કોરોના જેવા વિષાણુ જન્માવી શકનાર ક્લાઇમેટ ચેન્જ પર નજર રાખતા દરિયાઇ રોબોટ!

x
Bookmark

સમગ્ર વિશ્વના સમુદ્રો અને મહાસાગરોમાં આર્ગો ફ્લોટ્સ ઉતારીને ક્લાઇમેટ ચેન્જ સંબંધિત ડેટા, વાયા સેટેલાઇટ મેળવવાની અનોખી ટેક્નોલોજી વિશે જાણો

કોરોના વાઇરસ વિષે દરેક માધ્યમમાં એટલું લખાયું છે કે ફરી તેની વાત અહીં નથી માંડવી. આમ પણ લોકડાઉન દરમ્યાન ઘરમાં પુરાઇને કંઈક નવું જાણવા જ તો ‘સાયબરસફર’ ખોલતા હોઇએ, બરાબર ને?

SARS-CoV-2 તો ફક્ત પંદર વર્ષ પહેલા જોયેલા વાઇરસ/વિષાણુની સુધારેલી (?) આવૃત્તિ જ છે અને તો પણ વિશ્વભરમાં હાહાકાર મચાવી દીધો છે!કોરોના જેવા કે વધુ ભયંકર ભાવિ ખતરાનું અનુસંધાન તો વૈજ્ઞાનિકો ઘણા સમયથી આપી ચુક્યા છે.

ઉત્તર અને દક્ષિણ ધ્રુવોનો અભ્યાસ કરી તેમણે કહ્યું છે કે સેંકડો મીટર જાડા બરફના પોપડામાં અણદીઠા એવા વિષાણુઓ હજારો-લાખો વર્ષોથી કેદ થયેલા હોઇ શકે છે. આપણી ઉત્ક્રાંતિ દરમ્યાન આવા વિષાણુઓનો ક્યારેય સામનો જ ન થયો હોય એટલે આપણી રોગપ્રતિકારક શક્તિ માટે જાણે સિલેબસ બહારનું પ્રશ્નપત્ર.

ઉત્તર અને દક્ષિણ ધ્રુવોનો અભ્યાસ કરી વિજ્ઞાનીઓએ કહ્યું છે કે સેંકડો મીટર જાડા બરફના પોપડામાં અણદીઠા એવા વિષાણુઓ હજારો-લાખો વર્ષોથી કેદ થયેલા હોઇ શકે છે.

ગ્લોબલ વોર્મિંગ જેવા ક્લાઇમેટ ચેન્જને લીધે આ બરફ ઓગળે, વિષાણુઓનો વનવાસ પૂરો થાય અને માનવજાત માટે જીવલેણ સાબિત થાય એ બધું હોલિવુડ ફિલ્મના પ્લોટ જેવું લાગે પણ વાસ્તવિકતાથી જરાય દૂર નથી.

આપણે વાત કરવી છે ક્લાઇમેટ ચેન્જ ઉપર બાજનજર રાખતા દરિયાઈ રોબોટની.

ક્લાઇમેટ ચેન્જનો અભ્યાસ દરિયાઈ રોબોટથી

રોબોટ શબ્દ વાંચતા જ માનવ શરીરની નકલ સમા યંત્રમાનવો યાદ આવે કે જે લોખંડી હાથ-પગ અને આંખોને સ્થાને બે લાઇટ (અથવા હવે કેમેરા) ધરાવતા હોય. પણ રોબોટિક્સ ટેક્નોલોજી વિજ્ઞાનકથાઓથી ઘણી આગળ નીકળી ચુકી છે.

કારખાનામાં રોબોટ માત્ર એક રોબોટીક આર્મ (હાથો) જ હોય જે દિવસ-રાત મોટરકારોનું ઉત્પાદ કર્યા કરે એમ દરિયાઈ સંશોધનો માટેના રોબોટ એટલે એન્ટેના-ધારી નળાકાર જેવા ‘‘આર્ગો ફ્લોટ્સ’’.

