x
Bookmark

ધરાર વેકેશનના આ સમયમાં આપણે સૌ પોતાના સ્માર્ટફોનમાં હજી વધુ પરોવાઈ ગયા છીએ! વર્ક-ફ્રોમ-હોમના આ સમયમાં, ‘કોલાબોરેટિવ વર્કિંગ’ની અવનવી પદ્ધતિઓ જાણી લેશો તો લાંબા સમય સુધી કામ લાગશે!

તમારા ઘરમાં કદાચ આ રોજિંદું દૃશ્ય હશે – સાંજના સમયે ટીવી પર સિરિયલ ચાલી રહી હોય ત્યારે સામે આખો પરિવાર એક સાથે બેઠો હોય, પણ લગભગ દરેકના હાથમાં સ્માર્ટફોન હોય!

જેને ટીવીમાં ચાલતી સિરિયલમાં બિલકુલ રસ ન હોય એ વ્યક્તિ સ્માર્ટફોનમાંની કોઈ એપમાં બીજી સિરિયલ જોઈ રહી હોય અને જેને ટીવીની સિરિયલમાં રસ હોય એ વચ્ચે આવતા બ્રેક દરમિયાન પોતાના સ્માર્ટફોનમાં બીજાં કંઈક ખાંખાખોળા કરી રહી હોય. આમ સૌ સાથે બેઠા તો હોય, છતાં ખરેખર સાથે ન હોય!

સ્માર્ટફોનને કારણે આપણે સૌ ધીમે ધીમે એકલવાયા બની રહ્યા છીએ. વોટ્સએપમાં આવી ફરિયાદો કરતા અને હૂંફાળા સંબંધોનો મહિમા ગાતા મેસેજ પણ ફરતા રહે છે, પણ એની ખાસ કંઈ અસર થતી હોય એવું લાગતું નથી! પરંતુ જેમ નવી ટેકનોલોજી આપણને એકમેકથી દૂર લઈ જઈ શકે છે એમ નજીક પણ લાવી શકે છે.

એક જ પરિવારના તો ઠીક, વિશ્વના જુદા જુદા ખૂણે રહેતા મિત્રો પણ નવી ટેકનોલોજીને પ્રતાપે એકમેકના ગાઢ સંપર્કમાં રહી શકે છે. વોટ્સએપ કે ફેસબુક પર સાચા ફ્રેન્ડઝ કે ફેમિલીના ગ્રૂપ બનાવીને એકમેકના સંપર્કમાં રહેવાનું તો આપણને બરાબર ગોઠી ગયું છે, આ જ બાબતને આપણે જુદી જુદી ઘણી રીતે વિસ્તારી શકીએ છીએ.

ઇન્ટરનેટ પર અનેક રીતે ‘કોલાબોરેશન’ એટલે કે સાથે કામ કરવું શક્ય બન્યું છે.

હવે કોલાબોરેશન માત્ર બિઝનેસ સંબંધિત શબ્દ નથી રહ્યો. બે ચાર મિત્રો કે દાદા અને પૌત્ર પણ ઇન્ટરનેટ પર કોલાબોરેશન કરીને પોતાના સંબંધોમાં નવી ઉષ્મા અને નવાં પરિમાણો ઉમેરી શકે છે.

અહીં નીચે કલ્પનાને જરા છૂટો દોર આપીને કેટલાક કિસ્સા આલેખ્યા છે. દરેકમાં વર્ણવેલી વ્યક્તિ, જરૂરિયાતો વગેરે બધું જ કાલ્પનિક છે, પરંતુ ટેકનોલોજીના સૂચિત ઉપાયો બિલકુલ સાચા છે! તમે જુદા ઉપાય પણ અજમાવી શકો.

ઇન્ટરનેટ પર એક મંઝિલના ઘણા રસ્તા મળી શકે. હેતુ માત્ર એટલો જ છે કે ઇન્ટરનેટનો આવો પણ ઉપયોગ થઈ શકે એ દિશામાં વિચારતા થવું.

આખરે ટેકનોલોજી આપણને સૌને અલગ કરવા માટે નથી, જોડવા માટે છે!


ગ્રૂપ એસાઇન્મેન્ટ માટે એક ફાઇલમાં કામ કરો, સૌ મિત્રો એક સાથે

રોહન, કવિતા, શ્રેયા અને મિતેશ એમબીએનો અભ્યાસ કરે છે. ચારેયને એક ગ્રૂપ એસાઇન્મેન્ટ મળ્યું છે.

