પ્રતિભાવ – ઓનલાઇન ફ્રોડ પછી કયાં પગલાં લેવાં

x
Bookmark

ફેબ્રુઆરી, ૨૦૨૦ અંકમાં ક્યુઆર કોડથી છેતરપિંડી વિશે આપેલી વિસ્તૃત માહિતી આજના યુગમાં ખૂબ ઉપયોગી થાય એવી છે.  મારો પ્રશ્ન એ છે કે ક્યુઆર કોડ દ્વારા ફોનપે અથવા તો ગૂગલપેમાં છેતરપિંડી થાય તો ફરિયાદ ક્યાં કરવી અથવા તો તેને પરત મેળવવા માટે ગુનેગારને શોધ માટે કઈ જગ્યાએ જાણ કરવાની હોય છે?

– નરેન્દ્ર દેસાઈ, મોરબી

(એક મુદ્દો ખાસ ધ્યાને લેવા જેવો છે – ફોનપે, પેટીએમ, ગૂગલપે વગેરે એપ પોતે છેતરપિંડી કરતી નથી, પણ તેની મદદથી છેતરપિંડી થતી હોય છે. આવા કિસ્સામાં, અત્યારની સ્થિતિ પ્રમાણે, આપણે પોતે આપણા બેન્ક ખાતાની વિગતો આપી હોય, ઓટીપી આપ્યા હોય, તો પછી બેન્ક કોઈ જવાબદારી લે નહીં, તેમ છતાં બેન્કનું તરત ધ્યાન દોરવું જરૂરી છે. જ્યારે ક્રેડિટ કાર્ડથી આવી રીતે કોઈ ફ્રોડ થાય, આપણા ક્રેડિટ કાર્ડથી અણધાર્યું મોટું પેમેન્ટ થાય તો સામાન્ય રીતે બેન્ક તરફથી કન્ફર્મેશનનો કોલ આવે છે. આપણે તે ટ્રાન્ઝેક્શન ન કર્યું હોવાનું કહીએ તો બેન્ક તેને ‘ડિસ્પ્યુટેડ ટ્રાન્ઝેક્શન’ તરીકે નોંધે છે. આપણે સાયબરફ્રોડનો ભોગ બનીએ તો  ૧૦૦ નંબર પર (ગુજરાતના નવા સાત જિલ્લાઓમાં ૧૧૨) પર કોલ કરી, પોલીસને જાણ કરી શકીએ.

આ પોલીસનો જનરલ નંબર છે, પણ ત્યાંથી સાયબરસેલમાં કોલ ટ્રાન્સફર થાય અને ત્યાં ફોન પર જ આપણી વિગતો જાણીને જાણજોગ ફરિયાદ નોંધવામાં આવે છે. અલબત્ત, બેન્ક આપણે પોલીસ ફરિયાદ કરી હોવાનો લેખિત પુરાવો માગે છે એ ધ્યાનમાં રાખવા જેવું છે.   એ માટે નજીકના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં અરજી આપી શકાય.

પોલીસના દાવા મુજબ, ફ્રોડ કરનારી વ્યક્તિએ આપણા ખાતામાંથી મેળવેલી રકમ જુદાં જુદાં જે ખાતાંઓમાં ટ્રાન્સફર કરી હોય, એ બધાં ખાતાં બ્લોક થઈ શકે છે અને પૂરી તપાસ પછી, નાણાં પરત મળી શકે છે. હવે https://cybercrime.gov.in/ સાઇટ પણ ફરિયાદ નોંધાવી શકાય છે. જોકે આવી ફરિયાદની તપાસ એક ખરેખર લાંબી પ્રક્રિયા છે.

અકસ્માતની જેમ આમાં પણ, સાવધાની વધુ મહત્ત્વની છે. આપણા સૌના પરિવારના ઘણા સભ્યો ઓનલાઇન પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરતા થયા છે, પણ એની આંટીઘૂંટીઓ જાણતા ન હોવાથી સહેલાઈથી ફ્રોડનો ભોગ બની જાય છે. સૌને જાણકારી આપવી બહુ મહત્ત્વની છે. – હિમાંશુ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here