હાથવગી ટેક્નોલોજીનો પૂરો લાભ લઈએ

આ અંકમાં, તમને રસ પડે એવું ઘણું બધું છે, પણ મારી ભલામણ છેલ્લા પાનાથી વાંચવાનું શરૂ કરવાની છે! આપણે કેનેડા જઈને આઉટડોર પ્લેનેટોરિમની મજા ભલે માણી ન શકીએ, લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાના જે રોમાંચક પ્રયાસો થઈ રહ્યા છે એના વીડિયો પરિવાર અને શાળાનાં બાળકોને બતાવીશું તો એમને અવકાશની સાથોસાથ ઓગમેન્ટેડ રિયાલિટીમાં પણ રસ જાગશે એ નક્કી!

વોટ્સએપમાં યુપીઆઇથી પેમેન્ટ્સની સુવિધા જ્યારે તમામ યૂઝર્સ માટે લોન્ચ થશે ત્યારે આપણા દેશમાં ડિજિટલ પેમેન્ટને ખરો વેગ મળે એવી શક્યતા છે. ભીમ, ગૂગલ તેઝ કે પેટીએમ જેવી એપ્સ આ દિશામાં ઘણી આગળ વધી છે, પરંતુ તેમના કિસ્સામાં, એપને લોકપ્રિય બનાવવાનું પ્રથમ પગથિયું જ મુશ્કેલ હતું. વોટ્સએપ માટે ૨૦-૨૫ કરોડ ભારતીયોનો વિશાળ યૂઝરબેઝ પહેલેથી તૈયાર છે! વોટ્સએપમાં પેમેન્ટ્સનું સેટઅપ સહેલું છે, પણ તેને સંબંધિત વિવિધ પાસાં સમજવાં ખાસ જરૂરી છે.

એ જ રીતે ઇન્ટરનેટ પર ફેક-બનાવટી ન્યૂઝના દૂષણને નાથવા મથતી નવી ગૂગલ ન્યૂઝ સર્વિસનો વિગતવાર પરિચય પણ તેનો પૂરો લાભ લેવામાં તમને મદદરૂપ થશે.

પરંતુ, ‘સાયબરસફર’નું લક્ષ્ય વિવિધ વેબ સર્વિસ કે એપ્સના ઉપયોગ પૂરતું સીમિત નથી. વિદ્યાર્થીઓને નવી અને હાથવગી ટેક્નોલોજીનો પૂરો લાભ લેવા માટે પ્રોત્સાહિત કરવાના આશયથી, ઝેનહેબિટ્સ બ્લોગ પર પ્રકાશિત એક લેખનો ભાવાનુવાદ આ અંકમાં આપ્યો છે. અને હા, ‘સાયબરસફર’માં આપણે જેનો પરિચય મેળવ્યો હતો એ એકલવ્ય જેવા જિમિતનો ગૂગલ ટીમે તૈયાર કરેલો વીડિયો યુટ્યૂબ પર અપલોડ થઈ ગયો છે, આ લખાય છે ત્યાં સુધીમાં ૧૮ લાખ લોકોએ તે જોઈ લીધો છે!

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here