અળવિતરાં સેટિંગ્સથી એપ્રિલફૂલ

આજે પહેલી એપ્રિલે તમારા મિત્ર કે સ્વજનના કમ્પ્યુટરને નિશાન બનાવીને તમે કેટલીક હળવી મજાક-મસ્તી કરતાં કરતાં કમ્પ્યુટર સાથે વધુ દોસ્તી કેળવી શકો છો, આ રીતે…

આગળ શું વાંચશો

  • કીબોર્ડમાં ગરબડ-સરબડ,
    સાથે જાણો વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટની સમજ


  • માઉસ સાથે મગજમારી,
    સાથે જાણો માઉસનાં વિવિધ સેટિંગ્સ, તેના ઉપયોગ અને માઉસના સ્કોલ વ્હીલની વિવિધ કરામતો


  • ઉલટા-પૂલટા સ્ક્રીન,
    સાથે જાણો ડિસ્પ્લેનું ઓરિએન્ટેશન ફેરવવાના ફાયદા

પહેલી એપ્રિલ નજીક છે અને તમારા દિમાગમાં દોસ્તોને એપ્રિલફૂલ બનાવવાના આઇડિયા સળવળાટ કરવા લાગ્યા હશે. આ વર્ષે કંઈક જુદું કરવું હોય તો તમારા દોસ્ત કે પરિવારના કોઈ સભ્યના કમ્પ્યુટરને નિશાન બનાવો!

અહીં એવી કેટલીક મજાની કરામતો બતાવી છે, જેની મદદથી તમે બીજાના કમ્પ્યુટરમાં કેટલાંક સાદાં સેટિંગ્સ ફેરવીને તેમને ગૂંચવણમાં નાખી શકો છો. તમારે ફક્ત થોડા સમય માટે એ વ્યક્તિ ગેરહાજર હોય ત્યારે તેના કમ્પ્યુટર પર તમારો કરતબ અજમાવવાનો રહેશે.

પણ ધ્યાન રહે, આપણો હેતુ બિલકુલ નિર્દોષ હોવો જોઈએ અને તમારા ખરેખર અંગત મિત્ર કે સ્વજન પર જ આ અખતરા કરશો, જેથી આખી વાત તેઓ પણ હળવાશથી લઈ શકે અને કોઈ મનદુ:ખ ઊભું ન થાય. સેટિંગ્સમાં કોઈ પણ ફેરફાર કરતાં પહેલાં, મૂળ સેટિંગ્સ બરાબર યાદ રાખી લેશો (કે તેના સ્ક્રીનશોટ્સ ક્યાંક સેવ કરી લેશો), જેથી કમ્પ્યુટરને યથાવત કરવા તમારે પોતે મથામણ ન કરવી પડે.

ઉપરાંત, અહીં અળવિતરાં સેટિંગ્સની વાત તો કરી જ છે, સાથોસાથ એ સેટિંગ્સ ખરેખર કઈ રીતે કામનાં છે એની વાત પણ કરી છે, એના પર પર પૂરતું ધ્યાન આપશો તો આખી વાત વધુ મજેદાર બનશે.

કી-બોર્ડમાં ગરબડ-સરબડ

જો તમે તમારા કમ્પ્યુટરમાં યુનિકોડ શ્રુતિ ફોન્ટમાં ગુજરાતી ટાઇપ થઈ શકે એવી સગવડ કરી હશે તો તમે જાણતા હશો કે ફક્ત અહિAlt+Shift ઇશારે તમે કમ્પ્યુટરનું કીબોર્ડ બદલી શકો છો. કી-બોર્ડ પર ઇંગ્લિશ મૂળાક્ષરો લખેલી કીની મદદથી ગુજરાતીમાં ટાઇપ થતું જોઈને ઘણા લોકોને નવાઈ લાગતી હોય છે.

આ કરામત વિન્ડોઝના જે ફીચરથી થાય છે, તેનો જ લાભ લઈને આપણે કોઈને એપ્રિલ ફૂલ બનાવી શકીએ છીએ.

આ માટે, સ્ટાર્ટ બટન ક્લિક કરી, કંટ્રોલ પેનલમાં જાઓ. અહીં ‘ક્લોક, લેંગ્વેજ એન્ડ રીજન’ કે ‘રીજન એન્ડ લેંગ્વેજ’ એવો વિકલ્પ જોવા મળશે. તેમાં ‘કી-બોર્ડસ એન્ડ લેંગ્વેજીસ’ ટેબમાં જાઓ. ‘ચેન્જ કીબોર્ડસ’ બટન ક્લિક કરી, ‘એડ’ બટન ક્લિક કરી દો. અહીં ‘ઇંગ્લિશ (યુનાઇટેડ સ્ટેટ્સ)’ પર ક્લિક કરી, ‘કી-બોર્ડ’ પર ક્લિક કરો અને તેમાં ‘યુનાઇટેડ સ્ટેટ્સ-ડીવોરાક (Dvorak)’ પર ક્લિક કરી ઓકે-ઓકે કરી કંટ્રોલ પેનલમાંથી બહાર નીકળી જાવ.

