કેવી રીતે તૈયાર થાય છે ગૂગલ અર્થ માટે ઇમેજ અને ૩ડી મોડેલ્સનો ડેટાબેઝ?

આપણી પૃથ્વીના અરીસા જેવા ગૂગલ અર્થ પ્રોગ્રામમાં હવે તો આખેઆખાં શહેરોનો ૩ડી સ્વરૂપમાં જોઈ શકાય છે. આવો જાણીએ, આ રોમાંચક સર્જનાત્મકતાની અંદરની વાતો!


નોંધઃ મે ૩૧, ૨૦૧૯ સુધી આ લેખ લોગ-ઇન વિના વાંચી શકાશે. લેખ ગમે તો આપના મિત્રોને શેર કરશો!

આગળ શું વાંચશો?

  • કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ?

  • આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી

  • ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે?

  • પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ

‘સાયબરસફર’માં ગૂગલ અર્થ પ્રોગ્રામ વિશે અત્યાર સુધીમાં ઘણું બધું લખાયું છે.

૧૮ વર્ષ પહેલાં, વર્ષ ૨૦૦૧માં ‘અર્થવ્યૂઅર’ નામે તેની શરૂઆત થઈ, પછી જૂન ૨૦૦૫માં ગૂગલ અર્થ નામે તે સર્વિસ ફરી લોન્ચ થઈ. એ સમયે તેને કમ્પ્યુટરમાં ડાઉનલોડ કરીને તેનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારથી શરૂ કરીને ગયા વર્ષે તેનું બિલકુલ નવું વેબ વર્ઝન અને એપ્સ લોન્ચ થયાં ત્યાં સુધી ગૂગલ અર્થનાં ઘણાં રોમાંચક પાસાંનો આપણે પરિચય મેળવતા રહ્યા છીએ.

ગૂગલ અર્થમાં ૩ડી ઇમેજીસ

ગૂગલ અર્થમાં પૃથ્વીની સેટેલાઇટથી લેવાયેલી તસવીરો અને કમ્પ્યુટરની કરામતથી સર્જાયેલાં ૩ડી મોડેલ્સની ગજબની ભેળસેળ છે. આપણી આ મજાની દુનિયાના અરીસા જેવા આ પ્રોગ્રામ વિશે, તે કેવી રીતે તૈયાર અને અપડેટ થાય છે, ખાસ તો તેમાં જે રીતે આખેઆખાં શહેરો ૩ડી સ્વરૂપે જોવા મળે છે તેના સર્જન વિશે ગૂગલના જ ડેવલપર્સ પાસેથી જાણવાની મજા જુદી જ છે.

ગૂગલની ક્રિએટિવ લેબનાં ક્રિએટિવ ડિરેક્ટર, રાઇટર અને ફિલ્મમેકર નતાલી ડેનિસ, ગૂગલમાં તેમની પહોંચનો ઉપયોગ કરીને, રોજબરોજની ટેક્નોલોજી વિશેની આપણી જિજ્ઞાસા સંતોષતા અનેક વીડિયો તૈયાર કરે છે અને યુટ્યૂબ પર ‘નેટ એન્ડ ફ્રેન્ડ્સ’ નામની તેમની ચેનલ પર અપલોડ કરે છે.

અહીંથી આગળ, આપણે એમણે જ તૈયાર કરેલા એક વીડિયોની મદદથી, ગૂગલ અર્થ વિશે અનેક નવી વાતો જાણીએ.

પચાસેક વર્ષ પહેલાં એપોલો ૮ નામનું અવકાશયાન પૃથ્વી પરથી ચંદ્રની સફરે નીકળ્યું ત્યારે તેમાંના એક અવકાશયાત્રીએ બિલ એન્ડર્સે યાનમાંથી દેખાતી આપણી પૃથ્વીની એક અદભુત તસવીર લીધી. પૃથ્વીથી લગભગ ૨,૪૦,૦૦૦ માઇલ દૂરથી લેવાયેલી એ તસવીર માનવજાત માટે એક અજોડ સંભારણું બની ગઈ.

‘અર્થરાઇઝ’ નામથી વિખ્યાત બનેલી એ તસવીરમાં આપણી પૃથ્વી લીલા, વાદળી અને સફેદ રંગના અત્યંત સુંદર, મોટા લખોટા રૂપે આકાશમાં ઉદય પામતી દેખાતી હતી.

તમને પણ કદાચ ચંદ્ર પર જઈને પૃથ્વીનું એ મનમોહક સ્વરૂપ જોવાની તક મળે તો તમે ચોક્કસ ઝડપી લો, પણ કદાચ તમારી પાસે અવકાશયાન ન હોય, ઓફિસમાંથી રજા મળી શકે તેમ ન હોય તો અફસોસ ન કરશો!

હવે ફ્કત એક ક્લિકની મદદથી તમે એ જગ્યાએથી જ પૃથ્વીને જોઈ શકો છો, તમારા કમ્પ્યુટર કે સ્માર્ટફોનના સ્ક્રિન પર.

આ છે આપણી પૃથ્વી. અદભુત શબ્દ પણ નાનો પડે એવી, પૂરા ૫૧.૦૧ કરોડ ચોરસ કિલોમીટરમાં પથરાયેલી પૃથ્વી. એક જીવનમાં તો એ આખી ફરી શકવાનું શક્ય જ નથી પણ આપણી મદદે આવ્યું છે ગૂગલ અર્થ.

ગૂગલ મેપ્સ તો હવે આપણે ડગલે ને પગલે વાપરતાં થઈ ગયા છીએ. એ એક એવી એપ છે, જે તમને રસ્તો શોધી આપે છે અને ગૂગલ અર્થ એવી એપ છે, જેમાં તમે ખોવાઈ જશો!

ગૂગલ અર્થ છે શું એ સમજવું હોય તો એને સાદી ભાષામાં આપણા પૃથ્વી ગ્રહની ખૂણાખાંચરાની વાસ્તવિક, જીવંત લાગતી તસવીરોનું એક સૌથી વિશાળ ડિજિટલ આલબમ કહી શકીએ.

ગૂગલ અર્થ જાણે પૃથ્વીનો અરીસો છે, એમાં તમે ધરતીનો કોઈ પણ ખૂણો ઘેરબેઠા જોઈ શકો છો અને વર્ચ્યુઅલી, ખૂંદી શકો છો. પહાડો-નદીઓથી માંડીને શહેરો, જંગલોથી લઈને સમુદ્રના તળિયે પણ છલાંગ મારી શકો છો.

ગૂગલ અર્થને હમણાં દાયકો પૂરો થયો. આપણી પૃથ્વી જેમ જેમ બદલાઈ રહી છે તેમ તેમ ગૂગલ અર્થ પ્રોગ્રામ પણ વર્ષોવર્ષ સતત વિકસતો રહ્યો છે. એમાંની ઇમેજરીની ગુણવત્તા વધુ ને વધુ સારી બની રહી છે. ગૂગલ અર્થ જોઈએ ત્યારે થાય તો ખરું કે આ આલમબ બન્યું છે કેવી રીતે? એમાં ખરેખર કેટલી ઇમેજ હશે, એ બધી ક્યાંથી, કેવી રીતે ભેગી કરવામાં આવતી હશે એવા સવાલો મનમાં સળવળતા રહે.

ગૂગલ અર્થ ટીમ સાથે સંકળાયેલા બે ડેવલપર્સ, અર્થના પ્રોડક્ટ મેનેજર ગોપાલ શાહ અને કેવિન આપણા આ સવાલોના જવાબ આપે છે!

કેવી રીતે તૈયાર થાય છે પૃથ્વીનું ડિજિટલ સ્વરૂપ?

શરૂઆત કંઈક આ રીતે થાય છે… પહેલાં તો ગૂગલ અર્થમાં કયા સ્થળની ઇમેજીસ ઉમેરવી છે તે નક્કી થાય, તે પછી તેની જુદી જુદી રીતે તસવીરો લેવાય. પહેલી રીત સેટેલાઇટ્સની છે. સેટેલાઇટ્સ તમને ગ્લોબલ વ્યૂ આપે છે. બીજી રીત આપણે માટે નવાઈભરી છે.

ગૂગલ અર્થમાં જમીન તરફ આપણે ઝૂમ કરતા જઈએ તેમ તે સંખ્યાબંધ શહેરો અને અન્ય વિસ્તારો એવા જોવા મળે જેની ૩ડી ઇમેજીસ પણ જોવા મળે છે. આ તબક્કે ગૂગલ અર્થ આપણને મકાનો, દુકાનો, બાગબગીચા, મ્યુઝિયમ જે પણ હોય, એની ઝીણીમાં ઝીણી વિગતો બતાવે છે.

એ કઈ રીતે? તો એના માટે નાનાં વિમાનો ઉપયોગમાં આવે છે. ૩ડી તસવીરો લેવામાં સેટેલાઇટની અમુક મર્યાદા હોય છે એટલે જેને આપણે નાનકડી પાંખવાળી સ્ટ્રીટવ્યૂ કાર કહી શકીએ એવાં નાનાં વિમાનોનો ઉપયોગ થાય છે, જે ગલીએ ગલીની અંદરની તસવીર લઈ શકે.

આ વિમાનમાંથી કેમેરાની મદદથી ૩ડી તસવીરો લેવામાં આવે. પણ આ કામ એટલું સહેલું નથી.

એમાં સૌથી મોટી મુશ્કેલી છે હવામાનની. વાદળાં, વરસાદ કે ધુમ્મસ હોય ત્યારે બહુ તકલીફ પડે. આકાશ ચોખ્ખું હોય તો કામ ઝડપથી થાય. જેમ કે લંડન શહેરની ૩ડી ઇમેજીસ તૈયાર કરવામાં ગૂગલ અર્થ ટીમને સૌથી વધુ મુશ્કેલીઓ નડી.

કોઈ એક જગ્યાની તસવીર લેવાની હોય તો વિમાન એક બાજુએથી બીજી બાજુ જાય અને ફોટા ક્લિક કરી લે એવું નથી. સામાન્ય રીતે એક જ સ્થળ પર પાંચેક કલાક સુધી વિમાન ઊડાડીને ફોટોગ્રાફી કરવામાં આવે છે.

કોઈ મોટું ખેતર ખેડવામાં આવે કે બગીચામાં લોન મશીનથી કાપવામાં આવે, અદ્દલ એ જ રીતે જે તે સ્થળ પર વિમાન ઊડાડીને જુદા જુદા એંગલથી ફોટોગ્રાફી કરવામાં આવે છે, એ પણ એવી રીતે જેથી આ ઇમેજીસ એકબીજા  પર ઓવરલેપ થાય. વિમાનમાં એક ઉપર, એક નીચે, એક આગળ, એક પાછળ અને એક વચ્ચે એમ પાંચેક કેમેરા મળીને ઘણી બધી તસવીરો ક્લિક કરે. પછી એ ઢગલાબંધ તસવીરોને એક પછી એક ક્રમમાં મુકાય.

આગળની કરામત ‘ફોટોગ્રામેટ્રી’થી

પછી ‘ફોટોગ્રામેટ્રી’ નામે ઓળખાતું એક અલ્ગોરિધમ પોતાની કરામત શરૂ કરે. જોકે ગોપાલ કહે છે કે આ માત્ર એક ફેન્સી શબ્દ છે, મૂળ મુદ્દો એ જ છે કે પ્લેનમાંથી લેવાયેલી તમામ તસવીરોને એકમેક સાથે યોગ્ય રીતે જોડીને પછી એમાંથી ૩ડી મોડેલ તૈયાર કરવા માટે ફોટો એડિટિંગ કરવામાં આવે. એ માટે ફોટોઝમાં કાપકૂપ કે સુધારાવધારા કરાય. વાદળાંનો પડછાયો દેખાતો હોય તેને હટાવી દેવામાં આવે, મકાનોના રંગ જેવા હોય તેવા જ દેખાય એ જોવામાં આવે, કેટલાંક શહેરોમાં તમને રસ્તા પર કાર પણ નહીં દેખાય કેમ કે તે પણ એડિટિંગમાં કાઢી નાખવામાં આવે છે.

