એઆઇનાં બે પાસાં – કેવો ઉપયોગ કરવો એ આપણે વિચારવાનું!

By Himanshu Kikani

3

આપણે ફોટોગ્રાફ-વીડિયો શા માટે લેતા હોઈએ છીએ? જે તે ક્ષણોને કાયમ માટે સાચવી લેવા માટે. સમય તો સતત વહેતો રહે, પણ આપણા ફોટો-વીડિયોમાં એ ક્ષણો કાયમ માટે જેમની તેમ જળવાઈ રહે.

હવે આ ‘જેમની તેમ’ વાળી વાત રહી નથી!

આપણા સ્માર્ટફોનમાં જ કેમેરા મળતાં આપણી ફોટોગ્રાફી-વીડિયોગ્રાફી જોરદાર વધી ગઈ, પણ ડિજિટલ ફાઇલ્સ સાચવવાનું કામ શરૂઆતમાં બહુ મુશ્કેલ હતું.

પછી  વર્ષ ૨૦૧૫માં ગૂગલે ‘ગૂગલ ફોટોઝ’ નામે એક એપની ભેટ આપી. એની મજા એ હતી કે આપણે પોતાના ફોનથી કે અન્ય રીતે લીધેલા ડિજિટલ ફોટો-વીડિયો તેમાં અપલોડ કરતા રહેવા સિવાય બીજું કંઈ કરવાની જરૂર નહીં.

બધું તારીખ-મહિના-વર્ષ મુજબ ગોઠવાતું જાય. પરિવારની વિવિધ વ્યક્તિના ચહેરા ઓળખીને તેમનાં આલબમ આપોઆપ બનતાં જાય. આપણી વર્ષોજૂની યાદો જુદી જુદી સરસ રીતે આપણી સામે આવતી જાય…

ફોટોઝ એપની મજા એની આ સરળતામાં હતી. આપણે લગભગ કોઈ મહેનત કરવી ન પડે. પછી એમાં ફોટો-વીડિયો એડિટિંગનાં ટૂલ ઉમેરાયાં. બીજાં પણ ઘણાં ક્રિએશન ટૂલ ઉમેરાયાં. એપ તેની સિમ્પ્લિસિટી ગુમાવવા લાગી અને બધું એકદમ ‘ફીચર-રીચ’ બનવા લાગ્યું.

કદાચ ગૂગલને પણ આ વાત ધ્યાનમાં આવી એટલે હવે બધું ફરી એકદમ સરળ બનાવવા તરફ ધ્યાન આપવામાં આવ્યું. એપ લોન્ચ થયાને દસ વર્ષ વીતી ગયાં છે, એટલે હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ને કામે લગાડવામાં આવી – મોટા પાયે!

‘સાયબરસફર’માં આપણે છેક ૨૦૧૫થી આ મજાની વિવિધ સર્વિસનાં વિવિધ પાસાં કવર કરતા રહ્યા છીએ.

આ અંકની કવર સ્ટોરીમાં ફોટોઝ એપમાં થયેલા બે બહુ મોટા ફેરફારની વિગતવાર વાત કરી છે. આ ફેરફારોને કારણે હવે ફોટોઝ ‘જેમના તેમ’ રાખવાને બદલે, તેમાં ધાર્યા ફેરફાર કરી શકીશું – ફક્ત શાબ્દિક સૂચનાથી.

આ ફીચર્સ તમારી એપમાં આવવાની તૈયારીમાં જ હશે.

હવે બીજી વાત.

એઆઇ આ રીતે એક તરફ આપણી દૈનિક પ્રવૃત્તિઓને સહેલી બનાવે છે તો બીજી તરફ એ આપણા પર ચિંતાજનક રીતે હાવી થવા લાગી છે. એટલી હદે કે આપણાં બાળકો આપણી સાથે મોકળા મને વાત કરતાં ખચકાય છે, પણ એઆઇને પોતાનો બેસ્ટ ફ્રેન્ડ ને ગાઇડ માનવા લાગ્યાં છે.

એઆઇ ચોક્કસપણે બહુ પાવરફુલ છે, આપણા કામકાજને તે ઘણી બધી રીતે સહેલું બનાવે છે, પણ તેની સાથેની વાતચીતમાં એક નિશ્ચિત અંતર જાળવવું જરૂરી છે.

આ અંકમાં એઆઇના આ બીજા પાસાની પણ વિગતે વાત કરી છે. એ જો ગમે તો એમાં લખેલી એક વાત પર અમલ કરજો – આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણું સંતાન ચેટજીપીટીને બદલે આપણી સાથે વધુ મોકળા મને વાતચીત કરી શકે.

– હિમાંશુ

(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop