નબળી ફેક ઇમેજિસ હવે ભૂતકાળની વાત છે – હવે જોતાં જ ભરમાઈ જવાય એવા બનાવટી વીડિયો વાઇરલ થવા લાગ્યા છે.

ભારત હોય કે બીજો કોઈ પણ દેશ, લોકો સેલિબ્રિટીઝનું આંધળું અનુકરણ કરતા હોય છે. અમિતાભ આપણને કહે કે ફલાણી બ્રાન્ડનું માથામાં નાખવાનું તેલ સારું, તો આપણે એ માની લઇએ. કરીના કહે કે ફલાણું કૂકિંગ ઓઇલ હેલ્ધી, તો એ પણ આપણે માની લઇએ. આ બધી જાહેરાતો જે તે સેલિબ્રિટીને લાખો-કરોડો રૂપિયા ચૂકવીને કરવામાં આવે, પરંતુ એઆઇ અને ડીપફેકના આગમન સાથે ઘણી કંપનીઓ પોતાની પ્રોડક્ટ કે સર્વિસનું માર્કેટિંગ કરવાના શોર્ટકટ શોધવા લાગી છે.