પછી શરૂ થાય છે ૩ડી સાયન્સ. છેલ્લાં થોડાં વર્ષમાં ગૂગલ અર્થમાં કમ્પ્યુટર વિઝન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થયો છે. તેની મદદથી, એકબીજા પર ઓવરલેપ થતી તસવીરોના કયા ભાગ બિલકુલ સરખા છે એ તપાસવામાં આવે છે. આવી અઢળક તસવીરોને કમ્પ્યુટર એક પછી એક ચેક કરે અને એમાં એકસરખા ફીચર્સ હોય તે જુએ અને પછી તેને એકબીજા સાથે એવી રીતે સાંધી દે કે આપણે એક સળંગ તસવીર જોઈ શકીએ.

પ્લેનમાંથી લેવાયેલી તમામ તસવીરોને એકમેક સાથે યોગ્ય રીતે જોડીને પછી એમાંથી ૩ડી મોડેલ તૈયાર કરવા માટે ફોટો એડિટિંગ કરવામાં આવે.

કોઈ એક તસવીર લેતી વખતે કેમેરા ક્યાં હતો અને કયા એંગલથી એ તસવીર લેવાઈ છે તેનો અંદાજ ગૂગલ અર્થની ટીમ એક ખાસ જીપીએસ એન્ટેનાથી મેળવે છે. એનાથી તેમને એ જગ્યાની ઊંડાઈ કેટલી છે તે જાણવા મળે છે એટલે કે કોઈ મકાન કેટલું ઊંચું છે તેનો ખ્યાલ આવે. પછી એ રીતે બધા જ કેમેરાથી એ જગ્યાની જુદી જુદી ઊંડાઈનો નકશો તૈયાર કરીને તેને એક પછી એક જોડી દેવામાં આવે છે એટલે કે એ જગ્યાને ૩ડી જાળીને ફેલાવીને મૂકી હોય એમ લાગે.

પછી, જેમ આપણે પૂંઠાં કાપીને એમાંથી દીવાલો, છત વગેરે જોડીને કોઈ મકાન બનાવીએ, કંઈક એવી જ રીતે તસવીરોને પેલી ૩ડી જાળીથી બનતાં જુદાં જુદાં પાસાં પર ‘ચોંટાડી’ને ઇમારતોનાં ૩ડી મોડેલ્સ તૈયાર થાય છે.

આ કામ ત્યારે બહુ મુશ્કેલ બને, જ્યારે વાત આવે ઝાડપાનનાં ૩ડી મોડેલ બનાવવાની. વૃક્ષની એક એક ડાળી-પાંદડાં બધું ડિજિટલી બતાવવું શક્ય નથી. એટલે કેટલીક વાર આપણને ઝાડનો આકાર લોલીપોપ જેવો દેખાય છે, પણ એમાંય સુધારો આવી રહ્યા છે. અર્થની ટીમે, કુદરતી આકારોનાં આબેહૂબ ૩ડી, ડિજિટલ મોડેલ તૈયારક કરવામાં ખાસ્સી પ્રગતિ કરી લીધી છે.

ગૂગલ અર્થ ક્યારે ક્યારે અપડેટ થાય છે?

આ તો કોઈ ચોક્કસ સ્થળની વાત થઈ, પણ ગૂગલ અર્થને જ્યારે આપણે અવકાશમાંથી જોતા હોઈએ એ રીતે, અર્થમાં એક સળંગ, વિશાળ ગોળાકાર સ્વરૂપે જોઈએ ત્યારે સહેજે સવાલ થાય કે આવું ડિજિટલ વિઝ્યુઅલાઈઝેશન તૈયાર કરવા માટે કેટલી તસવીરો લેવી પડી હશે?

ગૂગલ અર્થ પર, આખી પૃથ્વી દેખાય એ સ્તર ‘પ્રીટી અર્થ’ (સુંદર પૃથ્વી) તરીકે ઓળખાય છે. તે તૈયાર કરવા માટે પૂરી સાત લાખ તસવીરોનો ઉપયોગ થયો છે, જે બધી જ સેટેલાઇટની મદદથી લેવામાં આવી છે. આ સ્તર તૈયાર કરવા માટે જેના પિક્સેલ સૌથી સારા હોય તેવી તસવીરો પસંદ કરાય છે. એટલે તમે જ્યારે ગૂગલ અર્થ પર આખી પૃથ્વીને જુઓ તો તમને બધે હરિયાળી જ દેખાશે.