ટાસ્ક છે એક સ્ટાર્ટઅપની કલ્પના કરીને તેનો બિઝનેસ પ્લાન તૈયાર કરવો. ચારેય મિત્રોએ પહેલાં સાથે બેસીને સ્ટાર્ટઅપ કયા બિઝનેસ પર ફોકસ કરશે એ વિચારી લીધું છે અને પછી તેનો પ્લાન તૈયાર કરવા માટે, પાયાની જરૂરિયાતો, ફંડિગ, ટેક્નિકલ જરૂરિયાતો, માર્કેટિંગ પ્લાન વગેરે મુદ્દા આપસમાં વહેંચી લીધા છે.

આ ચારેય મિત્રોએ જૂની રીત પ્રમાણે કામ કર્યું હોત તો પોતપોતાના પીસી કે લેપટોપમાં માઇક્રોસોફ્ટ વર્ડ જેવા પ્રોગ્રામમાં પોતપોતાને મળેલા વિષય વિશે વિગતવાર પ્લાનિંગના મુદ્દાઓ લખ્યા હોત. પણ આ ચારેય મિત્રો તો આજના સ્માર્ટ મિલેનિયલ્સ છે!

એમણે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. દરેક પાસે સ્માર્ટફોન તો છે જ અને તેમાં ગૂગલ ડ્રાઇવ એપ પણ છે. અમુક મિત્રોના ફોનમાં ગૂગલ ડોક્સ અને ગૂગલ શીટ્સ જેવી એપ ખૂટતી હતી તે ઉમેરી લેવામાં આવી.

ચારેયે પહેલાં ગૂગલ ડ્રાઇવમાં એક ફોલ્ડર ક્રિએટ કરીને તેને આપસમાં શેર કરી લીધું. પછી એ ફોલ્ડરમાં એક સ્પ્રેડશીટ ઉમેરીને તેમાં બેઝિક ટુ-ડુ લિસ્ટ તૈયાર કરી લીધું અને કઈ ટાઇમ ફ્રેમમાં કોણ શું લખશે તે તેમાં લખી લીધું.

હવે એક બ્લેન્ક ડોક્યુમેન્ટ ઓપન કરીને ચારેય મિત્રોએ તેમાં પોતપોતાને મળેલા વિષયો વિશે લખવાનું શરૂ કર્યું. આ ડોક્યુમેન્ટ પણ આપસમાં શેર્ડ હોવાથી ચારેય મિત્રો અન્ય મિત્રો શું લખી રહ્યા છે એ જોઈ શકતા હતા.

મજા તો એ છે કે કોઈ સમયે એક જ ફાઇલ પર ચારેય મિત્રો એક સાથે ટાઇપ કરી રહ્યા હોય, તો એ પણ લાઇવ જોઈ શકાતું હતું!

ફાયદો એ હતો કે પોતપોતાના કમ્પ્યુટરમાં અલગ અલગ ફાઇલ તૈયાર કરવાની અને પછી તેને મર્જ કરીને એક ડોક્યુમેન્ટ તૈયાર કરવાની કોઈ ઝંઝટ ન રહી. દરેક પોતપોતાના વિચાર અનુસાર લખતા હતા પણ બીજી વ્યક્તિ શું લખી રહી છે એ તેઓ જોઈ શકતા હતા એટલે આખા પ્લાનિંગમાં જરૂરી સંતુલન જળવાઈ રહેતું હતું.

કોલેજ માટે બસમાં આવનજાવન કરતી વખતે મનમાં કોઈ આઇડિયા ઝબકે તો સ્માર્ટફોનમાં એ ડોક્યુમેન્ટ ઓપન કરીને તેમાં ફટાફટ ટપકાવી લેવાની સુવિધા પણ ખરી!

ગૂગલ ડોક્સમાં કમેન્ટ ઉમેરવાની સગવડ હોવાથી બીજા મિત્રના કોઈ મુદ્દા વિશે કોઈએ કંઈ કમેન્ટ કરવાની હોય તો તેને પોઇન્ટ આઉટ કરીને કમેન્ટ ઉમેરી શકાતી હતી. જેનો એ મિત્ર કમેન્ટના ફ્લોમાં જવાબ આપી શકતો હતો. ચારેય મિત્રોએ હજી એક સ્માર્ટ પગલું લઇને, આ ડોક્યુમેન્ટ તેમના ગ્રૂપમાં સામેલ નથી એવા એક નજીકના ફ્રેન્ડને શેર પણ કર્યું, જેથી તેનો ઓપિનિયન લઈ શકાય.

