મેસેજિંગમાં નવો યુગ? 🔓

જૂનાપુરાણા એસએમએસ સ્માર્ટ બનવા લાગ્યા છે

અત્યારે ભારતમાં વોટ્સએપનો સૂરજ બરાબર મધ્યાહ્ને તપી રહ્યો છે અને તે અસ્ત થવા તરફ ગતિ કરી રહ્યો હોય એવા કોઈ જ અણસાર અત્યારે તો દેખાઈ રહ્યા નથી. પરંતુ જ્યારે વોટ્સએપનો આ સૂરજ હજી ઊગ્યો જ નહોતો ત્યારે આપણા સૌની આંગળીઓ પર એસએમએસનું રાજ હતું!

મિત્રો-પરિચિતો સાથે જીવંત સંપર્કમાં રહેવાનું એ જ એક સૌથી સહેલું અને સસ્તું સાધન હતું. ત્યારે વાત માત્ર ટેક્સ્ટથી થતી હતી એટલે આપણે એસએમએસ માટેની આગવી ભાષા પણ વિકસાવી લીધી હતી! એ સમયની યંગ જનરેશન, ફિઝિકલ કી-બોર્ડવાળા ફોનમાં ફટાફટ ફરતી આંગળીઓથી જે ઝડપે મેસેજ ટાઇપ કરી શકતી એ જોઈને વડીલોને ઇર્ષા થઈ આવતી.

પછી વોટ્સએપ આવતાં એવી ઈર્ષા કરવાની કોઈ જરૂર રહી નહીં. કારણ કે વોટ્સએપમાં તો એક બટન દબાવીને વોઇસ મેસેજ રેકોર્ડ કરી, તેની આપ-લે કરવાનું ફીચર મળી ગયું. વોટ્સએપ અને તેના જેવી બીજી સંખ્યાબંધ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસિઝમાં એવાં કેટલાંય નવાં ફીચર્સ મળ્યાં, જે એસએમએસમાં દૂર સુધી દેખાતાં નહોતાં.

પરિણામે એસએમએસનો ઉપયોગ ફક્ત બેન્ક કે શોપિંગના નોટીફિકેશન કે ઓટીપી મેળવવા પૂરતો સીમિત રહી ગયો.

કદાચ એટલે જ અત્યારે તમને ખબર પણ નહીં હોય કે જૂના પુરાણાં એસએમએસ હવે ખાસ્સા સ્માર્ટ થઈ ગયા છે! એસએમએસની વર્ષો જૂની ટેકનોલોજીમાં રીચ કમ્યુનિકેશન સર્વિસિસ (આરસીએસ) નામે નવો પ્રાણ ફૂંકાઈ રહ્યો છે.

આ વખતે ગૂગલે પોતાની નવી કોઈ એપ ડેવલપ કરવાને બદલે મોબાઇલ અને ટેલિકોમ કંપનીઝનો સાથ લઇને આરસીએસને આગળ ધપાવવાનો વ્યૂહ અપનાવ્યો છે.

અત્યારે જો તમે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં ગૂગલની ‘મેસેજિસ’ નામની એપ ઇન્સ્ટોલ કરશો અને ફોનમાંની ડિફોલ્ટ મેસેજિંગ એપને બદલે આ નવી એપનો ઉપયોગ કરશો તો જોશો કે તેમાં ખરેખર ઘણાં નવા ફીચર ઉમેરાઈ ગયાં છે (અલબત્ત, વોટ્સએપથી હજી પાછળ છે!)

એસએમએસમાં હવે કોઈ તમને વેબપેજની લિન્ક મોકલે તો તેનો પ્રીવ્યૂ જોઈ શકાય છે. કોઈને તેમના ઇમેઇલ એડ્રેસને આધારે મેસેજ મોકલી શકાય છે. મેસેજિસમાં જાતભાતના ઇમોજિસ અને જિફ કે સ્ટીકર ઉમેરાઈ ગયાં છે.

વોટ્સએપની જેમ વોઇસ મેસેજ રેકોર્ડ કરીને મોકલવાની સગવડ પણ આવી ગઈ છે અને લોકેશન પણ એસએમએસથી શેર કરી શકાય છે.  એસએમએસમાં જ ફોટોગ્રાફ શેર કરવાની સુવિધા પણ આવી ગઈ છે (જે એમએમએસ સ્વરૂપે જાય છે).

નવા પ્રકારના એસએમએસ!

હવે મજા જુઓ. તમે આ નવી મેસેજિસ એપનો ઉપયોગ કરતા હો, પણ સામેની વ્યક્તિ તેનો ઉપયોગ ન કરતી હોય તો તેને તમારો ફીચર રીચ મેસેજ મળશે નહીં પરંતુ તમે એ મેસેજમાં કંઈ પણ ટેકસ્ટ લખી હશે તો એ તેને જરૂર મળશે.

એટલે કે તમે કોઈ વેબ પેજની લિન્ક મેસેજિસ એપ દ્વારા કોઈને મોકલો તો તમને પોતાની એપમાં એ વેબ પેજનો  પ્રીવ્યૂ જોવા મળશે. જો સામેની વ્યક્તિ આ નવી મેસેજિસ એપનો ઉપયોગ કરતી હશે તો તેને પણ પ્રીવ્યૂ જોવા મળશે. પરંતુ જો સામેની વ્યક્તિ બીજી કોઈ સાદી એસએમએસ એપનો ઉપયોગ કરતી હશે તો તેને માત્ર આપણા મેસેજમાંની લિન્ક ટેકસ્ટ સ્વરૂપે જોવા મળશે.

આ મેસેજિંગ એપનું વેબ વર્ઝન પણ છે એટલે કે પીસી પરથી પણ આપણે મેસેજિસની આપ-લે કરી શકીએ છીએ. ગૂગલ પે સર્વિસ તેની સાથે જોડાઈ ગઈ છે. થોડા સમયમાં ગૂગલ આસિસ્ટન્ટ પણ મેસેજિસમાં હાજર થઈ જશે. તેમાં અત્યારથી જીમેઇલની જેમ સ્માર્ટ રિપ્લાયની સુવિધા આવી ગઈ છે.

ભારતમાં જિઓ, એરટેલ, વોડાફોન વગેરે કંપની આ નવા પ્રકારના મેસેજિંગને સપોર્ટ કરવા લાગી છે. એટલે થોડા સમયમાં આપણને ફોનમાંની ડિફોલ્ટ મેસેજિંગ એપમાં પણ આ બધા લાભ મળવા લાગશે.

ત્યાં સુધી તમે એન્ડ્રોઇડમાં ગૂગલની મેસેજિંગ એપ ઇન્સ્ટોલ કરીને તેનો લાભ લેવાનું શરૂ કરી શકો છો.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here