આપણે આનંદભરી યાદો વાગોળવા માટે ફોટો-વીડિયો લઈએ છીએ, એ આપણી જ ભૂલથી ગાયબ ન થવાં જોઈએ.

માની લો કે તમારા કોઈ પડોશીએ સાંજે ગરમાગરમ ભજિયાં બનાવ્યાં. પડોશી સ્વભાવે બહુ સારા છે, એટલે તમારે માટે આખી એક પ્લેટ ભરીને ભજિયાં તમને આપી ગયા. તમે ભજિયાં સીધેસીધાં આરોગી જાવ તો બધી વાત પૂરી થાય. પણ આપણે તો ઇન્સ્ટાજીવી છીએ! સામે ફૂડ ડિશ હોય તો ફોટોગ્રાફ લીધા વિના કેમ ચાલે? હજી માની લો કે તમારે ભજિયાંની ઇમેજ તરત ને તરત ઇન્સ્ટા પર કે બીજે ક્યાંય શેર કરવી નથી. એટલે તમે ફક્ત આઇફોન કે એન્ડ્રોઇડ ફોનનો કેમેરા ઓન કરી, ભજિયાંની ઇમેજ લીધી.