ગયા મહિને, અગાઉના ટ્વીટર અને હાલના એક્સ પ્લેટફોર્મ પર એક નવી જાતનો ગોકીરો મચ્યો. થોડા જ સમયમાં એ બધી વાત અખબારોનાં પાને અને ન્યૂઝ મીડિયામાં પહોંચી.
એ બધાને કારણે એક વાત સાબિત થઈ ગઈ કે આપણે હજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નો યોગ્ય ઉપયોગ કરવા માટે તૈયાર નથી. આપણે માટે એઆઇ એક રમકડું છે. જો તેનો આવો જ ઉપયોગ ચાલુ રાખીશું તો આપણને મળેલી એક અત્યંત પાવરફુલ ભેટને આપણે ખેદાનમેદાન કરી નાખીશું.
એક્સ પ્લેટફોર્મ પર શું બન્યું એ તમે જાણતા જ હશો. પરંતુ કદાચ તેનાં કારણોમાં ઊંડા ઊતર્યા નહીં હો. આ પ્લેટફોર્મ પર સૌને ફ્રી ઉપલબ્ધ થયેલા એઆઇ પ્લેટફોર્મ ગ્રોક સાથેની વાતચીતમાં કોઈ યૂઝરે ગાળ વાપરી ગ્રોકે સામે ગાળાગાળી કરી. પછી અન્ય યૂઝર્સ સાથે પણ તેણે હિન્દી અને તમિળ ભાષામાં ગાળાગાળી કરી. ગ્રોક સાથે તો રમત કરી શકાય છે એવું સમજાતાં યૂઝર્સને ચાનક ચઢી અને પછી આખી વાતને રાજકીય રંગ મળ્યો.
ગ્રોકને આપણે જે પ્રકારે સવાલ પૂછીએ તેના તે એ જ પ્રકારે જવાબ આપે છે. આથી યૂઝર્સે જાણી જોઇને પોતાને જેવા જવાબ જોઈતા હોય એવા સવાલો પૂછવાનું શરૂ કર્યું. કોઈએ નરેન્દ્ર મોદીને નિશાન પર લીધા તો કોઈએ રાહુલ ગાંધીને. જો સવાલ જ એ પ્રકારનો હોય કે નરેન્દ્ર મોદીએ કહેલાં ૧૫ જુઠ્ઠાણાંની યાદી બનાવી આપ, તો ગ્રોક સ્વાભાવિક રીતે એ જ કામ કરવાનું છે.
જો કોઈ યૂઝરે ૧૫ સિદ્ધિઓ ગણાવવા કહ્યું હોત તો ગ્રોકે એ કામ કર્યું હોત. પરંતુ ટોળાંને કોઈ બુદ્ધિ હોતી નથી. એ પ્રમાણે ગ્રોક પર રીતસર રાજકીય ઇરાદાથી દોરવાયેલા સવાલોનો મારો થઈ ગયો. ગ્રોક તેને જે ડેટાથી ટ્રેઇન કરવામાં આવે છે તેના આધારે જવાબ આપતું ગયું. ગ્રોક માટે જવાબ આપવાનો બીજો મુખ્ય આધાર એક્સ પરની પોસ્ટ છે. આ પ્લેટફોર્મ પર ભાજપ અને કોંગ્રેસના ભક્તો અને વિરોધીઓની ભરમાર છે. એટલે બંને પ્રકારના કન્ટેન્ટનો અહીં કોઈ તોટો નથી. જ્યારે સવાલ જુઠાણા વિશેનો હોય ત્યારે એક્સ પરથી ૧૫ નહીં, ૫૦ જુઠાણાનો દાવો કરનારા મળી જાય. ગ્રોકે એ બધું તારવીને બતાવ્યું.
ખરેખર તો હજી હમણાં સુધી બધા એઆઇ ચેટબોટની વેબસાઇટ કે એપમાં નીચેની તરફ સ્પષ્ટ સૂચના વાંચવા મળતી હતી કે એઆઇ ભૂલો કરી શકે છે. તમારે પોતાની વિવેકબુદ્ધિ વાપરવી. હવે આ બધા એઆઇ ચેટબોટ વચ્ચે તીવ્ર સ્પર્ધા શરૂ થઈ હોવાથી ઘણી ખરી એઆઇ સર્વિસે ચૂપચાપ આ ચેતવણી મુખ્ય પેજ પરથી હટાવીને ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં ક્યાંક ખૂણે ખાંચરે દબાવી દીધી છે. પરંતુ તેનાથી હકીકત બદલાતી નથી.
એઆઇ ચેટબોટ સર્વજ્ઞાની નથી. આપણે તેના અભિપ્રાય પૂછવાના ન હોય. એ જે કંઈ કહે તેને માથે ચઢાવવાનું ન હોય. તે માત્ર આપણા સવાલને સંબંધિત ઇન્ટરનેટ પર જ્યાં ખૂણેખાંચરે માહિતી પડી હોય એ તારવીને એનો સારાંશ તૈયાર કરી આપે છે. આ કામ તે બહુ સચોટ રીતે કરે છે એમાં કોઈ શંકા નથી. પરંતુ આપણે ફોકસ એઆઇની આ શક્તિનો યોગ્ય ઉપયોગ કરવા પર નહીં રાખીએ તો સરવાળે આપણે જ એઆઇની બુદ્ધિ બગાડીશું. કેમ કે ખરેખર તો આપણે એઆઇના ગુરૂ છીએ. અત્યારે આપણે એઆઇને ગુરૂ માની લીધેલ છે.
– હિમાંશુ
(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)