કુલ ૮૦૦ અબજ પિક્સેલથી બનેલી આ આખી રચના એક તસવીર ગણીએ તો તેને હોમ પ્રિન્ટર પર (એટલે કે ૩૦૦ કે ૬૦૦ ડોટ પર ઇંચ (ડીપીઆઇ) ધરાવતા પ્રિન્ટર પર) પ્રિન્ટ કરવા માટે આખા એક શહેર કોઈ મોટા વિસ્તાર જેવડો કાગળ જોઈએ! આ તસવીરને ફક્ત એક કમ્પ્યુટર પર પ્રોસેસ કરવી હોય તો ૬૦ વર્ષ લાગી જાય.

આ તો ગૂગલ અર્થના ફક્ત એક સ્તર, એક લેવલની વાત થઈ. અર્થમાં આવાં વીસ જેટલાં લેવલની ઇમેજીસ જોઈ શકાય છે, જેને આપણે માઉસના સ્ક્રોલ બટનથી, આંગળીના હળવા ઇશારે ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરી શકીએ છીએ. જેમ રશિયન ઢીંગલીઓ એકની અંદર બીજી, બીજીની અંદર ત્રીજી એ રીતે ગોઠવાયેલી હોય છે એ જ રીતે ગૂગલ અર્થમાં એક પછી એક લેયર ઉઘડતાં જાય છે અને આપણે જુદા જુદા સ્તરેથી પૃથ્વી જોઈ શકીએ છીએ.

પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અર્થ

આપણે જ્યાં રહેતા હોય ત્યાં છ મહિનામાં જ કેટલા બધા ફેરફાર થઈ જતા હોય છે, તો ગૂગલ અર્થ પર પણ એ ફેરફારો દેખાવા જોઈએ. એ તસવીરો ક્યારે અપડેટ થાય છે એ સવાલ પણ થાય. જવાબમાં ગોપાલ કહે છે કે ગૂગલ અર્થ પર સમગ્ર પૃથ્વી ગ્રહની સેટેલાઇટથી લેવાયેલી તસવીરોને બેક વર્ષમાં એક વાર અપડેટ કરાય છે. મોટાં શહેરોની, નજીકના લેવલેથી લેવાયેલી તસવીરો એકાદ વર્ષમાં અપડેટ કરી લેવાય છે.

એટલે જ, ગૂગલ અર્થ પર પૃથ્વીમાં સમયાંતરે કેવા ફેરફારો થઈ રહ્યા છે તે પણ જોઈ શકાય છે. એ માટે અર્થ એન્જિન તરીકે ઓળખાતી ટેક્નોલોજી કામે લગાડવામાં આવે છે, જેની મદદથી આ ગૂગલ અર્થના તમામ ડેટા પર નજર રાખીને તથા કમ્પ્યુટર વિઝનનો ઉપયોગ કરીને, પૃથ્વી પર ક્યાં કેવા ફેરફાર થઈ રહ્યા છે તે ટ્રેક કરી શકાય છે.

જેમ કે એમેઝોનનાં જંગલો ઘટી રહ્યાં છે, ક્યાં વૃક્ષો ઘટી રહ્યાં છે, ક્યાં વધી રહ્યાં છે… અર્થના ડેટાના આધારે પૃથ્વીનો એક હીટ મેપ પણ તૈયાર થઈ શકે છે. કયા વિસ્તારોમાં વધુ પડતી માછીમારી થઈ રહી છે એ પણ જાણી શકાય છે… એ રીતે જોઈએ તો, ગૂગલ અર્થને આપણે પૃથ્વીનું હેલ્થ મોનિટર કહી શકીએ.

ગૂગલ અર્થ જોતાં, જે રીતે ધરતીના પટ પર અને પેટાળમાં ફેરફારો થઈ રહ્યા છે તે જોઈને આપણને ખ્યાલ આવે કે આપણી પૃથ્વી બીજા ગ્રહો જેવી નિર્જીવ નથી, એ તો એક જીવંત, ધબકતો, વિશાળ ગ્રહ છે. બરાબર એ જ રીતે, ગૂગલ અર્થ પ્રોગ્રામ પણ સ્ટેટિક કે સ્થિર નથી. એ સતત પૃથ્વીનાં પરિવર્તનો ઝીલે છે અને આપણને બતાવે છે.

ગૂગલ અર્થ પર એક ફીચર ખાસ જોવા જેવું છે – ‘આઇ એમ ફીલિંગ લકી.’ તમારે એમાં બતાવેલા પાસા પર ક્લિક કરવાનું અને પછી એ તમને લઈ જશે દુનિયાના એવા એવા ખૂણે, જ્યાંથી કદાચ પાછા આવવાનું મન નહીં થાય.

તો તૈયાર છોને ગૂગલ અર્થ પર ખોવાઈ જવા! ‘સાયબરસફર’માં આ રીતે આપણે ગૂગલ અર્થનાં અનેક અદભુત પાસાંનો પરિચય કરતા રહીશું.

ગૂગલ અર્થની ઇમેજીસ તૈયાર કરવાનાં સામાન્ય પગલાં

1

સેટેલાઇટથી તસવીરો

અર્થમાં દૂરથી પૃથ્વીની જે ઝલક જોવા મળે છે તે બધી જ તસવીરો સેટેલાઇટથી લેવાયેલી છે. કુલ સાતેક લાખ તસવીરોથી આ આખી ઇમેજરી સર્જાઈ છે.

2

પ્લેનમાંથી ફોટોગ્રાફી

જ્યારે અર્થમાં આપણે ઝૂમ-ઇન કરીએ ત્યારે શહેરોના ખૂણે ખૂણા જોઈ શકાય છે. તેની ઇમેજરી તૈયાર કરવા માટે પ્લેનની મદદથી ફોટોગ્રાફી કરવામાં આવે છે.

3

એક જ વિસ્તારની વારંવાર ફોટોગ્રાફી

જેમ ખેતર ખેડાય બરાબર એ રીતે પ્લેન આકાશમાં જે તે વિસ્તાર પર વારંવાર ફરીને જુદા જુદા એંગલથી અનેક તસવીરો લે છે.

4

ઓવરલેપ થતી ઇમેજીસ

આ રીતે લેવાતી દરેક તસવીર એકમેક પર ઓવરલેપ થાય તેનું ધ્યાન રાખવામાં આવે છે. ઉપલી તસવીરમાં આવી ઓવરલેપ થતી ફ્રેમ જોઈ શકાય છે.

5

ઇમેજીસનું એડિટિંગ

ત્યાર પછી દરેક તસવીરનું પ્રકાશ, રંગ વગેરે દૃષ્ટિએ કાળજીપૂર્વક એડિટિંગ કરવામાં આવે છે. શહેરોમાં રસ્તા પરની કાર જેવાં વાહનો ‘ભૂંસી’ નાખવામાં આવે છે.

6

ઓવરલેલ્ડ તસવીરોને જોડવી

ઓવરલેપ થતી તસવીરોના એક સરખા ભાગ કમ્પ્યુટર વિઝનથી સરખાવીને આખી એક તસવીર બને એ રીતે બધી તસવીરને જોડવામાં આવે છે.

7

જે તે સ્થળનો ‘ડેપ્થ મેપ’ તૈયાર કરવો

દરેક તસવીર કયા એંગલ અને એ ક્યાંથી લેવામાં આવી તેના આધારે શહેરની ઇમારતો દર્શાવતા ‘ડેપ્થ મેપ’ તૈયાર કરવામાં આવે છે, તેની એક જાળી જેવી રચના બને છે.

8

૩ડી મોડેલ્સની રચના

આપણે કાગળને ફોલ્ડ કરીને ખોખું બનાવીએ તે રીતે, ‘ડેપ્થ મેપ’ના આધારે આખા શહેરની તસવીરના કાપી-કૂપી, ફોલ્ડ કરી, ૩ડી મોડેલ્સ રચવામાં આવે છે!


 

ગૂગલ અર્થ વિશે વધુ જાણો આ લેખોમાં

૧. માઉસની પાંખે, ચાલો વિશ્વપ્રવાસે

૨. ગૂગલ અર્થ : નવા વધુ રોમાંચક સ્વરૂપે


 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here