ડિજિટલ સાધનોનો ઉપયોગ આવડે એ પૂરતું નથી

‘સાયબરસફર’માં અવારનવાર સ્પષ્ટ રીતે અથવા તો એ પ્રકારના લેખોના માધ્યમથી કહેવામાં આવે છે કે આજની સ્માર્ટ ટેક્નોલોજી એક એવી લીટી છે, જેને આપણે ક્યારેય ભૂંસીને નાની કરી શકવાના નથી. એની આપણા જીવન પર વિપરિત અસરો ઓછી કરવી હશે, તો આપણે પોતે તેનાથી મોટી લીટી દોરવી પડશે!

આ અંકમાં પણ, ટેક્નોલોજીનાં ભયસ્થાનોની વાત છે અને તેની સાથોસાથ પોતાની જિજ્ઞાસા કેવી રીતે વિસ્તારવી તેની પણ વાત છે.

એ દૃષ્ટિએ, ગૂગલ અર્થમાં ૩ડી મોડેલ્સ કેવી રીતે તૈયાર થાય છે તે સમજાવતા વીડિયો અંગેનો લેખ તથા વિકિપીડિયામાં આપણે પણ કેવી રીતે યોગદાન આપી શકીએ એ બંને લેખ ખાસ નોંધપાત્ર છે.

બીજી તરફ, વોટ્સએપમાં ખાસ કરીને ગ્રૂપ્સને કારણે રહેલાં જોખમો અને સ્માર્ટ ટેક્નોલોજીની મદદથી છેતરપીંડીની રીતરસમો વિશેના લેખ પણ મહત્ત્વના છે કેમ કે વોટ્સએપ કે મોબાઇલ વોલેટનો ઉપયોગ ભલે આપણે સૌ કરવા લાગ્યા છીએ, પણ તેનાં સારાં-નરસાં પાસાંની ઊંડી સમજ ઓછી જોવા મળે છે.

ડિજિટલ સાધનોનો ઉપયોગ કરતાં આવડે એ એક વાત છે, પણ આપણે ડિજિટલી અવેર – જાગૃત હોઈએ એ તદ્દન બીજી વાત છે.

અને હા, ‘સાયબરસફર’ની વેબસાઇટ હવે પ્રોગ્રેસિવ વેબ એપ તરફ આગળ વધી છે એટલે તમે સાઇટના લેખો ઓફલાઇન હો ત્યારે પણ વાંચી શકશો, કેવી રીતે – એની વાત લેખમાં વિગતવાર કરી છે!

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here