ફક્ત કાળજી એ રાખી કે તે મિત્ર આ ડોક્યુમેન્ટને વ્યૂ કરી શકે અને જુદા જુદા મુદ્દે પોતાની કમેન્ટ આપી શકે, પરંતુ ડોક્યુમેન્ટમાં કશું એડિટિંગ કરી શકે નહીં.

સ્ટાર્ટઅપના ભાગરૂપે આ મિત્રોએ જો કોઈ સર્વે કરવાનો થયો હોત તો તેઓ એ માટે ગૂગલ ડ્રાઇવમાં જ એક ફોર્મ ક્રિએટ કરીને તેને પોતાના સર્કલ્સમાં શેર કરી શક્યા હોત અને એ સર્વેમાં મળેલા રિસ્પોન્સનું બે-ચાર ક્લિકથી ફટાફટ એનાલિસિસ પણ કરી શક્યા હોત.

આ ચારેય મિત્રો ગૂગલ ડ્રાઇવને બદલે માઇક્રોસોફ્ટની આ જ પ્રકારની વન ડ્રાઇવ સર્વિસનો પણ ઉપયોગ કરી શક્યા હોત અથવા તેમની પાસે આઇફોન અને એપલ ડિવાઇસિસ હોત તો તેઓ આઇવર્ક સર્વિસનો પણ ઉપયોગ કરી શક્યા હોત!


દાદા-પૌત્રનું અંતર ઘટાડતું યુટ્યૂબનું શેર્ડ પ્લેલિસ્ટ ફીચર

સિવિલ એન્જિનિયર તરીકે સતત વ્યસ્ત કારકિર્દી પછી કિશોરભાઈને નિવૃત્ત થવું બહુ આકરું લાગ્યું હતું. અન્ય સિનિયર સિટિઝન મિત્રો સાથે ગાર્ડનમાં ચાલવા જવાનો કે સાંજે મંદિરે બેસવા જવાનો ક્રમ શરૂ તો કર્યો પરંતુ એમને બહુ ગોઠ્યું નહીં. એમાં પણ નજીકના બે-ત્રણ મિત્રો પોતપોતાનાં દીકરા-દિકરી પાસે યુએસ, કેનેડા કે ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગયા પછી કિશોરભાઈને સતત પોતે એકલા પડી ગયા હોવાની લાગણી થતી હતી.

એમનો પોતાનો પરિવાર ભર્યોભાદર્યો, પણ પત્ની પૂજાપાઠમાં ને બાકીના પોતપોતાની જિંદગીમાં ને પોતપોતાના સ્માર્ટફોનમાં વ્યસ્ત!

કિશોરભાઈને પોતાને પણ સ્માર્ટફોનનો ચસકો ખરો. ખાસ કરીને યુટ્યૂબ પર એમને જૂનાં ગીતો જોવા બહુ ગમે. એમાં ક્યાંકથી એમને જાણવા મળ્યું કે યુટ્યૂબમાં શેર્ડ પ્લેલિસ્ટ બનાવી શકાય છે. કિશોરભાઈએ મુકેશ અને મહંમદ રફીનાં ગીતોનાં પ્લેલિસ્ટ બનાવ્યાં હતાં, પરંતુ મન્નાડેના એ ખાસ દિવાના.

નજીકના મિત્રો પરદેશ સેટલ નહોતા થયા ત્યાં સુધી તો થોડા થોડા સમયે કોઈના કોઈ મિત્રના ઘરે મહેફિલ જામતી અને મન્નાડેનાં જાણ્યાં અજાણ્યાં ગીતો સાંભળવાનો દોર ચાલતો.

કિશોરભાઈ એ દિવસો ફરી પાછા લાવવા માગતા હતા.

એમણે યુટ્યૂબમાં મન્નાડેનાં પોતાને ગમતાં ગીતોનું એક પ્લેલિસ્ટ બનાવ્યું અને પછી તેના સેટિંગ્સમાં જઈને નજીકના મિત્રોને તેમાં કોલાબોરેટર તરીકે ઉમેર્યા. હવે કિશોરભાઈની જેમ જ મન્નાડેનાં ગીતોના શોખીન મિત્રો યુએસ-કેનેડાના પોતાના ઘરમાં જ્યારે તક મળે ત્યારે યુટ્યૂબ પર મન્નાડેના ગીતો શોધે છે અને કોઈ જૂનું, પણ હજી અજાણ્યું રહી ગયેલું ગીત મળે તો આ લિસ્ટમાં તેને શેર કરે છે.

