મેટા અને અન્ય કંપનીઓ હવે સ્માર્ટ ચશ્મા પર ફોકસ કરી રહી છે, જે સ્માર્ટવોચની હરીફાઇ કરે તેમ છે.

એપલ, ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓ સાથે મળીને ફક્ત એક જાયન્ટ ટેક કંપની બની જાય તો શું થાય? વર્ષ ૨૦૧૭માં આવેલી ‘ધ સર્કલ’ નામની એક મૂવીમાં આવી કલ્પના કરવામાં આવી હતી (નેટફ્લિક્સ પર જોઈ શકો છો). એ કંપની એક ટચૂકડો કેમેરા બનાવે છે. કંપનીના બોસ તમામ એમ્પ્લોઇને આ કેમેરા ચોવીસે કલાક પોતાના ગળામાં પહેરી રાખીને અને ઘરમાં-ઓફિસમાં બધે આવા કેમેરા ગોઠવીને એમની લાઇફ સૌ માટે ચોવીસે કલાક ઓપન કરી દેવા ઉશ્કેરે છે. રાત-દિવસ તમે જે કંઈ કરો, બીજા લોકો તમારી સાથે જે રીતે વર્તે એ બધું જ સતત – ફરી વાંચો, બધું જ સતત – આખી દુનિયા જોઈ શકે! ‘ટોટલ ટ્રાન્સપરન્સી’થી દુનિયા બદલાઈ જશે એવો આ કન્સેપ્ટ આખરે આડો ફાટે છે અને પછી તો…
એ મૂવીની વાત બાજુએ મૂકીએ.