જ્ઞાન આપવાની નહીં, જ્ઞાનની ભૂખ જગાવવાની પહેલ, પૂરા કરે છે ૭૫ અંક!

આ અંક સાથે, આપણી આ સહિયારી સફર એક નવા, રોમાંચક પડાવે પહોંચી છે. ‘સાયબરસફર’નો આ ૭૫મો અંક છે!

એક નાની અખબારી કોલમ દર મહિને ૪૮ પેજના સામયિકનું સ્વરૂપ લે એ જ મોટી વાત હતી. એમાંય વિશ્વભરમાં પ્રિન્ટેડ સામયિકોની આજે જે સ્થિતિ છે એ જોતાં, એક ચોક્કસ વિષય પર આધારિત આ મેગેઝિન ૭૫ અંક પૂરા કરી શકે એ પણ મોટી વાત છે!

આ સફળતાનાં બે જ કારણ છે – આ વિષયની જરૂરિયાત અને આપ સૌ વાચકોનો પ્રેમ! આજના સમયમાં સ્માર્ટફોન, કમ્પ્યુટર અને ઇન્ટરનેટ વિના લગભગ કોઈને ચાલે તેમ નથી એ તો ખરું, આનંદ એ વાતનો છે કે ગુજરાતી પરિવારોએ તેનું મહત્ત્વ પારખ્યું છે અને ‘સાયબરસફર’ને સતત પ્રોત્સાહન આપ્યું છે.

આજે સફરના આ નવા પડાવે આપની પાસે એક અપેક્ષા છે. ‘સાયબરસફર’ વધુમાં વધુ શાળાઓ અને કોલેજના વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડી શકાય એ માટે આપનાં સૂચનો આપશો.

આટલા અંકોમાં આપ એટલું તો જરૂર સમજ્યા હશો કે ‘સાયબરસફર’ જ્ઞાન આપવાની નહીં પણ જ્ઞાનની ભૂખ જગાવવા માટેની પહેલ છે. એને આટલે સુધી પહોંચાડવા માટે આપે જે પ્રોત્સાહન આપ્યું છે એ માટે દિલથી ઋણસ્વીકાર!

– હિમાંશુ

4 COMMENTS

 1. મિત્ર હિમાંશુ,

  ઉમરમાં હું તમારા કરતા ઘણો નાનો છું, છતાં મિત્ર તરીકે સંબોધન કરું છું, કેમ કે મિત્રતાને કોઈ ઉંમર નથી હોતી.

  સાયબર સફર ના ૭૫ અંક બદલ ખુબ ખુબ શુભેચ્છાઓ. સાયબર સફરની સફર આમ જ નિરંતર ચાલતી રહે એવી પ્રાથના.

  કમ્પ્યુટરક્ષેત્રે કારકિર્દી વિષેનો લેખ બહુ જ ગમ્યો, ચંદ્ર અને ફેક એપ વિશેનો લેખ પણ સુંદર છે.

  આપે જે વધુમાં વધુ શાળા અને કોલેજના વિદ્યાર્થી સુધી અંક પહોંચાડવાની વાત કરી છે, એ ખુબ ગમી.

  સુચન અર્થે, એટલું જણાવાનું કે, પહેલા અમદાવાદની શાળાઓનો સંપર્ક કરી, ૧-૨ અંક તેમને વાંચવા આપી, પુસ્તકાલયમાં રાખી વિદ્યાર્થીઓનો અભિપ્રાય મેળવી શકાય.
  તેથી શાળા પોતે જ આવું લવાજમ ભરી શકે.

  તમારો મિત્ર.
  જગદીશ કરંગીયા
  જાપાન

  • ખૂબ ખૂબ આભાર, જગદીશભાઈ!
   આપની વાત બિલકુલ સાચી, મિત્રતાને કોઈ ઉંમર નથી હોતી અને હું એટલો સદભાગી છું કે મને દરેક વયજૂથના મિત્રો મળ્યા છે!
   અમદાવાદની અને ગુજરાતભરની શાળાઓના સંપર્ક માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે, ઉઘડતા વેકેશને અમલમાં મૂકીશું!
   આ રીતે સૂચનો આપતા રહેશો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here