કિશોરભાઈએ પોતાની આ નવી આવડત હવે વિસ્તારી છે. હવે તેમણે એન્જિનીયરિંગ અને રોબોટિક્સના અમેઝિંગ વીડિયોનું પ્લેલિસ્ટ બનાવીને પોતાના પૌત્ર સાથે શેર કર્યું છે.

દાદા અને પૌત્રને નવી નવી ટેકનોલોજીની વાતો કરવાના અનેક નવા વિષય મળી ગયા છે અને સ્માર્ટફોનને કારણે બંને વચ્ચે વધી રહેલું અંતર સ્માર્ટફોનને કારણે જ પુરાઈ ગયું છે!


અલગ અલગ વ્યક્તિ વચ્ચે શેર કરી શકાતું શોપિંગ લિસ્ટ

રીતુ અને સિદ્ધાર્થ એક વર્કિંગ કપલ છે. બંને પોતપોતાની વર્કિંગ લાઇફમાં ગળાડૂબ બિઝી રહે છે. રોજબરોજનાં કામકાજનાં પ્રેશર તો હતાં જ, હવે તેમાં એક નવું પ્રેશર ઉમેરાયું છે. જો કે આ પ્રેશર મજાનું છે – બંનેની વ્હાલી દીકરી રિયાનો પહેલો બર્થ ડે નજીક આવી રહ્યો છે! બંનેને એને ધામધૂમથી સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે.

પ્રોબ્લેમ એ છે કે પતિ-પત્ની બંને જિંદગીની ફાસ્ટ લેનમાં હોવાને કારણે આ ટાસ્ક માટે પૂરતો સમય આપી શકતાં નથી. પાર્ટીમાં આમંત્રિત કરવા માટે મિત્રોનું લિસ્ટ તૈયાર કરવાનું છે, વોટ્સએપમાં શેર કરી શકાય તેવું ઇન્વિટેશન બનાવવા માટે ડિઝાઇનિંગ જાણતા કોઈ મિત્રની મદદ લેવાની છે, કેક ઓર્ડર કરવાનો છે, રિયા માટે અને તેના ફ્રેન્ડઝ માટે રીટર્ન ગિફ્ટ્સ લેવાની છે, ડેકોરેશનની જાત ભાતની ચીજવસ્તુઓ લાવવાની છે… કરવાનાં કામનું ચેકલિસ્ટ ઘણું લાંબું છે અને ડર એ છે કે બંને વચ્ચે સારું કમ્યુનિકેશન નહીં રહે તો અમુક કામ બંને જણા કરી લાવશે અને અમુક કામ કોઈક નહીં કરે તેવી સ્થિતિ સર્જાશે!

સિદ્ધાર્થને પોતાની ફેવરિટ ટાસ્ક મેનેજમેન્ટ એપમાં એક અલગ લિસ્ટ તૈયાર કરીને તેને રીતુ સાથે શેર કરી લેવાનો વિચાર આવ્યો, પણ રીતુને એ ફીચર-રીચ એપની કડાકૂટમાં પડવું નહોતું.

આખરે બંનેએ ગૂગલ કીપ એપ પર પસંદગી ઢોળી.

રીતુ પહેલેથી પોતાના સ્માર્ટફોનમાં આ મજાની અને સિમ્પલ એપનો ઉપયોગ કરતી હતી. તેમાં તેણે એક નોટ ઉમેરીને તેમાં રિયાના બર્થડે માટે કરવાં જરૂરી કામનું ચેકલિસ્ટ બનાવવાનું શરૂ કર્યું.

આ નોટ તેણે સિદ્ધાર્થ સાથે શેર કરી. સિદ્ધાર્થના સ્માર્ટફોનમાં આ એપ નહોતી પણ તેનું ગૂગલ એકાઉન્ટ તો હતું. એટલે ફક્ત એપ ઇન્સ્ટોલ કરવાની વાર હતી.

હવે લિસ્ટ એક જ છે, પણ બંને પોતપોતાના સ્માર્ટફોનમાં કીપ એપમાં તેને જોઈ શકે છે.

