આપણી લાઇફ ઇઝી બનાવે તેવો, યુપીઆઇમાં વધુ એક ફેરફાર આવી રહ્યો છે.

સવારના પહોરમાં તમે એક હાથમાં ચા ને બીજા હાથમાં અખબાર લઈને આ લેખ વાંચવા બેઠા હો, તો એક ખાસ ભલામણ – ગરમાગરમ ચાના બે-ચાર ઘૂંટ લઈને પછી જ આગલાં બે વાક્યો વાંચજો, કેમ કે એ પછી પણ તમે ગૂંચવાશો એ નક્કી છે. ગયા વર્ષના અંતે એટલે કે ડિસેમ્બર ૨૦૨૪માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ ડિજિટલ પેમેન્ટ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઇ)ના સંદર્ભે એક મોટો ફેરફાર કર્યો. આ નવા ફેરફાર મુજબ હવે પ્રીપેઇડ પેમેન્ટ ઇન્સ્ટ્રૂુમેન્ટ્સ (પીપીઆઇ)ના યૂઝર, તેઓ જે પીપીઆઇ પ્રોવાઇડરની સર્વિસનો ઉપયોગ કરતા હોય તેના ઉપરાંત અન્ય થર્ડ પાર્ટી એપ્સનો પણ ઉપયોગ કરી શકશે.
કહ્યું હતુંને, તમે ગૂંચવાશો! યુપીઆઇ તો આપણે જાણીએ છીએ, પણ આ પીપીઆઇ શું છે? ભારતની યુપીઆઇ વ્યવસ્થા સમગ્ર વિશ્વસ્તરે ઉદાહરણરૂપ ગણાય એટલી એડવાન્સ્ડ છે. પરંતુ તેના ઉપયોગમાં પણ ઘણા લોકો હજી ગૂંચવાય છે. એમાં હવે આરબીઆઇએ જે નવો ફેરફાર કર્યો છે તેને કારણે સરેરાશ લોકો હજી વધુ ગૂંચવાય તેમ છે.