એન્ડ્રોઇડમાં ક્વિક રીસ્પોન્સ કેવી રીતે બદલશો?

કોઈ મહત્વની વ્યક્તિનો કોલ રીજેક્ટ કરવો હોય ત્યારે આપણે તેમને કારણ દર્શાવતો એસએમએસ ફટાફટ મોકલી શકીએ છીએ. આ ક્વિક રીસ્પોન્સને મોડિફાય કરવા પણ સરળ છે.

તમે કોઈ કામમાં વ્યસ્ત હો અને ત્યારે તમારે એન્ડ્રોઇડ ફોન ગૂંજી ઉઠે, તો તમે શું કરો છો? તમે એ કોલ રીસિવ કરવા ન માગતા હો, તો ફોનના સ્ક્રીન પર દેખાતા કોલ બટનને ડાબી તરફ સ્વાઇપ કરીને કોલ રીજેક્ટ કરતા હશો, બરાબર?

પરંતુ કોલ કરનાર વ્યક્તિ મહત્વની હોય અને તમે એમને જણાવવા માગતા હો કે ‘સોરી, અત્યારે ફોન લઈ નહીં શકું, પણ થોડી વારમાં કોલ બેક કરું છું’તો એ કામ કેવી રીતે કરશો? તમે એમને એસએમએસ કરશો, બરાબર? પણ તો તમે જે અગત્યનું કામ કરી રહ્યા હતા, જેમાં ખલેલ નહોતા ઇચ્છતા, એનો સમય તો બગડ્યો જ!

બીજી તરફ, તમે ક્યારેક જોયું હશે કે તમે કોઈ વ્યક્તિને ફોન કરી રહ્યા હો અને એ કોલ રીજેક્ટ કરે તો બીજી જ ક્ષણે એમનો એસએમએસ આવી જાય છે કે ‘સોરી, મીટિંગમાં છું અથવા મૂવીમાં બેઠો છું, પછી વાત કરીશું.’ આપણને વિચાર આવે કે આટલો ફટાફટ મેસેજ ટાઇપ કરીને મોકલ્યો કેવી રીતે?

એનું રહસ્ય સાદું છે – એન્ડ્રોઇડની ક્વિક રીસ્પોન્સ સુવિધા. આપણા પર કોઈનો કોલ આવે તો કોલ બટનને ડાબે કે જમણે સ્વાઇપ કરવાને બદલે ઉપરની બાજુ સ્વાઇપ કરતાં ક્વિક રીસ્પોન્સના વિકલ્પ મળે છે.

એન્ડ્રોઇડ આપણને ચાર પ્રકારના ક્વિક રીસ્પોન્સ એસએમએસમાં મોકલવાના વિકલ્પ આપે છે. આ ચારેય વિકલ્પમાંથી ગમે તેને ક્લિક કરતાં, એ વિકલ્પમાંની ટેક્સ્ટ એસએમએસ તરીકે, આપણને કોલ કરનાર વ્યક્તિને તરત જ પહોંચી જાય છે.

આપણને એક એસએમએસનો ચાર્જ ચઢે, પણ સામેની વ્યક્તિ મહત્વની હોય તો આપણે વિવેક જાળવી રાખ્યો ગણાય.

એ ચાર રેડિમેડ રીસ્પોન્સ સિવાય, નવો મેસેજ લખવો હોય તો તેનો વિકલ્પ પણ મળે છે, પણ એટલો સમય હોય તો તો વાત જ ન કરી લઈએ?!

તકલીફ એ છે કે એન્ડ્રોઇડમાં પહેલેથી ક્વિક રીસ્પોન્સના જે ચાર વિકલ્પ મળે છે એ જરા અમેરિકન કલ્ચર મુજબના છે. આપણી સંસ્કૃતિમાં શિષ્ટાચાર જાળવવા ‘પ્લીઝ’, ‘સોરી’ વગેરેનો ઉપયોગ જરૂરી છે.

એ માટે, આપણે આ ચારેય વિકલ્પને એડિટ કરી શકીએ છીએ અથવા આપણી રીતે, બિલકુલ નવા રીસ્પોન્સ પણ લખી રાખી શકીએ છીએ. એ માટે નીચેનાં સહેલાં પગલાં લઈ શકાય.

એન્ડ્રોઇડમાં આપણને જે રેડિમેડ ક્વિક રીસ્પોન્સીઝ મળે છે, તેને વિવેકપૂર્ણ બનાવવા માટે…

ફોન એપ ઓપન કરી, તેમાં સર્ચ બોક્સના જમણે છેડે ત્રણ ડોટ પર ક્લિક કરી સેટિંગ્સમાં જાઓ.

અહીં ‘ક્વિક રીસ્પોન્સીઝ’ના વિકલ્પમાં જાઓ.

કોઈ ક્વિક રીસ્પોન્સને ટેપ કરી, એડિટ મોડમાં જાઓ અને ચાહો તે નવો વિકલ્પ ટાઇપ કરી લો.

હવે જ્યારે કોઈના કોલના જવાબમાં ક્વિક રીસ્પોન્સ મોકલવો હોય તો આ નવા વિકલ્પ જોવા મળશે!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here