આપણે શું કર્યું તે સમજાયું? આપણે કમ્પ્યુટરના કી-બોર્ડનો લેઆઉટ જ બદલી નાખ્યો. હવે તમારો શિકાર પોતાના કી-બોર્ડની મદદથી રોજિંદી રીતે ટાઇપ કરવા જશે તો સ્ક્રીન પર કંઈક ભળતું-સળતું જ ટાઇપ થશે, એ માથું ખંજવાળતો રહેશે પણ કી-બોર્ડમાં શું ગરબડ થઈ ગઈ એની ગડ બેસશે નહીં!

મજાક પૂરી થયા પછી ઉપર લખેલી કસરત ફરી કરો અને નવા ઉમેરેલા Dvorak કી-બોર્ડને રીમૂવ કરી દો. તમારે કમ્પ્યુટરને એક વાર રીસ્ટાર્ટ કરવું પડે એવું બની શકે છે.

વિન્ડોઝમાં વિવિધ ભાષાના લે-આઉટ

વાસ્તવમાં, વિન્ડોઝની મદદથી આપણે સંખ્યાબંધ ભાષાઓમાં ટાઇપ કરી શકીએ છીએ. વિન્ડોઝમાં આવી અનેક ઇનપુટ લેંગ્વેજ આપેલી હોય છે, પણ તેનો ઉપયોગ કરવા માટે આપણે જરૂરી ભાષાઓની યાદીમાં એ ઇનપુટ લેંગ્વેજ ઉમેરવી પડે.

અહીં પાછી વધારાની મજા છે. એક ભાષા માટે જુદી જુદી ઇનપુટ મેથડ હોઈ શકે છે. ગુજરાતી માટે પણ આવી જુદી જુદી ઘણી ઇનપુટ મેથડ છે, પરંતુ ડીપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ (ડીઓઇ)એ વૈજ્ઞાનિક પદ્ધતિથી વિકસાવેલું કી-બોર્ડ શ્રેષ્ઠ મનાય છે. તેમાં કક્કાના બધા સ્વર એક તરફ અને વ્યંજન બીજી તરફ હોય છે. તેથી ટાઇપિંગ ઝડપથી થઈ શકે છે.એ જ રીતે ઇંગ્લિશમાં અત્યારે આપણા કમ્પ્યુટર અને હવે સ્માર્ટફોનમાં જોવા મળતા અને ‘ક્વર્ટી’ તરીકે ઓળખાતા કી-બોર્ડનો દબદબો છે. આ નામ અક્ષરોની પહેલી હરોળમાં ડાબી તરફથી પહેલા છ અક્ષરો પરથી પડ્યું છે. અક્ષરોની આ ગોઠવણ ૧૮૬૮માં ટાઇપરાઇટરના શોધક ક્રિસ્ટોફર શોલેસે તૈયાર કરી હતી. ઘણા લોકો માને છે કે વારંવાર વપરાતા અક્ષરોની દાંડી ટાઇપરાઇટરમાં એકમેક સાથે અથડાય નહીં તે માટે તેમણે અક્ષરોની આવી ગોઠવણ કરી હતી.

પરંતુ, ૧૯૩૦ના દાયકામાં ઓગસ્ટ ડીવોરાક નામના એક પ્રોફેસર અને તેમના એક સંબંધીએ, તેમના મતે વધુ સરળ એવું કી-બોર્ડ રચ્યું. એવું મનાય છે કે કોઈ વ્યક્તિ સરેરાશ આઠ કલાક કમ્પ્યુટર પર કામ કરે તો ક્વર્ટી કી-બોર્ડ પર તેની આંગળીઓએ કુલ ૧૬ માઇલની મજલ કાપવી પડે, જ્યારે ડીવોરાક કી-બોર્ડમાં ફક્ત ૧ માઇલ!

ડીવોરાક કી-બોર્ડ અત્યારે કમ્પ્યુટર અને સ્માર્ટફોનમાં પણ વિકલ્પ તરીકે ઉપલબ્ધ છે, પણ એ ક્વર્ટી જેટલું લોકપ્રિય થઈ શક્યું નથી.