ગ્રીક પુરાણના એક વહાણ ઉપરથી જેનું નામ પડ્યું એ આર્ગો ફ્લોટ અંદરથી કેવી રચના ધરાવે છે એ અહીં ચિત્રમાં દર્શાવ્યું છે.

આર્ગો ફ્લોટ્સની રચના

અલગ અલગ કંપનીઓ અને વૈજ્ઞાનિકો જેમાં પોતાની રીતે થોડા ઘણા ફેરફાર કરે એ મૂળભૂત ડિઝાઇનમાં ઉપરના ભાગે વિવિધ સેન્સરો અને એન્ટેના હોય છે.

સૌથી નીચે વર્ષો સુધી કામ આપનાર વજનદાર બેટરીઓ હોય છે જેથી ફ્લોટનું ગુરુત્વમધ્યબિંદુ શક્ય એટલું નીચે રહે અને ફ્લોટ સ્થિર/ટટ્ટાર રહે.

વચ્ચેના ભાગમાં હાઇડ્રોલિક પમ્પ હોય છે, જેનું કામ જરૂર મુજબ તેની નીચે આવેલ બ્લેડર/ફુગ્ગાનું કદ વધારવાનું કે ઘટાડવાનું હોય છે.

આ જ કાર્યરચના એનિમેશન રૂપે જોવી હોય તો http://www.argo.ucsd.edu/float_csection.gif  ઉપર ક્લિક કરો.

આર્ગો ફ્લોટને દરિયામાં છુટ્ટો મુકી દીધા પછી અને ક્મ્યુનિકેશન વગેરે ટેસ્ટિંગ કરી લીધા પછી વર્ષોવર્ષ સુધી પ્રોફાઇલિંગ કહેવાતી ઘટમાળની શરૂઆત થાય છે

આ ગોઠવણી મુજબ આર્ગોની કામગીરી જોઈએ એટલે તરત સ્વાભાવિક લાગે કે આર્ગોને દરિયામાં છુટ્ટો મુકી દીધા પછી અને ક્મ્યુનિકેશન વગેરે ટેસ્ટિંગ કરી લીધા પછી વર્ષોવર્ષ સુધી પ્રોફાઇલિંગ કહેવાતી ઘટમાળની શરૂઆત થાય છે. (જુઓ ઉપરની તસવીર).

દરેક સાયકલ આશરે દસેક દિવસની હોય છે. પાણીની સપાટી પર રહેલ આર્ગોય ફ્લોટ સૌથી પહેલાં પાર્કિંગ ડેપ્થ કહેવાતી એકાદ કિલોમીટરની ઊંડાઇએ સરકી જાય છે અને ત્યાં આઠ-નવ દિવસ વિતાવે છે.

આટલી ઊંડાઇએ પ્રવાહ (કરંટ) ખાસ ન હોય એટલે જે વિસ્તારમાં આર્ગોએ ડેટા એકઠા કરવાના હોય તેમાં દૂર-દૂરના પ્રદેશોમાં તણાઇ જવાનો ભય રહેતો નથી.

વળી, છિછરા પાણીમાં હવામાન (દા.ત. વાવાઝોડું) વગેરેની વધુમાં વધુ અસર રહે, જે એક કિલોમીટર નીચે નહીંવત હોય.

દસમા દિવસે ફ્લોટની ઘડિયાળનો જાણે અલાર્મ વાગે એટલે ફ્લોટ વધુ એક કિલોમીટર નીચે તરફ પ્રયાણ કરે. બે હજાર મીટરની ઉંડાઇએ પહોંચ્યા પછી ઉપર તરફની યાત્રા શરુ થાય જે કલાકો સુધી ચાલે. દરિયાના વિવિધ માપનો લેવાનું કામ સેન્સરો આ સમયે જ કરે.

