ઘણાં સ્માર્ટફોનના કેમેરા સ્પેસિફિકેશનમાં ‘ઇઆઇએસ‘ લખેલું હોય છે તે શું છે?

સવાલ મોકલનાર : હરીશ ખત્રી, અંજાર, કચ્છ

ઇઆઇએસનું આખું નામ છે ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશન. આમ તો ઇમેજ સ્ટેબિલાઇઝેશન એક બહોળો વિષય છે અને તે ઘણી બાબતોને લાગુ પડે છે, પરંતુ આપણે સ્માર્ટફોન પર ફોકસ રાખીએ તો તમારો અનુભવ હશે કે સ્માર્ટફોનથી ફોટોગ્રાફી કરતી વખતે કે વીડિયો લેતી વખતે આપણો હાથ સંપૂર્ણ સ્થિર રહી શકતો નથી. આ કારણે ઇમેજ કે વીડિયો કોઈ સમયે થોડા બ્લર્ડ એટલે કે ધૂંધળા લાગે એવું બની શકે છે.

આના ઉપાય તરીકે સ્માર્ટફોનના કેમેરા માટે ઇમેજ સ્ટેબિલાઇઝેશન ટેકનિકનો ઉપયોગ થાય છે.

પ્રમાણમાં ખાસ્સા મોંઘા સ્માર્ટફોનમાં ઓપ્ટિકલ ઇમેજ સ્ટેબિલાઇઝેશન (ઓઆઇએસ) તરીકે ઓળખાતી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. તેમાં ફોટોગ્રાફ લેતી વખતે હાથની મૂવમેન્ટ થાય ત્યારે કેમેરાના લેન્સને એ પ્રમાણે, હાથની મૂવમેન્ટથી ઊંધી દિશામાં આપોઆપ એડજસ્ટ કરવાની વ્યવસ્થા કરવામાં આવી હોય છે. આ વ્યવસ્થા હાર્ડવેર આધારિત છે અને તેથી તે મોંઘી હોવાથી માત્ર ફ્લેગશિપ સ્માર્ટફોન્સમાં ઓઆઇએસ ફીચર જોવા મળે છે.

પંદરેક હજારની આસપાસની કિંમત ધરાવતા મીડ-બજેટ સ્માર્ટફોનમાં ઇલેક્ટ્રોનિક ઇમેજ સ્ટેબિલાઇઝેશનનું ફીચર હોય છે. તેમાં કેમેરાના જાયરોસ્કોપ સેન્સરની મદદથી, ખાસ કરીને વીડિયો લેતી વખતે હાથનું હલન ચલન ધ્યાનમાં લઇને એ મુજબ સોફ્ટવેરની મદદથી વીડિયો કેપ્ચરિંગમાં જરૂરી ફેરફાર કરીને તેની શાર્પનેસ જાળવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જો તમે સ્માર્ટફોનથી સારા ફોટોગ્રાફ લેવા માગતા હો તો તેમાં કમસેકમ ઇઆઇએસ ફીચર હોય તે સુનિશ્ચિત કરી લેશો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here