે શિયાળામાં પથારીમાં ગોઠવાઈ, ગોદડું ઓઢીને વાંચવાની મજા પણ ઈરીડરમાં જળવાઈ રહે છે!

પણ આ બધો લાભ તો ઈરીડર ખરીદ્યું હોય એને મળેને એવું વિચારતા હો તો વેઇટ! આ છેલ્લી ગોદડાવાળી સગવડ અને સ્પેશિયલ સ્ક્રીન સિવાયના બધા જ લાભ હવે તમને તમારા પીસીમાં પણ મળી શકે છે – મફતમાં! પુસ્તકના વેચાણમાં ઇન્ટરનેટની સૌથી ટોચની કંપની એમેઝોને તેનાં વિવિધ પ્રકારનાં ક્ધિડલ ઈરીડરની સાથોસાથ હવે પીસી પર કિન્ડલની સગવડ પણ કરી આપી છે.

તમે ૨૩ એમબી જેટલી સાઇઝનું સોફ્ટવેર ડાઉનલોડ કરી લો એટલે તમારું પીસી બની ગયું કિન્ડલ. (તમારે પાસે ક્લિનડલ હોય તોય કિન્ડલ પીસી તમે કામ લાગશે).સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશો એટલે એમેઝોન સાઇટ પર જઈને એક વાર તમારો એકાઉન્ટ ખોલાવવાનું રહેશે, પછી લોગઇન થશો એટલે તમારા પીસી ક્ધિડલમાં ત્રણ ફ્રી પુસ્તકો આવી ગયાં હશે!

એમેઝોન પર પાર વગરનાં પુસ્તકોની કિન્ડલ એડિશન ઉપલબ્ધ છે, ખરીદવા ઇચ્છો તો ખરીદો કે ફ્રી બુક્સ શોધો, તમે પુસ્તક પસંદ કરી પ્રાથમિક વિગતો આપશો અને ડાઉનલોડ પર ક્લિક કરી પીસી ક્ધિડલમાં પહોંચશો એટલી વારમાં તો એ આખું પુસ્તક પીસી ક્ધિડલમાં આવી ગયું હશે! પેઇડ બુક્સના પહેલા પ્રકરણ તમે મફતમાં ડાઉનલોડ કરી શકો છો. ફ્રી પુસ્તકો પણ પાર વિનાનાં છે, મેગેઝિન અને ન્યૂઝપેપર્સ પીસી પર ઉપલબ્ધ નથી, પણ થોડી ધીરજ ધરીશું તો કદાચ એ પણ મળવા લાગશે – વિશ યુ હેપ્પી રીડિંગ!

કિન્ડલ પીસી લાવો તમારા પીસીમાં, આ રીતે

  • www.amazon.com/gp/kindle/pc પર જાઓ અને ડાઉનલોડ નાઉ પર ક્લિક કરો.
  • ૨૩.૨ એમબીની ફાઈલ હાર્ડડ્રાઇવ પર સેવ કરો અને તેે ડબલ ક્લિક કરી ઇન્સ્ટોલ કરો.
  • કિન્ડલ ઓન કરો, ૩ ફ્રી પુસ્તકો આવી ગયાં હશે, એ વાંચો, મેનુમાં ખાંખાંખોળાં કરો, ઓનલાઇન જઈ નવાં પુસ્તકો ડાઉનલોડ કરો!

કિન્ડલ પીસી પર ફ્રી ઈબુક કેવી રીતે ડાઉનલોડ કરશો?

  • પીસી કિન્ડલ ઓપન કરો.
  • ટૂલ્સમાં મેનેજ યોર કિન્ડલ પર ક્લિક કરો.
  • બ્રાઉઝરમાં એમેઝોનનું લોગ-ઇન પેજ ખૂલશે.
  • લોગ-ઇન થયા પછી ટોચના સર્ચ બોક્સમાં ફ્રી લખો અને ડાબી તરફ કિન્ડલ બુક્સની વિવિધ કેટેગરીમાંથી કોઈ પસંદ કરો.
  • પુસ્તક પસંદ કરો, કિંમત શૂન્ય છે એની ખાતરી કરી જમણી તરફના બાય નાઉ વિથ ૧-ક્લિક પર કરો, બેઝિક વિગતો આપો (ફ્રી બુકમાં પેમેન્ટના કોઈ ઓપ્શન નહીં હોય).
  • કિન્ડલ પીસીમાં પુસ્તક પહોંચી ગયું હશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here