ફ્લોટ ઉપર તરફ જાય એટલે ટોચ ઉપર બેઠેલા સેન્સરોને જરાપણ ન ડહોળાયેલા પાણીના ડેટા એકઠા કરવા મળે.

સપાટી પર પહોંચ્યા બાદ ‘‘હું અહીં છું’’નો સાદ આર્ગો ફ્લોટ બીપ… બીપ… સ્વરુપના સિગ્નલો દ્વારા મોકેલે જે ઉપરથી પસાર થતા સેટેલાઇટ ઝીલે એટલે સંપર્ક સેતુ બંધાય અને શરૂ થાય એકઠા કરેલા ડેટાનું ટ્રાન્સફર. એ થઇ જાય એટલે ફરી શરૂ થાય બીજા દસ દીવસની નવી સાયકલ.

વિવિધ દેશો તરફથી માર્ચ, ૨૦૨૦ સુધીમાં તરતા મુકવામાં આવેલ આર્ગો ફ્લોટ્સ

બે દશકા પહેલા શરૂ થયેલા આર્ગો કાર્યક્રમની હેઠળ મહાસાગરોનો લગભગ દરેક ખૂણો આવરી લેવાયો છે (જુઓ નીચેની તસવીર).

સમય સાથે ક્યા વિસ્તારમાં કેટલા આર્ગો ફ્લોટ છોડવામાં આવ્યા તે જાણવામાં રસ હોય તો એક સુંદર ટચુકડી એનિમેશન ફિલ્મ

http://www.pac.dfo-mpo.gc.ca/science/oceans/data/projects/argo/movies/World.avi  ઉપરથી ડાઉનલોડ કરીને જોઈ શકાય છે.

વિચારો જરા, દુનિયાભરના દરિયાઓમાં હજારો સ્થળોએથી નિરંતર ડેટા એકઠા કરવા હોય તો કેટકેટલાં જહાજો અને સંશોધકોને ડ્યુટી ઉપર લગાવવા પડે? તેમાં પણ ખરાબ હવામાન જેવા અવરોધો તો ખરા જ! આ કામ વણથંભ્યે આર્ગો ફ્લોટ સિવાય કોણ કરી શકે?

વળી, નવી ટેકનોલોજી ધરાવતા ફ્લોટને તો ટુ-વે ક્મ્યુનિકેશનનો લાભ હોય છે.

એટલે માનો કે કોઈ ફ્લોટના વિસ્તારમાંથી વાવાઝોડું પસાર થવાનું હોય તો વૈજ્ઞાનિકો તેના બેઝિક પ્રોગ્રામમાં ફેરફાર કરીને સતત અમુક તમુક ઉંડાઇ (દા.ત. ઉપરના ૫૦૦ મીટર)ના ડેટા રોજબરોજ એકઠા કરવાનો કમાન્ડ પણ આપી શકે એટલે વાવાઝોડાના પસાર થવાથી દરિયામાં થતા ફેરફારોનો સચોટ અભ્યાસ થઇ શકે.

આર્ગો ફ્લોટના ડેટા અલ નીન્યો, દરિયાની ગરમી શોષવાની ક્ષમતા વગેરે ભાતભાતના સંશોધનોમાં હવે અનિવાર્ય થઇ પડ્યા છે.

આ આઠવાડિયે આપણા હવામાન ખાતાએ વર્ષ ૨૦૨૦ના ચોમાસાનો પહેલો વર્તારો આપ્યો, તે મોડેલ યોગ્ય રીતે ચલાવવામાં પણ આર્ગો ફ્લોટના ડેટા અચુક જોઈએ જ. છે ને રોબોટ પાવર માનવજાતની સેવામાં હાજરાહજુર!

દરિયાના પેટાળમાંથી માહિતી એકઠી કરતા આર્ગો ફ્લોટની આંતરિક રચના

આ જ કાર્યરચના એનિમેશન રૂપે જોવા માટે http://www.argo.ucsd.edu/float_csection.gif  ઉપર ક્લિક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here