જો તમે જીવનની ત્રીસી કે ચાલીસીમાં પ્રવેશી ગયા હશો તો એક વાતની સતત દ્વિધા અનુભવતા હશો – ઇન્ટરનેટ અને સ્માર્ટફોન તમારા સંતાન માટે સારાં છે કે ખરાબ?

હમણાં આ દ્વિધામાં એક નવી ચિંતા ઉમેરાઈ છે – બ્લુ વ્હેલ ચેલેન્જ!

નબળા મનના ટીનએજર્સને નિશાન બનાવતી બ્લુ વ્હેલ, ઇન્ટરનેટની સંખ્યાબંધ કાળી બાજુમાંની એક છે. એ કોઈ એક ગેમ, એપ કે વેબસાઇટ નથી, પણ સોશિયલ મીડિયા અને ચેટગ્રૂપ્સના માધ્યમથી નબળા મનના લોકોને જોખમી અને ઘાતક બાબતો તરફ દોરી જતા, વિકૃત મનના લોકોની નવી પ્રવૃત્તિ છે, જે ઇન્ટરનેટ પર વાઇરલ બની રહી છે.

આ બ્લુ વ્હેલ કે તેના જેવી બીજી બાબતો ટેક્નોલોજીની એવી લીટી છે, જેને આપણે ભૂંસી શકવાના નથી. આપણે આપણા દીકરા-દીકરીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવી શકવાના નથી.

ઇન્ટરનેટ પરની બ્લુ વ્હેલ ચેલેન્જ કે તેના જેવી બીજી જોખમી બાબતોની આડઅસર ઓછી કરવી હોય તો એક જ ઉપાય છે, આપણે બીજી મોટી લીટી દોરવી!

મા-બાપ તરીકે તમે પોતે પોતાના સ્માર્ટફોનમાં પરોવાયેલાં રહેતાં હો, તો થોડો સમય ફાળવીને, નીચે આપેલી સાઇટ્સ તમારા દીકરા-દીકરી સાથે જોવાનું શરૂ કરો. પેલી બ્લુ વ્હેલ તમારા પરિવારની નજીક પણ ફરકશે નહીં એની ગેરંટી!


geo-fs.com પર તમે આખી દુનિયાનાં કેટલાંય જુદાં જુદાં સ્થળો પર જાતે પ્લેન ઊડાવવાનો અને પ્લેનની બારીમાંથી નીચે દેખાતાં ફોટો-રીયલિસ્ટિક દૃશ્યો જોવાની મજા માણી શકો છો! આ અફલાતૂન ફ્રી સર્વિસનો ઉપયોગ શરૂઆતમાં કદાચ મુશ્કેલ લાગશે, તમારે એના પર માસ્ટરી કેળવતાં થોડા કલાક આપવા પડશે, પણ એ જ તો આપણો હેતુ છે! આ સાઇટ, ટેકનોલોજી કેવી ‘ઊંચાઈ’એ પહોંચી છે એનો અનુભવ કરાવશે. (વધુ જાણો આ લેખમાં – આકાશમાંથી વિશ્વદર્શન કરાવતી અનોખી વેબસાઇટ)


airpano.com પર તમે દુનિયાની અસંખ્ય કુદરતી કે માનવસર્જિત અજાયબીઓને બિલકુલ નવી નજરે જોઈ શકો છો. અમુક રશિયન ફોટોગ્રાફર્સે દુનિયાનાં અસંખ્ય સ્થળોની અફલાતૂન, એરિયલ ફોટોગ્રાફી કરીને 360 ડીગ્રી પેનોરમા તૈયાર કર્યા છે, જે જોઈને કદાચ અમિતાભ બચ્ચન પણ કહે કે કુછ ઘંટે તો ગુજારીએ ઇસ સાઇટ પર! બ્લુ વ્હેલનો જન્મદાતા કોઈ રશિયન હોવાનું કહેવાય છે, આ ફોટોગ્રાફર્સ પણ રશિયન છે, જેમણે ઇન્ટરનેટનો જુદો ઉપયોગ કર્યો છે (વધુ જાણો આ લેખમાં – અલૌકિક સૃષ્ટિનો અદભુત પ્રવાસ)


સોશિયલ ‘ફ્રેન્ડ્સ’ સાથે તો ઘણી સેલ્ફી શેર કરી, હવે ફેમિલી ફોટોઝ photos.google.com પર પ્રાઇવેટલી અપલોડ કરો અને પરિવારના જીવતા-જાગતા, સ્વજન સાથે જૂની યાદો તાજી કરી જુઓ. આ સર્વિસમાં, કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફી ટેક્નોલોજીની એવી ઘણી કરામતો છે, જેનો તમે લાભ નહીં લેતા હો. (વધુ જાણો આ લેખમાં – ગૂગલ ફોટોઝઃ આપણા તમામ ફોટોઝનું એક કાયમી સરનામું! અને કમ્પ્યુટેશનલ ફોટોગ્રાફીની કરામત)


તમારા ડિજિટલ ફોટોગ્રાફ્સને મોબાઇલની ચીલાચાલુ એપ્સથી ઘણી ઇફેક્ટ આપી હશે, હવે એક ફ્રેન્ચ ટેલિકોમ કન્સલ્ટન્ટે નિજાનંદ માટે બનાવેલ ‘ફોટોસ્કેચર’ (fotosketcher.com/) સોફ્ટવેર ડાઉનલોડ કરી જુઓ. બીજા સીત્તેર લાખ લોકોની જેમ, આ સોફ્ટવેરની મદદથી તમે પણ તમારી તસવીરોને સુંદર મજાના, ખરેખર કલાત્મક આર્ટવર્કમાં ફેરવી શકો છો. (વધુ જાણો આ લેખમાં – સોફ્ટવેર ડાઉનલોડ કરો, પેઇન્ટર બની જાઓ!)


તમારું સંતાન ઇન્ટરનેટ પર તેની એકાકી અને જોખમી દુનિયામાં ખોવાઈ જાય તે પહેલાં, આ બધું સાથે જોઈ-માણી જુઓ – ઘણી બધી રીતે લાભમાં રહેશો.

‘સાયબરસફર’માં આવી સંખ્યાબંધ સાઇટ્સ, સર્વિસ વિશે અગાઉ આપણે મુદ્દાસર વાત કરી છે, પણ અત્યારના સમયમાં એ બધું ફરી યાદ અપાવવું જરૂરી લાગ્યું!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here