વિસ્તરે છે ‘સાયબરસફર’નું ફલક

આઠ વર્ષ! આટલાં વર્ષોમાં ‘સાયબરસફર’ના ૯૬ અંક પ્રકાશિત થવા છતાં, આ સમય પલકવારમાં પસાર થયો હોય એવું લાગે છે!

સફરની ખરી શરૂઆત તો જાન્યુઆરી ૨૦૦૮માં અખબારની નાનકડી કોલમ તરીકે થઈ અને તમારા જેવા વાચકોના અત્યંત હૂંફાળા પ્રેમથી જ એ આટલી વિસ્તરી શકી છે.

અખબારમાં એકાદ હજાર લેખો અને મેગેઝિનમાં સાડા ચાર-પાંચ હજાર જેટલાં પાનાંમાં, અત્યાર સુધીમાં આપણે ઇન્ટરનેટ, સ્માર્ટફોન અને કમ્પ્યુટરની અનેક જાણી-અજાણી, નાની-મોટી વાતોમાં ઊંડા ઊતર્યા છીએ અને છતાં લાગે છે એવું, જાણે આપણે હજી ઊંડા મહાસાગરની ઉપલી સપાટીને જ સ્પર્શી શક્યા છીએ. તો પણ, આ અંકથી આપણા વિષયફલકને હજી થોડું વિસ્તારી રહ્યા છીએ!

‘સાયબરસફર’નો ઝોક પહેલેથી જિજ્ઞાસા સંતોષવાને બદલે, વધુ જિજ્ઞાસા જગાવવાનો રહ્યો છે, એ ધ્યાનમાં રાખીને, અમે ભારતની વિવિધ વિજ્ઞાન સંસ્થાઓનો સંપર્ક કરીને ભારત સાયન્સ અને ટેક્નોલોજીના ક્ષેત્રે કેવી હરણફાળ ભરી રહ્યું છે તેની વાત વાચકો સુધી પહોંચાડવાનું વિચાર્યું. પહેલો પ્રતિસાદ મળ્યો હૈદરાબાદની ‘ઇનકોઇસ’  (www.incois.gov.in) સંસ્થા તરફથી. ઇન્કોઇસના વૈજ્ઞાનિક ડો. નિમિત્ત કુમાર અને ‘સાયબરસફર’નો પરિચય ઘણો જૂનો. આ મેગેઝિન ક્યાંક એમના હાથે ચઢી ગયું હશે, તો એમણે તરત આ પ્રયાસને બિરદાવતો મેસેજ મોકલ્યો અને સાથોસાથ હળવાશથી સૂચન પણ કર્યું – માત્ર ઇન્ટરનેટ પર ફોકસ શા માટે? સમગ્ર વિજ્ઞાન પર કેમ નહીં?

એમનું સૂચન ત્યારે જ સ્પર્શી ગયું હતું, પણ આપણા સદનસીબે આપણી ગુજરાતી ભાષામાં સમગ્ર વિજ્ઞાન પર કેન્દ્રિત શ્રી નગેન્દ્ર વિજયનું ‘સફારી’ છે જ, પછી બીજાની ક્યાં કોઈ જરૂર છે? એવો સવાલ તો હતો જ (વચ્ચે એક પુનરોચ્ચાર, ‘સફારી’નું પ્રેરણાદાયી ઉદાહરણ સાથે ન હોત અને એમનું માર્ગદર્શન ન હોત, તો આજે તમારા હાથમાં આ ‘સાયબરસફર’ પણ ન હોત!)

પછી વચલો રસ્તો વિચાર્યો – ‘સાયબરસફર’માં ઇન્ટરનેટની નવી ટેક્નોલોજી આપણા રોજિંદા જીવનને જે વિવિધ રીતે સ્પર્શે છે તેના પર ફોકસ હતું. હવે તેને થોડું વિસ્તારીને ટેક્નોલોજીના એવા મુદ્દાઓ પણ આવરી લેવામાં આવશે, જે દેખીતી રીતે કદાચ આપણને સ્પર્શતા ન હોય, પણ એની અસર આપણા જીવન પર ચોક્કસ હોય.