ઉપર આપણે ફક્ત મજાક માટે ડીવોરાક કી-બોર્ડ લેઆઉટ ઉમેર્યો તે જ રીતે, તમે ગુજરાતી કે હિન્દી ઇનપુટ લેંગ્વેજ અને તેનું કી-બોર્ડ ઉમેરીને કમ્પ્યુટરમાં ગુજરાતી ટાઇપ કરી શકો છો.

માઉસ સાથે મગજમારી

આખા દિવસ દરમિયાન આપણું કહ્યાગરું માઉસ આપણા ઇશારે માઉસપેડ પર આમતેમ ફરતું રહે છે અને આપણે એની તરફ ધ્યાન પણ આપતા નથી. આ માઉસ કમ્પ્યુટર પર કામ કરતી વખતે કેટલી કામની ચીજ છે એ તો એ પોતાનો મિજાજ બદલે ત્યારે જ ખબર પડે!

તમારા શિકારને આવા બદલાયેલા માઉસનો પરચો બતાવવો હોય તો ટ્રાય કરી જુઓ આ રીત.

કમ્પ્યુટરની કંટ્રોલ પેનલમાં જાઓ. તેમાં કેટેગરી પ્રમાણે આઇટેમ સોર્ટ કરી હશે તો ‘હાર્ડવેર એન્ડ સાઉન્ડ’ જોવા મળશે અથવા આઇકોનથી સોર્ટિંગ કર્યુ હશે તો સીધો ‘માઉસ’નો વિકલ્પ જોવા મળશે. બંને રીતે, અંતે આપણે માઉસનાં વિવિધ સેટિંગ્સ સુધી પહોંચીશું.

અહીં તમે ધારો તે રીતે સેટિંગ્સમાં ગરબડ કરી શકો છો, પણ યાદ રહે, મજાક પૂરી થયા પછી સેટિંગ્સ યથાવત કરતી વખતે તમને જૂનાં સેટિંગ્સ યાદ રહેવાં જોઈએ! એ માટે નોર્મલ સેટિંગના સ્ક્રીનશોટ લઈને વર્ડની ફાઇલમાં પેસ્ટ કરીને તેને ક્યાંક સાચવી રાખી શકાય.

શરુઆત કરી શકાય માઉસનાં બટન્સની અદલબદલ કરીને. આ માટે ‘બટન્સ’ ટેબમાં પહેલા જ ઓપ્શન ‘બટન કન્ફિગરેશન’માં આપેલા બોક્સને ટિક કરી દો. હવે માઉસનાં ડાબા જમણા બટન એકબીજાનું કામ કરશે!

પછી માઉસમાં ડબલ-ક્લિક કરવાની સ્પીડને એકદમ ધીમી કરી દો. પછી ચાહો તો બીજા ટેબમાં જઈને માઉસના પોઇન્ટરને બદલી નાખો, જોકે એમ કરવાથી આપણો શિકાર સહેલાઈથી સમજી જશે કે કોઈએ તેના કમ્પ્યુટર સાથે રમત કરી છે.

હવે ‘પોઇન્ટર્સ ઓપ્શન્સ’ ટેબમાં જાઓ. તેમાં મોશનના સ્લાઇડરને બિલકુલ સ્લો તરફ ધકેલી દો. ચાહો તો વિઝિબિલિટી સેક્શનમાં ‘ડિસ્પ્લે પોઇન્ટર ટ્રેઇલ્સ’ સામેના બોક્સને ટિક કરી દો અને સ્લાઇડરને લોંગ તરફ ધકેલી દો. જોકે એમાં પણ સામેની વ્યક્તિ આપણી રમત તરત સમજી જશે.

રમત જરા વધુ લંબાવવી હોય તો ‘વ્હીલ’ ટેબમાં જઈને વર્ટિકલ સ્ક્રોલિંગ માટેના બોક્સને ટિક કરી, વ્હીલ એક વાર જરા ફેરવતાં એક સાથે ૩ લાઇનને બદલે ૧૫ લાઇન જેટલું મેટર ઉપર-નીચે જાય એવું સેટિંગ કરી દો.

હવે બધું ઓકે કરી દો અને તમારો શિકાર પોતાના કમ્પ્યુટર પર કામ કરવાનું શરૂ કરે ત્યારે માઉસ તેને કેવાં ચક્કર લાવી દે છે એનો તાલ જુઓ!

