કેમ શીખવું એ શીખવું જરૂરી છે!

વોટ્સએપ પર રૂપિયાની આપલે તો હજી હમણાં શરૂ થઈ, તેના પર હોમવર્કની આપલે તો કેટલાય સમયથી શરૂ થઈ ગઈ છે!

વિદ્યાર્થીઓ પોતાનું હોમવર્ક કરવામાં જ્યાં અટકે ત્યાં મિત્રો પાસેથી, તેમણે કરેલા વર્કની ઇમેજ મંગાવીને બેઠ્ઠી કોપી કરે છે અથવા ગૂગલ પર જવાબ શોધવા જાય છે. છેવટે હોમવર્કમાં જરાય ઉપયોગી ન થાય એવી સાઇટ્સ પર આંટાફેરા વધી જાય છે!

આજે ઘર ઘરમાં આ સ્થિતિ જોવા મળે છે ત્યારે આ અંકમાં આપેલી સોક્રેટિક નામની એપ ખાસ તપાસવા જેવી છે. આ એપ, હોમવર્કમાં ન સમજાતી બાબતો જાતે શીખવા મથતા વિદ્યાર્થી અને તેના મમ્મી-પપ્પાને બહુ ઉપયોગી થાય છે. એ જવાબો તો આપે છે, પણ સાથોસાથ એવું બીજું ઘણું બતાવે છે જેનાથી એ વિષયની સમજ વધુ ગાઢ બને છે અને છતાં, સમય વેડફાતો નથી!

‘સાયબરસફર’નો પ્રયાસ પણ કંઇક એ જ દિશામાંનો છે. જે લોકો આજીવન શીખતા રહેવામાં માને છે એમના માટે સ્માર્ટફોન અને ઇન્ટરનેટ અનન્ય ભેટ સમાન છે. ‘સાયબરસફર’ આ ભેટનો પૂરો લાભ લેવામાં મદદ કરે એવી બાબતો તરફ તમારું ધ્યાન દોરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય કમાય છે!

એફએક્યુ વિભાગમાં, ડિજિટલ આર્કાઇવ કરવા વિશેના લેખ તરફ પણ આપનું ધ્યાન દોરવા ઇચ્છું છું. એપ્સની સંખ્યા અત્યારે લાખોમાં પહોંચી છે, ત્યારે આપણી કેટલીક ખાસ જરૂરિયાતો પૂરી કરવા જુદી જુદી એપ્સનું કોમ્બિનેશન કેવું લાભદાયી થઈ શકે એ આ લેખ દર્શાવે છે. તમારા અભિપ્રાય જરૂર આપશો.

– હિમાંશુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here