ડો. નિમિત્ત કુમારે કારકિર્દીની શરૂઆત ઇસરોના પ્રોજેક્ટથી કરી. આજે નિમિત્તભાઇ ‘ઇન્કોઇસ’માં વૈજ્ઞાનિક તરીકે સેવા આપે છે. ત્યાં તેમના જોડાયા બાદ ટુના માછલીના સેટેલાઇટ ટ્રેકિંગ જેવા અનેક કાર્યક્રમોમાં તેમનું મહત્ત્વનું યોગદાન રહ્યું છે. વૈજ્ઞાનિક તરીકે એમનો મુખ્ય વિષય સમુદ્રશાસ્ત્ર, પણ એટલાથી જ સીમિત નહીં.

નિમિત્તભાઈના શબ્દોમાં, ‘‘દરિયાનો વિષય એટલે વિષયોનો દરિયો’’. તેમની એક્સપર્ટાઇઝમાં સમુદ્રશાસ્ત્ર, જીવવિજ્ઞાન, પર્યાવરણ, હવામાનશાસ્ત્ર, આબોહવા પરિવર્તન, રીમોટ-સેન્સિંગ ને જીઆઇએસ જેવા વિધવિધ વિષયોનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિક શિક્ષણ અને તાલીમ, રસની પ્રવૃત્તિ હોવાથી જુદા જુદા માધ્યમો દ્વારા દર વર્ષે તેઓ અનેક વ્યાખ્યાન અને લેખો પણ આપતા રહે છે.

એમના સાથમાં ‘સાયબરસફર’ વધુ સમૃદ્ધ બનશે એની ખાતરી છે.

‘સાયબરસફર’ને હંમેશા વિદ્યાર્થીઓ પ્રત્યે વિશેષ પ્રેમ રહ્યો છે. વિદ્યાર્થી એટલે માત્ર સ્કૂલ-કોલેજમાં જતા હોય એ નહીં, પણ જે આજીવન વિદ્યાર્થી હોય, સતત કંઇક નવું જાણવા માગતા હોય એવા, તમારા જેવા લોકો! એટલે આ અંકમાં તમે જોશો તેમ, ફેસબુકમાં વીડિયોની શોધથી લઈને, આજકાલ જેનો ઉપદ્રવ અત્યંત વધ્યો છે તે ઓનલાઇન ફ્રોડ વિશેની સમજ, વર્ડ-એક્સેલની જાણી-અજાણી ખૂબીઓ, ઇંગ્લિશ શીખવામાં મદદરૂપ થઈ સાઇટ્સ/સર્વિસીઝ વગેરે બધું યથાવત જ છે, ફક્ત ‘સાયબરસફર’નું ફલક થોડું વિસ્તારી રહ્યા છીએ.

સફરમાં અવિરત સાથ બદલ તમારા ઋણસ્વીકાર સાથે, મેગેઝિન સ્વરૂપે ‘સાયબરસફર’ને એક વર્ષ પૂરું થયું ત્યારે લખેલા શબ્દો અહીં ફરી લખું છું, ‘‘દોઢ-બે વર્ષ પહેલાં આકાશમાં ઊડવાની ઇચ્છા જાગી હતી, પછીનો લાંબો સમય પર્વતની ધારને છોડવાની, ઝંપલાવવાની હિંમત એકઠી કરવામાં ગયો અને હવે ખબર નથી કે પાંખોમાં કેટલું જોર છે ને પવન કેટલો સાથ આપશે, ખબર ફક્ત એટલી છે કે સૌની સાથે ઊડવામાં આનંદ છે, સફર અવિરત ચાલશે!’’

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here