આપણે માથું ઊંચું રાખતાં ભૂલી જશું?

By Himanshu Kikani

3

જ્ઞાન-વિજ્ઞાનના આપણા અનન્ય ગુજરાતી મેગેઝિન ‘સફારી’ના સ્થાપક નગેન્દ્ર વિજય અને સદીઓ જૂની લગ્નપ્રથામાં ટેક્નોલોજીનો હસ્તમેળાપ કરી શકનારા શાદી.કોમના સ્થાપક અનુપમ મિત્તલ. બંને વચ્ચે કોઈ સામ્ય ખરું? બંને ક્યારેય એકબીજાને મળ્યા નહીં હોય, છતાં બંનેના વિચારોમાં કેવી ગજબની સમાનતા અને આપણા સમાજ પ્રત્યેની ચિંતા છે એ જુઓ.

નગેન્દ્રભાઈએ ‘સફારી’ના ૩૬૯મા અંક સાથે ‘સફારી’ની સફરનું સમાપન કર્યું ત્યારે તંત્રીલેખમાં લખ્યું કે ‘‘સ્માર્ટફોન અને સોશિયલ મીડિયાની બોલબાલાના સંજોગોમાં જ્ઞાનવિજ્ઞાનના ‘સફારી’નો ફેલાવો અગાઉની સરખામણીએ છઠ્ઠા ભાગ જેટલો પણ રહ્યો નથી. વાચકોના અભાવને લીધે હૃદયમાં વરતાતો ખાલીપો હવે કલમને ચાલવા દેતો નથી.’’ ‘સફારી’ અને નગેન્દ્રભાઈ સાથેના મારા અનુભવોની વાત આ અંકમાં અલગ લેખમાં કરી છે, અહીં આપણે અનુપમ મિત્તલના વિચારો જાણી લઈએ.

અનુપમને આપણે ‘શાર્ક ટેન્ક’ના હોસ્ટ તરીકે હવે વધુ ઓળખીએ છીએ. એ પોતાના વિચારો શબ્દો ચોર્યા વિના કહી દેવા માટે જાણીતા છે. હમણાં તેમણે લિંક્ડઇન પર એક પોસ્ટ મૂકી, તેનો સાર કંઈક આવો છે…

‘‘ભારતના ટેલેન્ટેડ યુવાનો સિલિકોન વેલીમાં ચાલ્યા જાય છે એ ચિંતાની વાત નથી, ચિંતાની વાત એ છે કે ભારતનું ટેલેન્ટ સ્ક્રોલિંગમાં વેડફાઈ રહ્યું છે. હું માનું છું કે ગ્લોબલ એન્ટરપ્રીન્યોર્સનો નવો ફાલ ભારતમાંથી જ આવશે, મેં પોતે મારા રૂપિયા એમાં રોક્યા છે, પણ આપણે ‘થમ્બ વોરિયર્સ (અંગૂઠાના લડવૈયા)’ની સૌથી મોટી ફોજ પણ ઊભી કરી રહ્યા છીએ.

એક અબજ સ્ક્રીન્સ. એક અબજ દિમાગ.

પણ મોટા ભાગના લોકો એનો કેવો ઉપયોગ કરે છે?

પ્રેન્ક વીડિયો જોવા, કોરિયોગ્રાફ્ડ ડાન્સ સ્વાઇપ કરવા, એઆઇ-જનરેટેડ ‘વિસ્ડમ’નો ઓવરડોઝ લીધા કરવો, જાણે એ જ રોટી-સબ્જી હોય.

પશ્ચિમના દેશોની જેમ આપણે મીડિયા સાથે વિકસી શક્યા નથી. રેડિયો, ટીવી, કેબલ, પછી ઇન્ટરનેટ. આપણે સીધા રીલ્સમાં ખાબક્યા અને એમાં જ ડૂબી ગયા.

ટિકટોક, ઇન્સ્ટા અને યુટ્યૂબે પોતાનું કામ કરી લીધું – એમણે આપણું એટેન્શન મેળવી લીધું અને કમાણી કરી લીધી. પણ એ પ્રક્રિયામાં આપણે શું ગુમાવ્યું?

આપણે એક એવી પેઢી ઉછેરી રહ્યા છીએ, જે રમતી જ નથી. ટીનેજર્સ વાતો કરતા નથી. એડલ્ટ્સ વિચારતા જ નથી – આ બધા ફક્ત સ્ક્રોલ કર્યા કરે છે. એઆઇ સાથે, આ બધું હજી વધશે.

આ પોસ્ટ સોશિયલ મીડિયા એપ્સ ડિલીટ કરવાની અપીલ કરવા માટે નથી. એ સોલ્યુશન પણ નથી. આ ફક્ત એક ચિંતિત પિતાનો ઉભરો છે. અને કદાચ, આપણાં જ બાળકો માટેની ચર્ચા પણ છે.

મને અન્ય પેરેન્ટસ, પ્રોફેશનલ્સ, એજ્યુકેટર્સ અને એન્ટરપ્રીન્યોર્સના પ્રતિભાવ મેળવવા ગમશે.

તમે આ બધા વિશે શું કરો છો? આપણે જે ભારતનું નિર્માણ કરી રહ્યા છીએ, એ માથું ઊંચું કરવાનું ભૂલી ન જાય એ માટે આપણે શું કરી શકીએ?’’

નગેન્દ્રભાઈ અને અને અનુપમ મિત્તલના આ શબ્દો ઘણું કહી જાય છે. સમજવાની આપણી તૈયારી હોય તો.

 – હિમાંશુ

(અન્ય લેખો વાંચવા લોગ-ઇન કરો)

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop