માર્ચ 27, 2019ઃ આજે ભારતે ‘મિશન શક્તિ’ અંતર્ગત પૃથ્વીથી ૩૦૦ કિલોમીટર દૂર ફરતા એક સેટેલાઇટને મિસાઇલથી તોડીને ‘સ્પેસ પાવર લીગ’માં સ્થાન મેળવ્યું એ સમાચાર જાણીને, તમને આપણી માથે સતત ફરતા રહેતા સેટેલાઇટ્સમાં રસ પડ્યો હોય તો તમને, એપ્રિલ 1, 2015ના અંકમાં પ્રકાશિત આ લેખ ગમશે.

‘સાયબરસફર’ના ગયા અંકમાં આપણે અગાશીએ ચઢીને નરી આંખે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જોવાની વાત કરી હતી, એ વાંચીને અને જાતઅનુભવ કર્યા પછી તમને ચોક્કસ સવાલ થયો હશે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા બીજા કેટલા સેટેલાઇટ્સ અત્યારે આપણી માથે, અંતરિક્ષમાં ચકરાવા લેતા હશે?

જવાબ મળી શકે છે કે એક મજાના ઇન્ટરએક્ટિવ વેબપેજ પરથી.

http://qz.com/  નામની એક વેબસાઇટ પર એક ઇન્ટરએક્ટિવ વેબપેજ પર ‘ધ વર્લ્ડ અબાવ અસ’ નામે, પૃથ્વી ફરતે પ્રદક્ષિણા કરતા દરેક એક્ટિવ સેટેલાઇટને દર્શાવવા આવ્યો છે.

આ લેખના અંતે તેની લિંક આપેલી છે, પણ પહેલાં આપણે આ ઇન્ટરએક્ટિવ પેજ કેવી રીતે જોવું તે સમજીએ.

એ વેબપેજ પર પહોંચશો એટલે સૌથી પહેલાં તો એ જાણવા મળશે કે અત્યારે, આ ક્ષણે ૧૨૦૦થી વધુ એક્ટિવ સેટેલાઇટ્સ પૃથ્વીની પ્રદક્ષિણા કરી રહ્યા છે અને પૃથ્વીની તસવીરો લઈ રહ્યા છે, કમ્યુનિકેશન્સનાં સિગ્નલ્સ ઝીલીને પૃથ્વી પર પરત મોકલી રહ્યા છે, જુદાં જુદાં લોકેશનની માહિતી મોકલી રહ્યા છે, આપણી જાસૂસી કરી રહ્યા છે અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન જેવા સેટેલાઇટ તો જીવતા જાગતા માણસને પણ પોતાની સાથે ફેરવી રહ્યા છે!

યુનિયન ઓફ કન્સર્ન્ડ સાયન્ટિસ્ટ્સ (સજાગ કે સચિંત વૈજ્ઞાનિકોનું સંગઠન) નામની એક સંસ્થાએ એકઠા કરેલા ડેટાબેઝને આધારે ક્વાર્ટ્ઝ કંપનીએ ઓગસ્ટ ૨૧, ૨૦૧૪ સુધીની સ્થિતિ અનુસાર પૃથ્વીથી અંતરિક્ષ સુધીના આવરણમાં કયો સેટેલાઇટ ક્યાં છે, કયા દેશનો છે અને તેનો હેતુ શો છે વગેરે માહિતી એક જ વેબપેજ પર દર્શાવી છે.

આ વેબપેજ પર સેટેલાઇટના વજન અનુસાર તેમને નાનાથી મોટા વર્તુળમાં દર્શાવવામાં આવ્યા છે. સૌથી નાનાં ટપકાં, ૩ કિલોથી ઓછું વજન ધરાવતા સેટેલાઇટનાં છે ને ત્યાંથી માંડીને ૫,૦૦૦ કે ૨૦,૦૦૦ કિલો સુધીના વજનના સેટેલાઇટ્સ પણ છે.

મુખ્યત્વે અમેરિકા, રશિયા, ચીન, જાપાન, ભારત, યુરોપિયન દેશો તથા વિવિધ દેશોનાં સંગઠનો અને વિવિધ ખાનગી કંપનીઓ દ્વારા સેટેલાઇટ્સ તરતા મૂકવામાં આવે છે. દરેક દેશના સેટેલાઇટ્સ જુદા જુદા રંગનાં વર્તુળથી દર્શાવવામાં આવ્યા છે, જેમ કે ભારતના સેટેલાઇટ્સ લીલા રંગના છે.

આપણે સૌથી પહેલાં તો, જે તે સેટેલાઇટના તરતો મૂકનાર દેશ, તે કેટલા સમયથી અવકાશમાં છે અને તેનો હેતુ એમ જુદી જુદી જુદી રીતે સેટેલાઇટને સોર્ટ કરી શકીએ છીએ.

સેટેલાઇટ માટે આપણી સામાન્ય સમજ એવી છે કે નીચે પૃથ્વી અને ઉપર અંતરિક્ષમાં સેટેલાઇટ હોય, પણ આ વેબપેજ પર, પેજ ઉપરથી નીચે સ્ક્રોલ કરવાની સગવડતા રહે એ માટે ઉપર પૃથ્વી અને નીચે અંતરિક્ષમાં સેટેલાઇટ એવી ગોઠવણ રાખવામાં આવી છે.

પેજ પર ડાબી તરફ ૧૦૦, ૨૦૦, ૩૦૦ એમ વિવિધ આંકડા બતાવવામાં આવ્યા છે, જે પૃથ્વીથી અંતરિક્ષમાંનું અંતર દર્શાવે છે. આપણે જેમ જેમ વેબપેજમાં નીચે જતા જઈ તેમ તેમ પૃથ્વીથી અંતર વધતું જાય.

પૃથ્વીથી ૧૦૦ કિલોમીટર દૂર ગયા પછી અંતરિક્ષની શરૂઆત થાય છે. આ વેબપેજ પર દરેક સેટેલાઇટને પૃથ્વીથી તેમના અંતર મુજબ ગોઠવવામાં આવ્યા છે, પણ દરેક સેટેલાઇટ એક જ સ્થળે સ્થિર રહેતા નથી.

૩૭ સેટેલાઇટ એવા છે, જે ઇલિપ્ટિકલ ઓર્બિટ્સ એટલે કે લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે અને પૃથ્વીની સરખામણીમાં ઊંચે નીચે આવનજાવન કરે છે. આપણે ‘સેટ ધ સેટેલાઇટ્સ ઇનટુ ઓર્બિટ’ બટન પર ક્લિક કરીએ એટલે આ બધા સેટેસાઇટ્સ પૃથ્વીથી દૂર જતા કે નજીક આવતા જોઈ શકાય છે.

આ વેબપેજની મજા એ છે કે તેમાં વિવિધ તબક્કે સેટેલાઇટ્સ સંબંધિત વિવિધ રસપ્રદ માહિતી જાણી શકાય છે.

આપણે અહીં ટૂંકમાં જાણીએ…

સેેટેલાઇટને લોન્ચ કરવાનો ખર્ચ કિલોદીઠ ૪,૬૫૩ ડોલર જેટલો આવે છે (જોકે ભારતે ગયા વર્ષે માર્સ મિશન સફળતાપૂર્વક પાર પાડ્યું તેનો ખર્ચ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંના અવકાશયાત્રીના અનુભવો દર્શાવતી હોલિવૂડની ફિલ્મ ‘ગ્રેવિટી’ના બજેટ કરતાં પણ ઓછો હતો!).

ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન અવકાશમાં જ જુદા જુદા ટુકડા જોડીને તૈયાર કરવામાં આવ્યું છે, તેનું કુલ વજન ૪,૨૦,૦૦૦ કિલોએ પહોંચ્યું છે. માનવયાત્રી વિનાના સૌથી વજનદાર સેટેલાઇટ અમેરિકાના જાસૂસી સેટેલાઇટ છે, જેનું વજન ૧૦,૦૦૦ કિલો જેટલું છે. સૌથી નાના સેટેલાઇટ માંડ એક કિલોના પણ છે!

પૃથ્વીથી ૩૦૦થી ૨૦૦૦ કિલોમીટર સુધીનું અંતર સેટેલાઇટ્સ માટે સૌથી નજીકનું અને સલામત ભ્રમણકક્ષા મનાય છે. હબલ સ્પેસ ટેલિસ્કોપ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન આ ‘લો અર્થ ઓર્બિટ’માં ફરે છે.

ખાનગી સેટેલાઇટ્સનું સૌથી મોટું ઝૂમખું ઇરિડિયમ કમ્યુનિકેશન્સ નામની કંપનીનું છે. આ કંપનીએ ૭૧ સેટેલાઇટ્સ તરતા મૂક્યા છે.

અત્યારે સક્રિય એવો એમસેટ ઓસ્કાર ૭ નામનો સેટેલાઇટ સૌથી જૂનો છે. મૂળ તો એ ૧૯૭૪માં તરતો મૂકાયો હતો, ૧૯૮૧માં એ નિષ્ક્રિય થયો અને ૨૦૦૨માં તેને ફરી સક્રિય કરવામાં આવ્યો. આમ, નવેમ્બર ૧૫, ૨૦૧૪ના રોજ આ સેટેલાઇટ ૪૦ વર્ષનો થયો!

