તમામ એઆઇ ચેટબોટ ક્યારેક ને ક્યારે કહે છે ‘‘આતા માઝી સટકલી!’’

માણસની ખોપરી જ અળવીતરી છે. બધું સીધું-સાદું ચાલે તો એને સખ ન વળે. એને કોઈક રીતે સળી કર્યા વિના ન ચાલે. એ પણ ખરું કે બીજા કોઈ તેની સાથે સળી કરી જાય તો પાછી મગજની કમાન છટકે. જો માણસ આવો હોય, તો તેની અદ્દલ નકલ જેવી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)નું ‘મગજ’ પણ ક્યારેક છટકે એમાં શી નવાઈ?
હમણાં ગ્રોક એઆઇએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંબંધિત ‘બેફામ’ વાતો કરી અને હિન્દી-તમિલમાં ગાળાગાળી પણ કરી. બીજા એક કિસ્સામાં એક ભારતીય વિદ્યાર્થીને ગૂગલ જેમિનીએ કહ્યું કે ‘‘તું ધરતી પરનો બોજ છે. મરી જા, તું મરી જા!’’
એઆઇ ભલે બુદ્ધિશાળી ગણાય, ઘણી વાર એ પણ પિત્તો ગુમાવી દે છે – આવા કિસ્સા અવારનવાર બહાર આવે છે. માણસ પોતે સમજીવિચારીને કે પબ્લિસિટી માટે એઆઇ પાસે ગોટાળા કરાવે એવું પણ પૂરેપૂરું શક્ય છે. મહત્ત્વનું એ છે કે એઆઇ આપણી પાસેથી જ નવું શીખે છે – આપણે તેને આડે પાટે ચઢાવીશું તો અંતે નુકસાન આપણને જ છે.
અત્યારે સોફ્ટવેરના કોડિંગથી લઈને સ્વાસ્થ્ય, શિક્ષણ અને રસોઈ સુધી બધે જ એઆઇની બોલબાલા થઈ ગઈ છે ત્યારે એઆઇના આવા ગરબડ-ગોટાળા રમૂજ કરતાં ચિંતા વધુ કરાવે એવા છે. જેમ સોશિયલ મીડિયા સમાજનો અરીસો છે, એવું જ એઆઇનું છે. તે ભલે ડેટાને આધારે ટ્રેઇન થાય, પરંતુ પછી એ આપણી સંગતમાં જ વધુ ને વધુ શીખે છે. એ જોતાં, જે રીતે આપણે જાતે ઇન્ટરનેટ જેવી અપાર શક્તિશાળી બાબતને ખાસ્સી બગાડી નાખી છે, એવું જ એઆઇ સાથે ન કરીએ તો સારું!