ઉલટા-પૂલટા સ્ક્રીન

સ્માર્ટફોનમાં તો આપણે ફોનને ઊભામાંથી આડો કરીએ એટલે તેનો સ્ક્રીન પણ રોટેટ થાય. આવું ડેસ્કટોપ પીસીના મોનિટરમાં, તેને આડો કે ઊલટો કર્યા વિના થાય તો? તો જોનાર નક્કી ચકરાવે ચડે! તમારો શિકાર પોતાનું કમ્પ્યુટર ઓન કરે અને ડેસ્કટોપ પર એને બધું જ ઉલટ-પૂલટ દેખાય અને માઉસ ધરાર ઊંધું જ ચાલે તો એની હાલત કેવી થાય એ વિચારી જુઓ!

આવી કરામત કરવાના બે રસ્તા છે. પહેલાં, તમારા શિકારના કમ્પ્યુટરમાં ફક્ત એક વાર Ctrl, Alt, અહિં અને Down Arrow કી એક સાથે પ્રેસ કરો અને જુઓ કમાલ! (જો ડેસ્કટોપનો વ્યૂ ઉલટો થઈ જાય તો તેને ફરી પાછો પહેલાં જેવો કરવા માટે Ctrl, Alt, અહિં અને Up Arrow કી એક સાથે પ્રેસ કરો).

ડિસ્પ્લેનું રોટેશન વિન્ડોઝ નહીં પણ સિસ્ટમમાંના કેટલાંક સોફ્ટવેર પર આધાર રાખે છે એટલે તમારા કમ્પ્યુટરમાં આ શોર્ટકટ કદાચ પરિણામ ન આપે. જો વ્યૂ ઉલટો ન થાય તો બીજો રસ્તો અજમાવો. ડેસ્કટોપ પર ખાલી જગ્યામાં રાઇટ-ક્લિક કરો, ‘સ્ક્રીન રેઝોલ્યુશન’માં જાઓ અને ઓરિએન્ટેશનના વિકલ્પમાં ‘લેન્ડસ્કેપ્ડ ફ્લિપ્ડ’ પસંદ કરો.

ફક્ત ટેસ્ટિંગ કરી રહ્યા હો તો એપ્લાય પર ક્લિક કરશો એટલે સ્ક્રીન બ્લેન્ક થશે અને પછી બધું જ ઊંધું થઈ જશે! સાથે એક સૂચના જોવા મળશે કે તમે આ ફેરફાર રાખવા માગો છો કે ફરી જૂની સ્થિતિ (નોર્મલ)માં જવા માગો છો? કરીને બે ઘડી રાહ જોશો તો આપોઆપ જૂની સ્થિતિ આવી જશે.

સ્ક્રીન ઉલટો કર્યા પછી અને મિત્રને મૂંઝવણમાં મૂકી લીધા પછી ડિસ્પ્લે યથાવત કરવો હોય તો ફરી તમારે ડેસ્ક્ટોપમાંથી સ્ક્રીન રેઝોલ્યુશનના વિકલ્પમાં જવાનું રહેશે. આ વખતે, માઉસ તમારા કહ્યામાં પણ નહીં રહે!

આડો સ્ક્રીન પણ કામ લાગી શકે

એપ્રિલફૂલની મજાક તો ઠીક છે, તમારા કમ્પ્યુટર કે લેપટોપ પર પરિવારનું કોઈ નાનું બાળક પણ હાથ ઠપકારતું હોય તો તે ભૂલ-ભૂલમાં Ctrl+Alt+Down Arrow કી પ્રેસ કરી નાખે અને તમને આ ફીચરની ખબર ન હોય તો તમે કલાકો સુધી મથો તોય ડિસ્પ્લે સીધો કરી શકો નહીં.

વિન્ડોઝમાં આવી સવલત શા માટે હશે, એવો સવાલ થયો?

તમે ધ્યાનથી જોયું હશે તો ડિસ્પ્લે લેન્ડસ્કેપને બદલે પોર્ટેટ કરવાનો વિકલ્પ પણ જોવા મળશે. જો તમારે કોઈ એવા પ્રોગ્રામમાં વારંવાર કામ કરવાનું થતું હોય જેમાં સતત ઘણું બધું પેજ સ્ક્રોલિંગ કરવાનું થતું હોય અને જો તમારા મોનિટરને આડાને બદલે ઊભો ગોઠવવાની પણ સગવડ હોય તો આ ફીચર ખૂબ કામનું સાબિત થઈ શકે છે!

 


તમારે પોતે આ રીતે એપ્રિલફૂલ ન બનવું હોય તો વાંચો આ લેખઃ કમ્પ્યુટરમાં પાસવર્ડ પ્રોટેક્શન

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here