સેટેલાઇટની આવરદાની વાત કરીએ તો મોટા ભાગના સેટેલાઇટ ફક્ત પાંચથી દસ વર્ષ સુધી જ કામ આપે છે. એટલે જ…

  • અત્યારે એક્ટિવ સેટેલાઇટ્સમાંથી અડધાથી વધુ ૨૦૦૮ પછી લોન્ચ થયેલા છે.
  • ૬૦ ટકા સેટેલાઇટ્સ ૨૦૦૫ ફરી લોન્ચ થયેલા છે.
  • માત્ર ૩૩ એક્ટિવ સેટેલાઇટ ૧૯૯૫ પહેલાં લોન્ચ થયેલા છે.
  • ૩૯૫ એટલે કે ત્રીજા ભાગના એક્ટિવ સેટેલાઇટ્સ ૧૯૯૫થી ૨૦૦૫ દરમિયાન લોન્ચ થયા હતા.

આ બધા સેટેલાઇટ્સ જુદા જુદા દેશની સરકાર, વિવિધ સંગઠનો કે ખાનગી કંપનીઓ લોન્ચ કરે છે, પણ અંતે તેમનું નિયમન સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા થાય છે. ૨૦૧૩માં કુલ ૭૨ દેશમાંથી ૪૫૦૦ જેટલાં સેટેલાઇટ નેટવર્ક લોન્ચ કરવાની અરજી રાષ્ટ્રસંઘને મળી હતી.

અવકાશમાં સૌથી વધુ સેટેલાઇટ્સ અમેરિકાના છે – ૧૨૦૦માંથી ૪૯૫! બીજા ક્રમે ૧૩૧ સેટેલાઇટ્સ સાથે રશિયા છે. રશિયાના કઝાખસ્તાન ખાતે વિશ્ર્વનું સૌથી વધુ ધમધમતું સ્પેસપોર્ટ આવેલું છે. ૧૧૫ સેટેલાઇટ્સ સાથે ચીન ત્રીજા નંબરે છે.

‘સાયબરસફર’ના ફેબ્રુઆરી ૨૦૧૫ અંકમાં આપણે જાણ્યું હતું કે વિશ્ર્વના કુલ ઇન્ટરનેટ ટ્રાફિકમાંથી ૯૯ ટકા ટ્રાફિક મહાસાગરોના તળિયે બીછાવેલા સબમરીન કેબલ્સથી વહે છે, પરંતુ હવે નવા ૩ અબજ લોકો સુધી ઇન્ટરનેટ પહોંચાડવાની મથામણ ચાલી રહી છે અને તેમને પૃથ્વીથી ૮,૦૦૦ કિલોમીટર દૂર ફરતા આઠ ઓ૩બી નામના સેટેલાઇટ્સના નેટવર્કથી બ્રોડબેન્ડ ઇન્ટરનેટ મળશે.

૧૨૦૦માંથી ૪૯૪ સેટેલાઇટ મુખ્યત્વે વ્યાપારી હેતુ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જીપીએસની સુવિધા આપતા સેટેલાઇટ્સને લશ્કરી હેતુના ગણવામાં આવે છે, પરંતુ આજના સમયમાં જીપીએસનો વ્યાપારી ઉપયોગ ઘણો વધુ છે.

પૃથ્વીથી ૨૦,૦૦૦ કિલોમીટરના અંતરે, ‘મીડિયમ અર્થ ઓર્બિટ’માં ફરતા સેટેલાઇટ દર ૧૨ કલાકે એક વાર પૃથ્વીને ચક્કર મારે છે, પણ આટલે દૂરથી પણ એ પૃથ્વી પર બાજનજર રાખી શકે છે. જીપીએસની સુવિધા આપતા ઘણા ખરા નેવિગેશન સેટેલાઇટ્સ આટલા અંતરે જ છે.

પૃથ્વીથી ૩૫,૭૮૬ કિલોમીટરના અંતરે ‘જિયોસ્ટેશનરી’ તરીકે ઓળખાતી ઓર્બિટમાં રહેલા સેટેલાઇટ્સ પૃથ્વીની ઝડપે જ ફરે છે. આ રીતે તેઓ પૃથ્વીના એક જ સ્થળની ઉપર સતત ઝળુંબતા રહેતા હોવાથી માહિતીની આપલે કરવામાં વધુ ઉપયોગી થાય છે.

તેમનાથી પણ ઉપર, ‘હાઇ અર્થ ઓર્બિટ’માં ચંદ્રની નજીકના અંતરે પણ કેટલાક સેટેલાઇટ્સ છે. પરંતુ તેનાથી પણ દૂર છેક ૪,૭૦,૩૧૦ કિલોમીટરના અંતરે રહેલો એક સેટેલાઇટ સૂર્યના પવનોનો અભ્યાસ કરે છે. નોંધવા જેવી વાત એ છે કે આ સેટેલાઇટની લંબગોળ ભ્રમણકક્ષા એટલી વ્યાપક છે કે એક તબક્કે તે પૃથ્વીથી ફક્ત ૧૮૬ કિલોમીટર જેટલો નજીક આવી જાય છે!


ક્યુઝેડ.કોમ પર આ વેબપેજ જુઓઃ

https://qz.com/296941/interactive-graphic-every-active-satellite-orbiting-earth/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here