
આ સવાલ હજી થોડો વિસ્તારીએ તો એમ કહી શકાય કે એટીએમમાં મોટા ભાગે પાસકોડ કે પિન તરીકે ઝીરોથી નવ સુધીના ફક્ત ચાર અંકનું કોમ્બિનેશન જરૂરી હોય છે. તેની સરખામણીમાં ઓનલાઇન એકાઉન્ટ માટે પાસકોડને બદલે પાસવર્ડની વ્યવસ્થા હોય છે. મોટા ભાગે તે ઓછામાં ઓછા આઠ કેરેકટરના હોવા જરૂરી છે, તેમાં પણ ડિજિટ્સ, આલ્ફાબેટ્સ (એ પણ પાછા સ્મોલ અને કેપિટલ) સ્પેશિયલ કેરેકટર વગેરે દરેકની હાજરી અનિવાર્ય છે! જો તમે કોઈ પણ પાસવર્ડ મેનેજર સર્વિસનો ઉપયોગ કરતા હો અને તેના દ્વારા સૂચવવામાં આવતા પાસવર્ડનો ઉપયોગ કરતા હશો તો તમારો અનુભવ હશે કે સિસ્ટમ દ્વારા સૂચવવામાં આવતા આવા પાસવર્ડ તો અત્યંત જટિલ હોય છે, જે આપણે કેમેય કરીને યાદ રાખી શકીએ નહીં.