બંને તેમને જે નવાં કામ યાદ આવે તે આમાં ઉમેરે છે અને પોતે જે કામ કરી લે તેની સામે ટીક કરી દે છે. એટલે બીજી વ્યક્તિને ખબર રહે છે કે કેટલું કામ થઈ ગયું અને હવે કેટલું કરવાનું બાકી છે! હવે રિયાનો બર્થડે સરસ રીતે ઉજવાશે એ નક્કી!


તૈયાર કરો સહિયારો બ્લોગ, જેમાં સૌ કન્ટેન્ટ  ઉમેરે પોતાની રીતે

દસમા ધોરણ સુધી એક સ્કૂલમાં સાથે ભણેલી પણ પછી અલગ અલગ દિશાઓમાં ફંટાઈ ગયેલી ત્રણ બહેનપણીઓનું વોટ્સએપને પ્રતાપે રીયુનિયન થયું છે. આ ગ્રૂપમાં બીજા બધા ક્લાસમેટ્સ પણ છે પણ આ ત્રણેય બહેનપણી વચ્ચે સ્કૂલના દિવસોથી ખાસ બોન્ડિંગ હતું, જે થેન્ક્સ ટુ વોટ્સએપ ફરી જીવંત થયું છે. ત્રણેય ભણીગણી, પરણીને પોતપોતાની જિંદગીમાં સેટલ્ડ છે, પણ કંઈક નવું કરવાનો વિચાર ત્રણેયના મનમાં સળવળ્યા કરે છે.

જોગાનુજોગ ત્રણેય બહેનપણી અલગ અલગ પ્રકારની રસોઈની શોખીન છે. ત્રણેયે પોતપોતાના અલગ અલગ રેસિપી બ્લોગ શરૂ કરવાને બદલે ત્રણેયનો એક સહિયારો બ્લોગ બનાવવાનું નક્કી કર્યું.

‘સહેલીઓં કી રેસિપીઝ’ જેવું કંઈક નામ આપીને તેમણે બ્લોગ શરૂ કર્યો. બ્લોગિંગ માટે સૌથી લોકપ્રિય વર્ડપ્રેસ કે ગૂગલના બ્લોગર જેવા પ્લેટફોર્મ પર તેમણે પસંદગી ઢોળી. આ પ્લેટફોર્મ્સ પર કોઈ ટેકનિકલ નોલેજ વિના બિલકુલ મફત બ્લોગ તૈયાર થઈ શકે છે.

જેને ઈ-મેઇલ સર્વિસમાં ઈ-મેઇલ કરતાં આવડે તેને આ પ્લેટફોર્મ્સ પર બ્લોગિંગ કરતાં પણ આવડે!

ત્રણેય બહેનપણીઓમાં થોડી ટેકનોસેવી બહેનપણીએ બ્લોગ તૈયાર કર્યો અને બીજી બંનેને તેમાં કન્ટ્રિબ્યુટર તરીકે ઉમેરી દીધી. હવે ત્રણેય એક જ બ્લોગ પર એક સાથે જુદા જુદા વિભાગને સમૃદ્ધ બનાવતી જાય છે.

કોઈ સારા ડિજિટલ કેલેન્ડરનો ઉપયોગ કરીને ત્રણેય બહેનપણી એક શેર્ડ કેલેન્ડર બનાવી એકમેક સાથે શેર કરશે ને મહિના દરમિયાન કોણ ક્યારે બ્લોગ પર શું પોસ્ટ કરશે તેની તેમાં નોંધ કરશે. તેઓ ફેસબુક પર પોતાના બ્લોગનું પેજ તૈયાર કરી શકશે અને તેમાં ત્રણેય એડમિન કે કન્ટ્રિબ્યુટરની ભૂમિકા નિભાવીને પોતપોતાની રીતે પેજને પ્રમોટ કરતી જશે.

બ્લોગને તેઓ બિઝનેસમાં ફેરવી શકશે તો ફરી ફેસબુકમાં બિઝનેસ એકાઉન્ટ ક્રિએટ કરી, ત્રણેયનાં નામ કન્ટ્રિબ્યુટર તરીકે ઉમેરીને પોતપોતાની રીતે બિઝનેસનું પેઈડ પ્રમોશન પણ શરૂ કરી શકશે.

આખી વાતમાં મજા એ છે કે સ્કૂલમાં એક જ બેંચ પર બેસીને સાથે ભણેલી આ ત્રણેય બહેનપણી હવે વિશ્વના કોઈ પણ અલગ અલગ ખૂણે વસતી હશે તો પણ સાથે મળીને મનગમતું કામ આગળ વધારી શકે છે.


સ્કૂલની ટુર પહેલાં વિદ્યાર્થીઓને કરાવો વર્ચ્યુઅલ ટુર

રાજકોટની એક સ્કૂલના વિદ્યાર્થીઓ માટે કચ્છના પ્રવાસનું આયોજન થયું છે. ધોળાવીરા તથા સફેદ રણ, ભૂજનું મ્યુઝિયમ, કાળો ડુંગર, લખપત અને નારાયણ સરોવર, માંડવીનો રળિયામણો દરિયાકિનારો અને કંડલા કે મુંદ્રાના બંદરને આ પ્રવાસમાં આવરી લેવાયાં છે.

તકનો લાભ લઇને શાળામાં ઇતિહાસના શિક્ષકે એક નવી પહેલ કરવાનું વિચાર્યું – વિદ્યાર્થીઓને વાસ્તવિક પ્રવાસે લઈ જતાં પહેલાં ડિજિટલ ટૂર પર લઈ જવાની પહેલ!

તેમણે પોતાના પીસીમાં ગૂગલ અર્થ પ્રોગ્રામ ઓપન કર્યો. તેમાં તેમણે ન્યૂ પ્રોજેક્ટ બટન ક્લિક કરીને તેને ‘કચ્છ ટૂર’ નામ આપ્યું. તેમનો આ પ્રોજેક્ટ તેમના ગૂગલ ડ્રાઇવ એકાઉન્ટમાં આપોઆપ સેવ થઈ ગયો છે.

હવે તેમણે ગૂગલ અર્થમાં તેમની શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં જે જે સ્થળોની મુલાકાત લેવાના છે તેનાં લોકેશન શોધીને તેને પોતાના પ્રોજેક્ટમાં ઉમેરવાનું શરૂ કર્યું. શાળાના વિદ્યાર્થીઓને તેમણે આ પ્રોજેક્ટમાં ‘કોલાબોરેટર’ તરીકે ઉમેર્યા.

હવે આ વિદ્યાર્થીઓ, તેઓ થોડા દિવસ પછી જે સ્થળો જોવા જવાના છે એ સ્થળો વિશે ગૂગલ અર્થમાં અને ઇન્ટરનેટ પર અન્ય સ્થળે વધુ માહિતી સર્ચ કરીને તેને ગૂગલ અર્થના પ્રોજેક્ટમાં જે તે સ્થળમાં ઉમેરવાનું શરૂ કરશે.

જેમ કે ભૂજના આયના મહેલ વિશેની તસવીરો, વીડિયો, તેના ઇતિહાસ સંબંધિત લખાણ વગેરે બાબતો સર્ચ કરીને આ પ્રોજેક્ટમાં ઉમેરી શકશે.

પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા પછી તેને અન્યો સાથે સહેલાઇથી શેર કરી શકાશે. હાલમાં આ રીતે માત્ર પીસી પર એટલે કે ગૂગલ અર્થના વેબ વર્ઝનમાં પોતાની રીતે પ્રોજેક્ટ ટૂર કે સ્ટોર ક્રિએટ કરી શકાય છે, હા તેને જોવાનું કોઈ પણ ડિવાઇસમાં શક્ય છે.

જો તમે ગૂગલ અર્થના નવા વર્ઝનમાં થોડા ઊંડા ઊતર્યા હશો તો તમે જાણતા હશો કે તેમાં ‘વોયેજર’ નામે એક અદભુત સુવિધા ઉમેરાઈ છે. (વોયેજરમાં દાંડીયાત્રા કરવા વિશે જુઓ આ લેખ)

આ સુવિધામાં અત્યાર સુધી ગૂગલ તરફથી આમંત્રિત ક્રિએટર્સ આપણી પૃથ્વીની અનેકવિધ રોમાંચક બાબતો વિશે ટુર્સ ક્રિએટ કરી શકતા હતા, જે યૂઝર તરીકે આપણે માત્ર જોઈ શકતા હતા. હવે ગયા વર્ષથી આવેલા સુધારા મુજબ ગૂગલ અર્થમાં કોઈ પણ વ્યક્તિ પોતાની રીતે મનગમતી અને માહિતીપ્રદ ટુર ક્રિએટ કરી શકે છે અને અન્યો સાથે શેર કરી શકે છે!


તમે આવું કોઈ કોલાબોરેટિવ વર્કિંગ માટેનું ટૂલ ઉપયોગ કરતા હો, તો તમારા અનુભવો નીચે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here